The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesHud [Hud] - Gujarati translation
Surah Hud [Hud] Ayah 123 Location Maccah Number 11
૧. અલિફ-લામ-રાઅ, [1] આ એક એવી કિતાબ છે કે જેની આયતો મુહકમ (મજબૂત) છે, અને આ કીતાબ એક હકીમ-માહિતગાર તરફથી સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે,
૨. એ કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી તમને સચેત કરનાર અને ખુશખબર આપનારો છું.
૩. અને એ કે પોતાના પાલનહાર સામે માફી માંગો, અને તેની સમક્ષ તોબા કરો, તે તમને નક્કી કરેલ સમય સુધી જીવવા માટેનો ઉત્તમ સામાન આપશે, અને વધુ કર્મો કરનારને વધુ સવાબ આપશે અને જો તમે જુઠલાવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસના અઝાબનો ભય છે.
૪. તમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
૫. જુઓ! આ લોકો અલ્લાહથી છુપાવવા માટે પોતાની છાતીઓને ચોડી કરી દે છે, તેમજ પોતાના કપડાથી પોતાને પોતાને ઢાંકી દે છે, (તે સમયે પણ અલ્લાહ) તે બધું જ જાણે છે, જેને આ લોકો છુપાવી રહ્યા છે.
૬. ધરતી પર હરતા-ફરતા જેટલા સજીવો છે દરેકની રોજી અલ્લાહના શિરે છે, તે જ તેમના રહેઠાણોને જાણે છે અને તેમની કબરોની જગ્યાને પણ જાણે છે, બધું જ સ્પષ્ટ કિતાબ (લવ્હે મહફૂઝ)માં લખેલ છે.
૭. અલ્લાહ તે જ છે, જેણે આકાશ અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યું અને (તે સમયે) તેનું અર્શ પાણી પર હતું, જેથી તે તમારી કસોટી કરે કે તમારા માંથી સત્કાર્ય કરનાર કોણ છે, જો તમે તેમને કહો કે તમે લોકો મૃત્યુ પામ્યા પછી પાછા જીવિત કરવામાં આવશો તો કાફિરો જવાબ આપશે કે આ તો સ્પષ્ટ જાદુ છે.
૮. અને જો અમે તેમના પરથી અઝાબને થોડાંક સમય સુધી ટાળી દઇએ, તો આ લોકો જરૂર કહેવા લાગશે કે કઈ વસ્તુના કારણે અઝાબ રોકાઈ ગયો છે, સાંભળો જે દિવસે તેમના પર અઝાબ આવી જશે પછી તેમના પરથી હટશે નહીં, પછી જે વસ્તુની તેઓ ઠઠ્ઠામશ્કરી કરતા હતા, તે તેમને ઘેરાવમાં લઇ લેશે.
૯. જો અમે કોઈ વ્યક્તિને પોતાની નેઅમતનો સ્વાદ ચખાડ્યા પછી તેને લઇ લઇએ તો તે ઘણો જ નિરાશ અને કૃતઘ્ની બની જાય છે.
૧૦. અને જો અમે તેને કોઈ તકલીફ આપ્યા પછી નેઅમતનો સ્વાદ ચખાડીએ, તો તે કહેવા લાગે છે, હવે મારાથી દરેક બુરાઈ દુર થઇ ગઈ, અને તે ઘણો જ ઇતરાવવા લાગે છે અને ઘમંડ કરવા લાગે છે.
૧૧. (પરંતુ) આ પ્રમાણેની બુરાઈથી તે લોકો અળગા રહે છે) જેઓ ધીરજ રાખ્યું અને સત્કાર્યો કર્યા, તેમના માટે જ માફી અને ઘણો જ સારો બદલો છે.
૧૨. (હે નબી)! એવું ન થવું જોઈએ કે તમારા તરફ જે વહી ઉતારવામાં આવે છે, તમે તેનો થોડોક ભાગ ભૂલી જાઓ, અને જેના કારણે તમારું હૃદય તંગ થઇ જાય, અને કાફિરો કહેવા લાગે કે તમારા પર કોઈ ખજાનો ઉતારવામાં કેમ ન આવ્યો, અથવા તમારી સાથે કોઈ ફરિશ્તો કેમ ના આવ્યો? સાંભળી લો! તમે તો ફકત સચેત કરનારા છો અને દરેક વસ્તુનો જવાબદાર અલ્લાહ તઆલા જ છે.
૧૩. અથવા તો ત લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, તમે તેમને જવાબ આપી દો કે જો તમે પોતાની વાતમાં સાચા છો તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો.
૧૪. પછી જો તેઓ તમને આ ચેલેન્જનો જવાબ ન આપે, તો તમે જાણી લો કે આ કુરઆન અલ્લાહના જ્ઞાન સાથે ઉતારવામાં આવ્યું છે અને એ કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તો શું તમે આ (સત્ય આદેશા આવ્યા) પછી મુસલમાન બનો છો?
૧૫. જે વ્યક્તિ દુનિયાના જીવન અને તેના શણગારની ઇચ્છા ધરાવતો હોય, તો અમે આવા લોકોના દરેક કાર્યો (નો બદલો) દુનિયામાં જ પૂરેપુરો આપી દઇએ છીએ, અને દુનિયામાં તેમના બદલામાં કંઈ પણ ઓછું કરવામાં નથી આવતું.
૧૬. હાં, આ જ તે લોકો છે, જેમના માટે આખિરતમાં આગ સિવાય કંઈ નથી અને જે કંઈ તેઓએ દુનિયામાં કર્યું હશે, ત્યાં બધું જ વ્યર્થ થઇ જશે. અને જે કંઈ તેમના કાર્યો હતા બધા જ નષ્ટ થઇ જશે.
૧૭. શું તે વ્યક્તિ, જેની પાસે તેના પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ હોય,પછી તે જ પાલનહાર તરફથી એક સાક્ષી તે જ વાત પઢીને સંભળાવે, અને તે જ વાત તે પહેલાં મૂસાની કિતાબ (તૌરાત)મા પણ હોય, (જે લોકો માટે) માર્ગદર્શક અને રહેમતવાળી હતી, (તો શું તે આ વાતમાં શંકા કરી શકે છે?) આવા જ લોકો તેના પર ઈમાન લાવે છે અને તેમના માંથી જે કોઈ આ વાતનો ઇન્કાર કરશે તો અમે તેના માટે જ જહન્નમનું વચન આપ્યું છે, એટલા માટે તમારે આ પ્રમાણેની વાતોમાં શંકા ન કરવી જોઈએ, ખરેખર તે તમારા પાલનહાર તરફથી સાચી છે, તો પણ ઘણા લોકો ઈમાન નથી લાવતા.
૧૮. તેના કરતા વધારે ઝાલિમ કોણ હોઇ શકે છે જે અલ્લાહ પર જૂઠાણું બાંધે? આવા લોકો પોતાના પાલનહારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને દરેક સાક્ષી આપનાર સાક્ષી આપશે અને કહેશે કે આ તે લોકો છે, જેમણે પોતાના પાલનહાર પર જુઠ ઘડયું, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે,
૧૯. જે લોકો અલ્લાહના માર્ગથી રોકે છે, અને તેમાં ખામી શોધે છે, આવા જ લોકો આખિરતનો ઇન્કાર કરે છે.
૨૦. ન તો આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને ન તો કોઈ અલ્લાહની વિરુદ્ધ તેમની મદદ કરનાર છે, તેમને બમણો અઝાબ આપવામાં આવશે, ન તો તેઓ (સત્ય વાત) સાંભળવાનું પસંદ કરતા હતા, અને ન તો તેઓ (સત્ય વાત) જોઈ શકતા હતા.
૨૧. આ જ તે લોકો છે, જેમણે પોતે જ પોતાનું નુકસાન કરી લીધું અને તે બધું જ તેમનાથી ખોવાઇ જશે, જે તેમણે ઘડી કાઢ્યું હતું.
૨૨. ખરેખર આ લોકો જ આખિરતમાં સૌથી વધારે નુકસાન ઉઠાવનારા હશે.
૨૩. નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા અને પોતાના પાલનહાર તરફ ઝૂકેલા રહ્યા, તે લોકો જ જન્નતમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
૨૪. તે બન્ને જૂથનું ઉદાહરણ એવું જ છે, જેવું કે એક આંધળો-બહેરો હોય અને બીજો જોઈ પણ શકતો હોય અને સાંભળી પણ શકતો હોય શું આ લોકો સરખા હોઈ શકે છે? આ ઉદાહરણ સાંભળી તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા?
૨૫. નિ:શંક અમે નૂહને તેમની કોમ તરફ પયગંબર બનાવીને મોક્લ્યા, (તો તેમણે તે લોકોને કહ્યું) કે હું તમને સ્પષ્ટ રીતે તમને સચેત કરનાર છું.
૨૬. તમે અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરો, હું તમારા પર એક દુ:ખદાયી અઝાબ આવવાથી ડરું છે.
૨૭. તેમની કોમના કાફિર સરદારોએ જવાબ આપ્યો કે અમે તો તને અમારા જેવો એક મનુષ્ય જ જોઇ રહ્યા છે અને તારું અનુસરણ કરનારાઓને પણ અમે જોઇ રહ્યા છે કે તે લોકો સ્પષ્ટ રીતે નીચલા (હીન) લોકો છે, જે સમજ્યા વગર (તમારું અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ અમારા ઉપર નથી જોઇ રહ્યા, પરંતુ અમે તો તમને જુઠા સમજી રહ્યા છીએ.
૨૮. નૂહએ કહ્યું મારી કોમના લોકો! (જુઓ તો ખરા) જો હું મારા પાલનહાર તરફથી કોઈ સ્પષ્ટ દલીલ પર છું અને તેણે મને પોતાની પાસેથી એક કૃપા (પયગંબરી) અર્પણ કરી છે, જે તમને નજર નથી આવતી, તો શું જબરદસ્તી હું તેને તમારા ગળે નાંખી દઉં? (કે તમે જરૂર ઈમાન લાવો) જો કે તમે તેને પસંદ ના કરતા હોય.
૨૯. મારી કોમના લોકો! હું તમારી કોઈ માલદૌલત તો નથી માંગતો, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે જ છે. જે લોકો ઈમાન લાવ્યા તેમને હું મારી પાસેથી દૂર નથી કરી શકતો, તેઓ પોતાના પાલનહાર સાથે જરૂર મુલાકાત કરશે, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે બધા અજ્ઞાનતામાં પડ્યા છો.
૩૦. મારી કોમના લોકો! જો હું તે ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી દઉં તો અલ્લાહની વિરૂદ્ધ મારી મદદ કોણ કરી શકે છે? શું તમે કંઈ પણ શિખામણ પ્રાપ્ત નથી કરતા.
૩૧. હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને ન તો મારી પાસે ગેબનું ઇલ્મ છે, ન હું એવું કહું છું કે હું કોઈ ફરિશ્તો છું, ન તો હું એવું કહું છું કે જેને તમે તુચ્છ જાણો છો, તેમને અલ્લાહ તઆલા કોઈ નેઅમત આપશે જ નહીં, તેમના હૃદયોમાં જે કંઈ પણ છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, જો હું આવું કહુ તો ખરેખર હું જાલિમ લોકો માંથી થઇ જઇશ.
૩૨. (કોમના લોકોએ) કહ્યું, હે નૂહ! તમે અમારી સાથે ઝઘડો કર્યો અને ઘણો વાદ-વિવાદ કરી લીધો, હવે તમે જે વસ્તુથી અમને ડરાવી રહ્યા છો, તે જ અમારી પાસે લઇ આવો, જો તમે સાચા હોવ.
૩૩. નૂહએ જવાબ આપ્યો કે, તેને પણ અલ્લાહ તઆલા જ લાવશે, જો તે ઇચ્છે અને તમે તેને ક્યારેય હરાવી નહીં શકો.
૩૪. જો હું તમારા માટે શુભેચ્છુક બનવા ઈચ્છું તો પણ મારી ભલામણ તમને શું ફાયદો પહોંચાડી શકે છે, જ્યારે કે અલ્લાહ જ તમને ગુમરાહ કરવા ઇચ્છતો હોય, તે જ તમારા સૌનો પાલનહાર છે અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
૩૫. (હે નબી! શું આ લોકો કહે છે કે આ (કુરઆનને) તેણે પોતે જ ઘડી કાઢ્યું છે? તમે તેઓને જવાબ આપી દો કે જો મેં આ કુરઆન ઘડી કાઢ્યું હોય તો મારા ગુનાહનો જવાબદાર હું પોતે જ છું, અને હું તે ગુનાહોથી અળગો છું, જે તમે કરી રહ્યા છો.
૩૬. નૂહ તરફ વહી કરવામાં આવી કે તમારી કોમ માંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા તેમના સિવાય બીજા કોઈ ઇમાન નહીં લાવે, બસ! તમે તેમના કાર્યોથી નિરાશ થવાનું છોડી દો.
૩૭. અને એક હોડી અમારી આંખો સામે અમારા આદેશ પ્રમાણે બનાવો અને જાલિમ લોકો વિશે અમારી સાથે કંઈ પણ વાર્તાલાપ ન કરશો, તેઓને પાણીમાં ડુબાડી દેવામાં આવશે.
૩૮. નૂહ હોડી બનાવવા લાગ્યા, તેમની કોમના સરદારો તેમની પાસેથી પસાર થતા તો તેમની મશ્કરી કરતા, નૂહએ કહ્યું, જો (આજે) તમે અમારી મશ્કરી કરી રહ્યા છો, તો અમે પણ એક દિવસ તમારો મજાક ઉડાવીશું જેવી રીતે તમે અમારા પર હસો છો.
૩૯. તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર અઝાબ આવશે, જે તેને અપમાનિત કરશે અને તેના પર હંમેશાની સજા ઉતરશે.
૪૦. અહીં સુધી કે જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો અને “ તન્નૂર” (અર્થાત ધરતી) ઊકળવા લાગ્યું, અમે નૂહને કહ્યું કે આ હોડીમાં દરેક પ્રકારના (સજીવો માંથી) જોડ (એટલે કે) બે ઢોર (એક નર અને એક માદા) લઇ લો અને તમારા ઘરવાળાઓને પણ લઈ લો, તે લોકો સિવાય જેમની બાબતે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે, (કે તેઓ નષ્ટ થનારા લોકો માંથી છે), અને દરેક ઇમાન લાવનારા લોકોને પણ તમારી સાથે લઇ લો, તેમની સાથે ઇમાન લાવનારા થોડાક જ હતા.
૪૧. નૂહએ કહ્યું કે આ હોડીમાં બેસી જાઓ, અલ્લાહના જ નામથી તે ચાલશે અને રોકાશે, નિ:શંક મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.
૪૨. તે હોડી તેમને લઇ ચાલી રહી હતી, જ્યારે કે એક મોજો પર્વતની જેમ ઉઠી રહ્યો હતો, તે સ્થિતિમાં નૂહએ પોતાના પુત્રને, જે એક કિનારા પર હતો, પોકારીને કહ્યું કે હે મારા પ્રિય દીકરા! અમારી સાથે સવાર થઇ જા અને કાફિર લોકોનો સાથ ન આપ.
૪૩. તેણે જવાબ આપ્યો કે હું તો કોઈ ઊંચા પર્વત ઉપર ચાલ્યો જઇશ, જે મને પાણીથી બચાવી લેશે, નૂહએ કહ્યું આજે અલ્લાહના આદેશ મુજબ બચાવનાર કોઈ નથી, ફકત તે જ લોકો બચશે જેના પર અલ્લાહ રહમ કરશે, તે જ સમયે બન્નેની વચ્ચે મોજા આવી ગયા અને તે ડુબનારાઓ માંથી થઇ ગયો.
૪૪. (પછી થોડોક સમય પછી અલ્લાહનો આદેશ આવ્યો) કહ્યું કે હે ધરતી! પોતાના પાણીને પી લે, અને હે આકાશ! બસ કર, થંભી જા, તે જ સમયે પાણી સુકાવી દેવામાં આવ્યું અને કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હોડી “જૂદી” નામના પર્વત પર ઉભી રહી અને કહેવામાં આવ્યું કે જાલિમ લોકો (અલ્લાહની રહમતથી) દૂર રહી ગયા.
૪૫. નૂહએ પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે મારા પાલનહાર! મારો દીકરો તો મારા ઘરવાળાઓ માંથી હતો, નિ:શંક તારું વચન ખરેખર સાચું છે અને તું જ ઉત્તમ નિર્ણય કરનાર છે.
૪૬. અલ્લાહ તઆલાએ કહ્યું, હે નૂહ! ખરેખર તે તારા ઘરવાળાઓ માંથી ન હતો, એટલા માટે જે વસ્તુનું તને ઇલ્મ ના હોય તેની બાબતે મારી પાસે સવાલ ના કરશો, હું તને શિખામણ આપું છું કે તું અણસમજુ લોકો જેવી વિનંતિ ન કરશો.
૪૭. નૂહએ કહ્યું, મારા પાલનહાર! હું તારા જ શરણમાં આવુ છું તે વાતથી કે તારી પાસે તે માંગુ જેનું જ્ઞાન મને નથી, જો તું મને માફ નહીં કરે અને તું મારા પર દયા નહીં કરે તો હું નુકસાન ઉઠાવનારા લોકો માંથી થઇ જઇશ.
૪૮. કહેવામાં આવ્યું કે હે નૂહ! અમારા તરફથી સલામતી અને બરકતો સાથે જે તારા પર અને તે જૂથ પર (ઉતારવામાં આવી) જેઓ તારી સાથે છે, હોડી માંથી ઉતરી જાઓ. (તેમની પેઢીમાં) ઘણા તે જૂથો હશે જેને અમે લાભ તો જરૂર પહોંચાડીશું, પછી તેમના પર અમારા તરફથી તેમના પર દુ:ખદાયી અઝાબ આવશે.
૪૯. (હે નબી) આ જાણકારી ગેબની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરીએ છીએ, તેને આ પહેલા ન તમે જાણતા હતા અને ન તો તમારી કોમ, એટલા માટે ધીરજ રાખો, (એટલા માટે કે) નિ:શંક સારું પરિણામ ડરવાવાળાઓ માટે જ છે.
૫૦. અને આદની કોમ તરફ તેમના ભાઇ હૂદને અમે મોકલ્યા, તેમણે કહ્યું મારી કોમના લોકો! અલ્લાહની જ બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તમે તો જુઠું ઘડી રાખ્યું છે.
૫૧. હે મારી કોમના લોકો! આના બદલામાં હું તમારી પાસે કોઈ બદલો નથી માગતો, મારો બદલો તો અલ્લાહના શિરે છે જેણે મારું સર્જન કર્યું, શું તમે વિચારતા નથી?
૫૨. હે મારી કોમના લોકો! તમે પોતાના પાલનહાર પાસે પોતાના ગુનાહોની માફી માગો અને તેના દરબારમાં તૌબા કરો, જેથી તે તમારા પર વરસનારા વાદળો મોકલી દે. અને તમારી તાકાતમાં પણ વધારો કરી દે. અને પાપી લોકો તરફ મોઢું ના ફેરવશો.
૫૩. તેમણે કહ્યું હે હૂદ! તમે અમારી પાસે કોઈ સ્પષ્ટ દલીલ તો લાવ્યા નથી અને અમે ફકત તારા કહેવાથી અમારા પૂજ્યોને છોડવાના નથી અને ન તો તારા પર ઇમાન લાવી શકીએ છીએ.
૫૪. પરંતુ અમે તો એ જ કહીએ છીએ કે તમે અમારા કોઈ પૂજ્યની ખરાબ ઝપટમાં આવી ગયા છો, હૂદે જવાબ આપ્યો કે હું અલ્લાહને સાક્ષી બનાવું છું અને તમે પણ ગવાહી આપજો કે હું તો જે કઈ શિર્ક તમે કરી રહ્યા છો તેનાથી હું અળગો છું.
૫૫. અલ્લાહને છોડીને બાકી તમે સૌ ભેગા મળીને મારી વિરૂદ્ધ યુક્તિઓ કરી શકો છો તો કરો અને મને થોડીક પણ મહેતલ ન આપો.
૫૬. મારો વિશ્વાસ ફક્ત અલ્લાહ પર છે, જે મારો અને તમારા બધાનો પાલનહાર છે, જેટલા પણ સજીવો છે સૌના કપાળો તેના જ હાથમાં છે. નિ:શંક મારો પાલનહાર સાચા માર્ગ ઉપર છે.
૫૭. બસ! જો તમે મોઢું ફેરવશો, તો હું તમારી પાસે જે આદેશો પહોચાડવા માટે મોકલવામાં આવ્યો હતો, તે આદેશો મેં તમારા સુધીપહોંચાડી દીધા, મારો પાલનહાર તમારી જગ્યા પર બીજા લોકોને લાવી દેશે અને તમે તેનું કંઈ પણ બગાડી શકતા નથી, નિ:શંક મારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.
૫૮. અને જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો તો અમે હૂદને અને તેના મુસલમાન મિત્રોને પોતાની ખાસ કૃપા વડે મુક્ત કર્યા અને અમે સૌને સખત અઝાબથી બચાવી લીધા.
૫૯. આ આદની કોમના લોકો હતા, જેમણે પોતાના પાલનહારની આયતોનો ઇન્કાર કર્યો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી. અને દરેક અત્યાચારી અને વિદ્રોહી લોકોના આદેશોનું અનુસરણ કર્યું.
૬૦. દુનિયામાં પણ તેમની ઉપર લઅનત (ફિટકાર) નાંખી દેવામાં આવી અને કયામતના દિવસે પણ, જોઇ લો આદની કૌમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આદના લોકો અલ્લાહની (કૃપાથી) દૂર થાય. જેઓ હૂદની કોમના લોકો હતા.
૬૧. અને ષમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલિહ ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તેણે જ તમારું ધરતી માંથી સર્જન કર્યું અને તેણે જ આ ધરતી પર તમને વસાવ્યા, બસ! તમે તેની પાસે માફી માંગો અને તેની તરફ રજૂ થઇ જાવો, નિ:શંક મારો પાલનહાર નજીક છે અને દુઆઓને કબૂલ કરવાવાળો છે.
૬૨. તેમણે કહ્યું, હે સાલિહ! આ પહેલા તો અમને તારાથી ઘણી આશાઓ હતી, શું તું અમને (તે પૂજ્યોની) બંદગી કરવાથી રોકી રહ્યો છે જેમની બંદગી આપણા પૂર્વજો કરતા આવી રહ્યા છે? અમને તો તે દીન વિશે શંકા છે, જેની તરફ તું અમને બોલાવી રહ્યો છે.
૬૩. સાલિહએ જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! તમે મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ મજબૂત દલીલ પર હોય અને તેણે મને પોતાની કૃપા (નુબૂવ્વત) પણ આપી હોય, પછી જો હું તેની અવજ્ઞા કરું તો કોણ છે જે તેની વિરૂદ્ધ મારી મદદ કરશે? તમે તો મારું નુકસાન વધારી રહ્યા છો.
૬૪. અને મારી કોમના લોકો! આ અલ્લાહની ઉતારેલી ઊંટણી છે, જે તમારા માટે એક મુઅજિઝો (ચમત્કાર) છે, હવે તેને તમે અલ્લાહની ધરતી પર ખાવા માટે છોડી દો અને તેને કઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચાડો, નહીં તો તરત જ તમારા પર અઝાબ આવી પહોંચશે.
૬૫. તો પણ તે લોકોએ તે ઊંટણીના પગ કાપી નાંખ્યા, તેના પર સાલિહએ કહ્યું કે સારું તો તમે પોતાના ઘરોમાં (ફક્ત) ત્રણ દિવસ સુધી રહી લો, આ એવું વચન છે, જે ખોટું નથી.
૬૬. પછી જ્યારે અમારો (અઝાબનો) આદેશ આવી પહોંચ્યો, અમે સાલિહને અને તેમના પર ઇમાન લાવવાવાળાને પોતાની કૃપાથી તે અઝાબ અને તે દિવસના અપમાનથી બચાવી લીધા, નિ:શંક તમારો પાલનહાર અત્યંત તત્વદર્શી અને વિજયી છે.
૬૭. અને જે લોકોએ અત્યાચાર કર્યો હતો તેમને એક ધમાકાએ પકડી લીધા, પછી તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા રહી ગયા.
૬૮. એવી રીતે, જાણે કે તેઓ ત્યાં ક્યારેય રહેતા જ ન હતા, સચેત થઇ જાવ કે ષમૂદની કોમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, સાંભળી લો તે ષમૂદના લોકો પર (અલ્લાહની રહેમત)થી દૂર થઇ ગયા.
૬૯. અને હા, અમારા સંદેશવાહક (ફરિશ્તા) ઇબ્રાહીમ ખુશખબર લઇ પહોંચ્યા, તેમને સલામ કર્યું, તેમણે પણ સલામનો જવાબ આપ્યો અને વિલંબ કર્યા વગર ગાયનું ભુનેલું વાછરડું લઇ આવ્યા.
૭૦. હવે જ્યારે જોયું કે તે (મહેમાનો) હાથ ખાવા માટે આગળ નથી રહ્યા, તો તેની અજાણતા જોઇ, મનમાં તેમનાથી ડરવા લાગ્યા, (આ જોઈ તેઓ કહેવા લાગ્યા) ડરો નહીં, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
૭૧. અને ઇબ્રાહિમની પત્ની,જે પાસે ઉભા હતા, હસવા લાગ્યા, તો અમે તેમને ઇસ્હાક અને ઇસ્હાક પછી યાકૂબની ખુશખબર આપી.
૭૨. તે કહેવા લાગી, મારા પર અફસોસ છે, મારે ત્યાં સંતાન કેવી રીતે થઇ શકે છે, હું પોતે વૃદ્ધા અને મારા પતિ પણ વૃદ્ધાવસ્થામાં છે. આ તો ખરેખર આશ્ચર્યની વાત છે.
૭૩. ફરિશ્તાઓએ કહ્યું, શું તું અલ્લાહના આદેશ પર આશ્વર્ય પામે છે? હે અહલે બેત! તમારા પર અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, નિ:શંક અલ્લાહ તઆલા પ્રશંસાને લાયક અને ખૂબ જ પ્રતિષ્ઠાવાળો છે.
૭૪. જ્યારે ઇબ્રાહીમનો ભય ખતમ થવા લાગ્યો અને તેમને ખુશખબરી પણ પહોંચી ગઇ તો તેઓ લૂતની કોમ વિશે ઝઘડવા લાગ્યા.
૭૫. નિ:શંક ઇબ્રાહીમ ખૂબ જ ધૈર્યવાન, નમ્ર અને અલ્લાહની તરફ ઝૂકવાવાળા હતા.
૭૬. (ફરિશ્તાઓએ કહ્યું) હે ઇબ્રાહીમ એ વિચારને છોડી દો, તમારા પાલનહારનો આદેશ આવી પહોંચ્યો હવે તેમના પર અઝાબ આવીને જ રહેશે અને તે અઝાબ તેમનાથી ટાળવામાં નહીં આવે.
૭૭. જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂત પાસે પહોંચ્યા તો તે તેમનું આવવું તેમને સારું ન લાગ્યું અને મનમાં જ પરેશાન થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો છે.
૭૮. અને તેમની કોમના લોકો દોડતા દોડતા તેમની પાસે પહોંચ્યા, તે તો પહેલાથી જ દુષ્કર્મો કરતા હતા, લૂતે કહ્યું, હે મારી કોમના લોકો! આ છે મારી દીકરીઓ જે તમારા માટે ખૂબ જ પવિત્ર છે, અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનો સામે મારું અપમાન ન કરશો, શું તમારામાં એક પણ સારો વ્યક્તિ નથી?
૭૯. તેમણે જવાબ આપ્યો કે તમે ખૂબ જાણો છો, અમને તમારી દીકરીઓનો કોઈ શોખ નથી અને તમે અમારી ઇચ્છાને સારી રીતે જાણો છો.
૮૦. લૂતએ કહ્યું કે કદાચ મારામાં તમારી સાથે લડવાની શક્તિ હોત! અથવા હું કોઈ મજબૂત સહારો લઇ શક્તો હોત.
૮૧. હવે ફરિશ્તાઓએ કહ્યું કે હે લૂત! અમે તમારા પાલનહાર તરફથી મોકલેલા ફરિશ્તા છે, આ લોકો તમારું કઈ પણ બગાડી નથી શકતા, બસ તમે તમારા ઘરવાળાઓને પાછલી રાત્રે લઈ આ વસ્તી માંથી નીકળી જાવ, તમારા માંથી કોઈ પણ મોઢું ફેરવી ન જુએ,સિવાયતમારી પત્નીનાં, એટલા માટે કે તેને પણ તે (અઝાબ) પહોંચીને રહેશે, જે બધાને પહોંચશે. નિ:શંક તેમના વચનનો સમય સવારનો છે, હવે સવાર પાડવામાં વાર જ કેટલી છે?
૮૨. પછી જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો તો અમે તે વસ્તીનાં ઉપરના ભાગને નીચેનો ભાગ બનાવી દીધો અને તેમના પર સતત કાંકરા વરસાવ્યા, જે નિશાન વાળા હતા.
૮૩. તમારા પાલનહાર તરફથી નિશાનીવાળા હતા અને (આ વસ્તી) તે જાલિમ લોકોથી દુર નથી.
૮૪. અને અમે મદયનના લોકો તરફ તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલા નથી અને તમે તોલમાપમાં કમી ન કરો, હું તો તમને ખુશ જોઇ રહ્યો છું અને મને ડર છે કે તમારા પર એક એવો અઝાબ આવશે, જે તમને સૌને ઘેરી લેશે.
૮૫. હે મારી કોમના લોકો! તોલમાપ ન્યાય સાથે પૂરેપૂરું કરો, લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો અને ધરતીમાં વિદ્રોહ અને બગાડ ન ફેલાવો.
૮૬. તમારા માટે અલ્લાહ તઆલાએ આપેલી બચત જ હલાલ છે, જો તમે ઇમાનવાળા છો. હું તમારા પર દેખરેખ રાખનાર નથી.
૮૭. તેઓ કહેવા લાગ્યા કે હે શુઐબ, શું તારી નમાઝ તને આ જ આદેશ આપે છે કે અમે અમારા પૂર્વજોના પૂજ્યોને છોડી દઇએ અને અમે અમારા ધન માંથી અમારી મરજી મુજબ ચોક્કસ ઉપયોગ કરવાનું છોડી દઇએ? તમે તો ઘણા ધૈર્યવાન અને સદાચારી વ્યક્તિ હતા.
૮૮. શુઐબે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! જુઓ! જો હું મારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ પર હોય, અને અલ્લાહએ મને સારી રોજી પણ આપી હોય, (તો હું કઈ રીતે તમારો સાથ આપી શકું છું?) મારી ઈચ્છા નથી કે જે વાતથી હું તમને રોકી રહ્યો છું, હું પોતે જ તેની વિરુદ્ધ કોઈ કાર્ય કરું, હું તો જ્યાં સુધી બની શકે, ઈસ્લાહ કરવાની ઈચ્છા ધરાવું છું, અને મને તોફિક મળવી પણ અલ્લાહ તરફથી જ છે, હું તેના પર જ ભરોસો કરું છું અને તેની તરફ જ મારો ઝુકાવ છે.
૮૯. અને હે મારી કોમના લોકો! એવું ન થાય કે તમને મારો વિરોધ તે મુસીબત માટેનું કારણ બનાવી દે, જે નૂહ, હૂદ અને સાલિહની કોમના લોકો પર પહોંચી અને લૂતની કોમના લોકો તો તમારા કરતા દૂર ન હતા.
૯૦. તમે પોતાના પાલનહાર પાસે માફી માંગો અને તેની તરફ તૌબા કરો, નિ:શંક મારો પાલનહાર ખૂબ જ દયા કરવાવાળો અને (પોતાના સર્જનીઓ) સાથે જ મુહબ્બત કરવાવાળો છે.
૯૧. તેઓ કહેવા લાગ્યા કે હે શુઐબ! તારી વધારે પડતી વાતો તો અમે સમજતા જ નથી, અને અમે તો તને અમારામાં ઘણો જ અશક્ત જોઇ રહ્યા છે. જો (અમે) તારા ખાનદાન વિશે ન વિચારતા તો તને પથ્થરો મારી નષ્ટ કરી દેતા અને અમે તને કોઈ પ્રભુત્વશાળી વ્યક્તિ નથી ગણતા.
૯૨. તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! શું તમારી દૃષ્ટિએ મારા ખાનદાનના લોકો અલ્લાહ કરતા પણ વધારે પ્રતિષ્ઠિત છે, કે તમે તેને પીઠ પાછળ નાંખી દીધી છે, નિ:શંક મારો પાલનહાર જે કંઈ પણ તમે કરી રહ્યા છો દરેકને ઘેરાવમાં રાખેલ છે.
૯૩. હે મારી કોમના લોકો! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, હું પણ મારી જગ્યાએ કર્મો કરી રહ્યો છું, તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર અપમાનિત કરી દેનારો અઝાબ અએ છે? અને કોણ છે, જે જૂઠ્ઠો છે? તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
૯૪. જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો અમે શુઐબને અને તેમની સાથે (દરેક) ઇમાનવાળાઓને પોતાની ખાસ કૃપા વડે બચાવી લીધા અને અત્યાચારીઓને સખત ચીસ વડે નષ્ટ કરી દીધા અને તે લોકો પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા.
૯૫. જાણે કે તેઓ તે ઘરોમાં રહેતા જ ન હતા, સચેત રહો! મદયનના લોકો માટે પણ એવી જ લઅનત થઇ, જે જેવી લઅનત ષમૂદના લોકો માટે થઇ.
૯૬. અને નિ:શંક અમે જ મૂસાને અમારા મુઅજિઝહ અને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા હતાં.
૯૭. ફિરઔન અને તેના સરદારો પાસે, તો પણ તે લોકોએ ફિરઔનના આદેશોનું અનુસરણ કર્યું અને ફિરઔનનો કોઈ આદેશ બરાબર ન હતો.
يَقۡدُمُ قَوۡمَهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فَأَوۡرَدَهُمُ ٱلنَّارَۖ وَبِئۡسَ ٱلۡوِرۡدُ ٱلۡمَوۡرُودُ [٩٨]
૯૮. તે તો કયામતના દિવસે પોતાની કોમની આગળ આગળ ચાલશે, અને તે દરેકને જહન્નમ કિનારા પર લઇ આવશે. તે ઘણી જ ખરાબ ખીણ છે, જેના પર તેઓને લાવવામાં આવશે.
૯૯. તેમના પર તો આ દુનિયામાં પણ લઅનત (ફિટકાર) નાખી દીધી અને કયામતના દિવસે પણ, કેટલું ખરાબ પરિણામ હશે, જે તેમને આપવામાં આવશે.
૧૦૦. વસ્તીઓની આ કેટલીક જાણકારી, જે અમે તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે, તેમાંથી તો કેટલીક અત્યારે છે અને કેટલીક તો નષ્ટ થઇ ચુકી છે.
૧૦૧. અમે તેમના પર સહેજ પણ જુલ્મ નથી કર્યો પરંતુ તેમણે જ પોતે પોતાના પર અત્યાચાર કર્યો, પછી જ્યારે અલ્લાહનો આદેશ (અઝાબ) આવી પહોચ્યો તો તેમના તે પૂજ્યોએ કંઈ પણ ફાયદો ન પહોંચાડયો જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારી રહ્યા હતા, પરંતુ તે પુજ્યોએ તેમના નુકસાનમાં વધારો કરી દીધો.
૧૦૨. અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે.
૧૦૩. જે લોકો આખિરતના અઝાબથી ડરતા હોય છે, તે લોકો માટે આમાં શિખામણ છે, તે એવો દિવસ હશે, જેમાં દરેક લોકોને ભેગા કરવામાં આવશે અને તે દિવસે જે કઈ પણ થશે, સૌની હાજરીમાં થશે.
૧૦૪. તે દિવસને અમે બસ એક નક્કી કરેલ સમય સુધી જ દૂર કરી રહ્યા છે.
૧૦૫. જ્યારે તે દિવસ આવી જશે, તો કોઈ પણ વ્યક્તિ અલ્લાહની પરવાનગી વગર વાત પણ નહીં કરી શકે, તો તેમાંથી કેટલાક બદનસીબ હશે અને કેટલાક તો નસીબદાર હશે.
૧૦૬. પરંતુ જે બદનસીબ હશે, તે જહન્નમમાં જશે, ત્યાં ચીસો અને રાડો પાડતા રહેશે.
૧૦૭. જ્યાં સુધી આકાશો અને ધરતી બાકી રહેશે, તેઓ તેમાં રહેશે, સિવાય તમારો પાલનહાર કઈ ઇચ્છે. નિ:શંક તમારો પાલનહાર જે કંઈ ઇચ્છે તે કરી લે છે.
૧૦૮. પરંતુ જે લોકો નસીબદાર હશે, તે ત્યાં સુધી જન્નતમાં રહેશે, જ્યાં સુધી આકાશો અને ધરતી બાકી રહેશે, સિવાય એ કે તમારો પાલનહાર કઇક અલગ કરવા ઈચ્છે, આ એવું ઇનામ હશે જે ક્યારેય ખત્મ નહીં થાય.
૧૦૯. એટલા માટે (હે નબી) જેમની આ લોકો પૂજા કરી રહ્યા છે તમે તે વસ્તુઓ વિશે શંકામાં ન રહેશો, તેમની પૂજા તો એવી છે જેવી તેમના પૂર્વજોની આ પહેલા હતી, અમે તે દરેકને તેમનો પૂરેપૂરો ભાગ કમી કર્યા વગર આપી દઇશું.
૧૧૦. અમે આ પહેલા મૂસાને કિતાબ આપી હતી, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જો પહેલા જ તમારા પાલનહારની વાત ન આવી હોત તો ખરેખર તેમનો ફેંસલો કરી દેવામાં આવતો, તે લોકોને તો આમાં ખૂબ જ શંકા હતી.
૧૧૧. ખરેખર તે લોકો માંથી દરેકને તમારો પાલનહાર તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપશે, તેઓ જે કઈ પણ કરી રહ્યા છે, તેને તે સારી રીતે જાણે છે.
૧૧૨. બસ! તમે અડગ રહો, જેનો તમને આદેશ આપવામાં આવ્યો છે અને તે લોકો પણ જેઓ તમારી સાથે (ઈમાન તરફ) ફર્યા હોય, ખબરદાર તમે હદ ન વટાવશો, અલ્લાહ તમારા દરેક કાર્યોને જુએ છે.
૧૧૩. જુઓ! તમે જાલિમો તરફ ક્યારેય ઝૂકશો નહીં, નહીં તો તમને પણ (જહન્નમની) આગ અડી જશે અને અલ્લાહ સિવાય બીજો કોઈ તમારી મદદ કરનાર નહીં હોય. અને ન તો તમારી મદદ કરવામાં આવશે.
૧૧૪. દિવસના બન્ને ભાગમાં નમાઝ પઢતા રહો અને રાતના અમુક ભાગમાં પણ, નિ:શંક સદકર્મો દુષ્કર્મોને ખતમ કરી દે છે, આ શિખામણ છે, શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે.
૧૧૫. તમે ધીરજ રાખો, ખરેખર અલ્લાહ તઆલા સદાચારી લોકોનો બદલો વ્યર્થ નથી કરતો.
૧૧૬. જે કોમ તમારા કરતા પહેલા પસાર થઈ ગઈ છે, તેઓ માંથી જે લોકોને અમે બચાવી લીધા હતા, તે ઓકો માંથી શુભેચ્છુક લોકો પેદા કેમ ન થયા, જેઓ લોકોને જમીનમાં ફસાદ ફેલાવવાથી રોકતા? જો તેમાં આવા લોકો હતા તો પણ થોડાક જ લોકો હતા. અને જે લોકો જાલિમ હતા, તેઓ તે મોજાશોખની મસ્તીમાં રહ્યા, જે તેમને આપવામાં આવી હતી, અને તેઓ પાપી બનીને રહ્યા.
૧૧૭. તમારો પાલનહારની શાન એવી નથી કે તે કોઈ વસ્તીને નાહક નષ્ટ કરી દે, અને ત્યાંના લોકો સદાચારી હોય.
૧૧૮. જો તમારો પાલનહાર ઇચ્છતો તો દરેક લોકોને એક જ માર્ગ પર એક જૂથ બનાવી દેત, પરંતુ તે લોકો હંમેશા વિરોધ જ કરતા રહેશે.
૧૧૯. તે લોકો સિવાય જેમના પર તમારો પાલનહાર દયા કરે, તેમને તો એટલા માટે જ પેદા કરવામાં આવ્યા છે (કે તેઓ વિવાદ કરતા રહે) અને તમારા પાલનહારની વાત સાચી છે, કે હું જહન્નમને જિન્નાતો અને માનવીઓથી ભરી દઇશ.
૧૨૦. પયગંબરોની એક એક વાતો અમે તમારી સમક્ષ તમારા હૃદયની શાંતિ માટે જણાવી રહ્યા છીએ, અને તે જાણના કારણે તમારી સમક્ષ સાચી વાત પહોચી જાય, અને ઈમાનવાળાઓ માટે નસીહત અને યાદગીરી પણ થઇ ગઈ.
૧૨૧. જે લોકો ઇમાન નથી લાવતા તમે તેઓને કહી દો કે પોતાની રીતે કર્મો કરતા રહો, અમે પણ અમલ કરી રહ્યા છે.
૧૨૨. અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે.
૧૨૩. આકાશો અને ધરતીનું જે કઈ પણ છુપાયેલું છે, તે બધું જ જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે, દરેક કાર્યો તેની જ પાસે રજૂ કરવામાં આવે છે, બસ! તમારે તેની જ બંદગી કરવી જોઇએ અને તેના પર જ ભરોસો કરવો જોઇએ અને તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી.