The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Bee [An-Nahl] - Gujarati translation
Surah The Bee [An-Nahl] Ayah 128 Location Maccah Number 16
૧. (હે કાફિરો!) અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો, હવે તેના માટે ઉતાવળ ન કરો, તે પાક છે, અને તે ઉચ્ચ છે તે બધાથી, જેમને આ લોકો અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવે છે.
૨. તે પોતાના બંદાઓ માંથી જે બંદા પર ઈચ્છે પોતાના આદેશથી ફરિશ્તાઓને વહી આપી મોકલે છે, અને (તે બંદાઓને આદેશ આપે છે) કે સચેત કરી દો કે મારા સિવાય કોઈ ઇલાહ નથી, એટલા માટે તમે ફક્ત મારાથી જ ડરો.
૩. તેણે આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું છે, મુશરિકો જે કરે છે, અલ્લાહ તેનાથી બુલંદ છે.
૪. તેણે મનુષ્યનું સર્જન વીર્યના ટીપા વડે કર્યું, પછી તે ખુલ્લો ઝઘડો કરનારો બની ગયો.
૫. તેણે જ ઢોરોનું (પણ) સર્જન કર્યું, જેમાંથી કેટલાક (ના ચામડાથી ગરમ કપડાં) તૈયાર કરો છો અને બીજા ઘણા ફાયદોઓનો લાભ તમે ઉઠાવો છો અને કેટલાકને તમે ખાઓ પણ છો.
૬. અને તેમાં તમારી ખૂબસૂરતી પણ છે, જ્યારે ચરાવી લાવો ત્યારે પણ અને જ્યારે ચરવા માટે લઇ જાવ ત્યારે પણ.
૭. (અને તે ઢોરો) તમારા માલ સામાન તે શહેરો સુધી લઇ જાય છે, જ્યાં તમે કષ્ટ વિના પહોંચી નથી શકતા, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ માયાળુ અને અત્યંત દયાળુ છે.
૮. તેણે ઘોડા, ખચ્ચર અને ગધેડા પણ પેદા કર્યા, જેથી તમે તેમનો સવારી માટે ઉપયોગ કરી શકો, અને તે તમારા માટે શણગારનું કારણ પણ છે, અને તે બીજી ઘણી વસ્તુઓનું સર્જન કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી.
૯. અને સત્ય માર્ગ બતાવી દેવો, અલ્લાહના શિરે છે જ્યારે કે કેટલાક ખોટા માર્ગો પણ છે અને જો તે ઇચ્છે તો તમને સૌને હિદાયત પર લાવી દેત.
૧૦. તે જ તો છે, જેણે તમારા માટે આકાશ માંથી પાણી વરસાવ્યું, તે પાણીને તમે પીવો છો, તેનાથી ચારો ઉપજે છે, જે તમે પોતાના ઢોરોને ચરાવો છો.
૧૧. તે તે પાણીથી તમારા માટે ખેતી, ઝૈતુન, ખજુર, દ્રાક્ષ અને દરેક પ્રકારના ફળો ઉપજાવે છે. ધ્યાન આપનાર અને ચિંતન કરનારાઓ માટે આમાં એક મોટી નિશાની છે.
૧૨. તેણે જ રાત, દિવસ, સૂર્ય અને ચંદ્રને તમારા માટે કામે લગાડેલા છે અને તારાઓ પણ તેના જ આદેશનું પાલન કરે છે. નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૧૩. એવી જ રીતે તેણે તમારા માટે જમીનમાં રંગબેરંગી ઘણી વસ્તુઓ પેદા કરી છે, નિ:શંક શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે આમાં ઘણી મોટી નિશાની છે.
૧૪. તે તો છે, જેણે સમુન્દરને પણ તમારા વશમાં કરી દીધા છે, જેથી તમે તેમાંથી (નીકળેલુ) તાજું માંસ ખાઓ અને તેમાંથી પોતાના પહેરવા માટેના ઘરેણાં કાઢી શકો અને તમે જુઓ છો કે હોડીઓ સમુદ્રમાં પાણીને ચીરીને (ચાલે) છે. અને એટલા માટે પણ કે તમે તેની કૃપા શોધો અને શક્ય છે કે તમે આભાર વ્યકત કરો.
૧૫. એવી જ રીતે તેણે જમીન (માં હરકત ન થાય તે માટે) તેમાં મજબૂત પર્વતો મૂકી દીધા, જેથી તમને લઈ હરકત ન કરી શકે, અને નહેરો પણ બનાવી અને રસ્તાઓ પણ, જેથી તમે (અવર જવર કરતા) પોતાનો માર્ગ ઓળખી શકો.
૧૬. બીજી ઘણી નિશાનીઓ બનાવી દીધી છે, અને કેટલાક લોકો તારાઓ દ્વારા રસ્તો મેળવે છે.
૧૭. (હવે સહેજ વિચાર કરો) શું તે અલ્લાહ જે (આ બધી વસ્તુ પેદા કરે છે તેના જેવો હોઇ શકે છે, જે કંઈ પણ પેદા નથી કરી શકતો? તો પણ તમે સમજતા નથી?
૧૮. અને જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા માંગો તો કયારેય તમે તેને ગણી નથી શકતા, નિ:શંક અલ્લાહ ઘણો જ માફ કરનાર, અત્યંત દયાળુ છે.
૧૯. અને જે કંઈ પણ તમે છુપાવો અને જાહેર કરો અલ્લાહ તઆલા બધું જ જાણે છે.
૨૦. અને અલ્લાહ સિવાય જેમને આ લોકો પોકારે છે, તે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, તે પોતે જ પેદા કરવામાં આવ્યા છે.
૨૧. (તેઓ) મૃતકો છે, જીવિત નથી, તેમને તો એ પણ ખબર નથી કે ક્યારે બીજી વાર ઉભા કરવામાં આવશે?
૨૨. તમારો ઇલાહ ફકત અલ્લાહ તઆલા એકલો છે અને જે લોકો આખિરત પર ઈમાન નથી લાવતા તેમના હૃદયોમાં ઇન્કાર ભરાઈ ગયો છે અને તે પોતે અહંકારથી ભરેલા છે.
૨૩. નિ:શંક અલ્લાહ તઆલા તે દરેક વસ્તુને, જેને તે લોકો છુપાવે છે અને જેને જાહેર કરે છે, ખૂબ સારી રીતે જાણે છે, તે અહંકારી લોકોને પસંદ નથી કરતો.
૨૪. અને જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું ઉતાર્યું છે? ત્યારે તેઓ જવાબ આપે છે કે આગળના લોકોની વાર્તાઓ તો છે.
૨૫. (અને આવું એટલા માટે કહે છે) કે કયામતના દિવસે તેઓ પોતાનો ભાર તો પૂરો ઉઠાવશે જ અને કેટલાક તે લોકોનો પણ ભાર ઉઠાવશે, જેમને તેઓએ ઇલ્મ વગર જ ગુમરાહ કરતા હતા, જુઓ કેટલો ખરાબ ભાર છે, જેને તેઓ ઉઠાવી રહ્યા છે.
૨૬. તેમનાથી પહેલાના લોકો પણ (સત્ય વિરુદ્ધ) યુક્તિઓ કરતા રહ્યા, (છેવટે) અલ્લાહએ (તેમની યુક્તિઓ)ને મૂળ માંથી જ કાપી નાખી અને તેમના (માથા) પર છત ઉપરથી પડી ગઇ અને તેમના પર અઝાબ એવી જગ્યાએથી આવ્યો, જ્યાં તેઓ વિચારી પણ નથી શકતા,
૨૭. પછી કયામતના દિવસે પણ અલ્લાહ તઆલા તેમનું અપમાન કરશે અને કહેશે કે મારા તે ભાગીદારો ક્યાં છે? જેના વિશે તમે ઝઘડતા હતા, (અને) જે લોકોને (દુનિયામા) જ્ઞાન આપવામાં આવ્યું હતું, તે કહેશે કે આજે કાફિરો માટે અપમાન અને ખરાબી છે.
૨૮. તે કાફિર, જેઓ પોતાના પર જુલમ કરી રહ્યાં છે, જ્યારે ફરિશ્તાઓ તેમના પ્રાણ કાઢવા માટે આવે છે, તે સમયે તેઓ ઝૂકી જાય છે (અને કહે છે) કે અમે તો બુરાઇના કર્યો કરતા ન હતા, (ફરિશ્તાઓ કહેશે) કેમ નહીં, (જરૂર કરતાં હતાં) અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણવાવાળો છે જે કંઈ પણ તમે કરતા હતાં.
૨૯. બસ! હવે તો હંમેશા માટે તમે જહન્નમના દ્વાર માંથી દાખલ થઇ જાવ, બસ! અહંકારીઓનું ઠેકાણું ખૂબ જ ખરાબ છે.
૩૦. અને (આ જ વાત) જ્યારે પરહેજગારોને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું ઉતાર્યું છે? તો તેઓ જવાબ આપે છે કે “ભલાઈ”, જે લોકોએ સારા કાર્યો કર્યા તેમના માટે આ દુનિયામાં પણ ભલાઇ છે અને ખરેખર આખિરતનું ઘર ઘણું જ ઉત્તમ છે. અને પરહેજગારો માટે ખૂબ જ ઉત્તમ ઘર છે.
૩૧. હંમેશા રહેનારા બગીચાઓ, જ્યાં તેઓ રહેશે, જેમની નીચે નહેરો વહી રહી છે, જે કંઈ પણ તે લોકો ઇચ્છશે ત્યાં તેમના માટે હાજર હશે, પરહેજગારોને અલ્લાહ તઆલા આવી જ રીતે બદલો આપે છે.
૩૨. તે પરહેજગારો, જે પવિત્ર હોય છે, જયારે ફરિશ્તાઓ તેમના પ્રાણ કાઢવા આવે છે તો કહે છે કે તમારા માટે સલામતી જ સલામતી છે. જાઓ જન્નતમાં, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે કરતા હતા.
૩૩. શું આ લોકો તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તારા પાલનહારનો આદેશ (અઝાબ) આવી પહોંચે? આવું જ તમારાથી પહેલાના લોકોએ કર્યું હતું. તેમના પર અલ્લાહ તઆલાએ કોઈ જુલમ નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર જુલમ કરતા રહ્યા.
૩૪. બસ! તેમના ખરાબ કાર્યોનું પરિણામ તેમને મળી ગયું અને જે અઝાબની મશ્કરી કરતા હતા તેણે તેમને ઘેરાવમાં લઇ લીધા.
૩૫. આ મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ વાત તેમનાથી પહેલાના લોકો પણ કરતા રહ્યા. પયગંબરોનું જવાબદારી ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
૩૬. અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો, પછી કેટલાક એવા લોકો હતા જેમને અલ્લાહએ હિદાયત આપી, અને કેટલાક એવા લોકો હતા, જેમના માટે ગુમરાહી નક્કી થઈ ગઈ, બસ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ?
૩૭. આવા લોકોની હિદાયત માટે ભલે તમે ઘણા ઇચ્છુક રહ્યા હોય, પરંતુ અલ્લાહ તઆલા જે લોકોને ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને તેમની મદદ કરનાર પણ કોઈ નથી હોતું.
૩૮. તે લોકો મજબૂત કસમો ખાઇને કહે છે કે જે લોકો મૃત્યુ પામે તેમને અલ્લાહ બીજી વાર નહીં ઉઠાવે, કેમ નહીં ઉઠાવે, આ તો એક એવું વચન છે, જેને પૂરું કરવું અલ્લાહના શિરે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
૩૯. આ ઉઠાવવું એટલા માટે પણ (જરૂરી છે) કે અલ્લાહ તેમની સામે તે સત્યતા સ્પષ્ટ કરી દે, જેમાં તેઓ વિવાદ કરી રહ્યા હતા, એટલા માટે (પણ જરૂરી) છે જે કાફિરો જાણી લે તેઓ પોતે જ જુઠા લોકો હતા.
૪૦. અમે જ્યારે કોઈ વસ્તુની ઇચ્છા કરીએ છીએ તો અમે ફકત એવું કહીએ છીએ કે “થઇ જા” બસ તે થઇ જાય છે.
૪૧. જે લોકોએ જુલમ સહન કર્યા પછી અલ્લાહ તઆલાના માર્ગમાં વતનને છોડ્યું છે, અમે તેમને દુનિયામાં પણ ઉત્તમ ઠેકાણું આપીશું અને આખિરતનું વળતરતો ઘણું જ મોટું છે, કદાચ કે લોકો તેને જાણતા હોત.
૪૨. (અર્થાત) તે લોકો, જેમણે સબર કર્યું અને પોતાના પાલનહાર પર જ ભરોસો કરતા રહ્યા.
૪૩. તમારા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા તે પુરુષો જ હતા. જેમની તરફ અમે વહી કરતા હતા, બસ! જો તમે ન જાણતા હોવ તો જ્ઞાનવાળાઓને પૂછી લો.
૪૪. (તે પયગંબરોને અમે) સ્પષ્ટ નિશાનીઓ અને કિતાબો (આપી મોકલ્યા હતા) અને તમારી તરફ આ ઝિકર (કુરઆન) એટલા માટે ઉતાર્યું છે, જેથી તમે સ્પષ્ટ રીતે તેમને જણાવી દો કે તેમની તરફ શુ ઉતારવામાં આવ્યું છે. એટલા માટે કે તેઓ તેમાં ચિંતન મનન કરે.
૪૫. જે લોકો ખરાબ યુક્તિઓ કરી રહ્યા છે, શું તે લોકો એ વાતથી નીડર થઇ ગયા છે કે અલ્લાહ તઆલા તેમને ધરતીમાં ધસાવી દે, અથવા તેમની પાસે એવી જગ્યાએથી અઝાબ આવી પહોંચે, જેના વિશે તેમને વિચાર પણ ન હોય.
૪૬. અથવા તેમને હરતાફરતા (અઝાબ) પકડી લે, આ લોકો અલ્લાહ તઆલાને ક્યારેય આજીજ કરી શકતા નથી.
૪૭. અથવા તેમને ડરાવી, ધમકાવી પકડી લે, બસ! ખરેખર તમારો પાલનહાર અત્યંત દયાળુ અને માયાળુ છે. (જે તેમને મહેતલ આપી રહ્યો છે).
૪૮. શું તે લોકોએ અલ્લાહએ પેદા કરેલી વસ્તુઓ માંથી કોઈ વસ્તુ નથી જોઈ? કે તેમનો પડછાયો કેવી રીતે ડાબેથી જમણે અને જમણે થી (ડાબે) અલ્લાહની સામે સિજદો કરતા આથમે છે અને આ બધી વસ્તુઓ અત્યંત આજીજી જાહેર કરી રહી છે.
૪૯. ખરેખર આકાશ અને ધરતીના દરેક સજીવ અને દરેક ફરિશ્તા, અલ્લાહ તઆલાની સામે સિજદો કરી રહ્યા છે અને જરા પણ ઘમંડ નથી કરતા.
૫૦. અને પોતાના પાલનહારથી, જે તેમની ઉપર છે, ધ્રુજે છે અને તે જ કામ કરે છે, જેમનો આદેશ આપવામાં આવતો હોય.
૫૧. અલ્લાહ તઆલા કહી ચૂક્યો છે કે બે ઇલાહ ન બનાવો, ઇલાહ તો ફકત તે એકલો જ છે, બસ! તમે સૌ મારો જ ડર રાખો.
૫૨. આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, બધું તેનું જ છે અને તેની જ બંદગી કરવી જરૂરી છે. શું તો પણ તમે તેના સિવાય બીજાથી ડરો છો?
૫૩. તમારી પાસે જેટલી પણ નેઅમતો છે, દરેક નેઅમત તેણે જ આપી છે, હજું પણ તમારા પર કોઈ મુસીબત આવી જાય તો તેની જ સમક્ષ ફરિયાદ કરો છો.
૫૪. પછી જ્યારે તે તમારા પરથી તે મુસીબત દૂર કરી દે છે, તો તમારા માંથી કેટલાક લોકો પોતાના પાલનહાર સાથે શિર્ક કરવા લાગે છે.
૫૫. જેથી અલ્લાહએ તેમને જે કંઈ પણ આપી રાખ્યું છે (તેનો શુકર કરવાના બદલામાં) તેની નાશુકરી જ કરે, સારું (થોડોક સમય) ફાયદો ઉઠાવી લો, નજીક માંજ (સત્યતા) ની જાણ તમને થઈ જશે.
૫૬. અને જે રોજી અમે તેમને આપી રાખી છે, તેમાંથી એવા (ભાગીદારોનો) ભાગ નક્કી કરે છે, જેમના વિશે તેઓ જાણતા પણ નથી, અલ્લાહની કસમ! જે કઈ તમે અલ્લાહ પર જુઠાણું બાંધી રહ્યા છો, તેના વિશે તે જરૂર તમને પૂછશે.
૫૭. અને તે પવિત્ર અલ્લાહ માટે બાળકીઓ નક્કી કરે છે જો કે અલ્લાહ આ પ્રમાણેની વાતોથી પાક છે, અને પોતાના માટે તે જે પોતાની ઇચ્છા અનુસાર હોય. (અર્થાત દીકરાઓ)
૫૮. તેમના માંથી કોઈને જ્યારે બાળકીની ખબર આપવામાં આવે તો તેનો ચહેરો ફિક્કો પડી જાય છે અને મનમાં સંકોચ અનુભવે છે.
૫૯. અને આ વાતના કારણે લોકોથી છુપાઇને ફરે છે, વિચારે છે કે શું તેનું અપમાન થયા પછી તે બાળકને જીવિત છોડી દે અથવા જમીનમાં ધસાવી દે? જુઓ! કેટલો ખરાબ નિર્ણય કરે છે.
૬૦. ખરાબ ઉદાહરણ તે લોકો માટે છે, જેઓ આખિરત પર ઇમાન નથી ધરાવતા, અલ્લાહ માટે તો શ્રેષ્ઠ ઉદાહરણ છે, તે ઘણો વિજયી અને હિકમતવાળો છે.
૬૧. જો લોકોના જુલમ કરવાના કારણે અલ્લાહ તઆલા તેમની પકડ કરતો, તો ધરતી પર એક પણ સજીવ ન રહેતો, પરંતુ તે તો એક મુદ્દત સુધી ઢીલ આપી રહ્યો છે, જ્યારે તેમનો તે સમય આવી પહોંચે છે તો (અલ્લાહનો અઝાબ) તેમનાથી એક ક્ષણ બરાબર પણ આગળ પાછળ નથી થઈ શકતો.
૬૨. આ લોકો અલ્લાહ માટે તે વસ્તુ પસંદ કરે છે, જે પોતાના માટે નાપસંદ કરત હોય છે, અને તે લોકો જુઠ્ઠી વાતો વર્ણવે છે, કે તેમના માટે તો ભલાઈ જ ભલાઈ છે, તે માટે તો જહન્નમની આગ જ છે, અને તેમાં આ લોકો બધા કરતા (સૌથી આગળ) ધકેલવામાં આવશે.
૬૩. અલ્લાહની કસમ! અમે તમારા પહેલા ઘણી કોમો તરફ પયગંબર મોકલી ચુક્યા છે, તો (આ પ્રમાણે જ થતું આયુ છે) કે શેતાને તેમના ખરાબ કાર્યોને તેમના માટે શણગારી બતાવે છે, આજે પણ શેતાન જ (તે મક્કાના કાફિરોનો) મિત્ર બની બેઠો છે, અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે.
૬૪. અમે કિતાબ તમારા પર એટલા માટે ઉતારી છે, કે જે વાતોમાં આ લોકો મતભેદ કરી રહ્યા છે, તેમના માટે સત્ય વાત સ્પષ્ટ કરી દો, ખરેખર આ કિતાબ ઈમાનવાળાઓ માટે હિદાયત પણ છે અને રહમત (પણ) છે.
૬૫. અને અલ્લાહએ જ આકાશ માંથી પાણી વરસાવે છે, તેનાથી મૃતક ધરતીને જીવિત કરી દે છે, ખરેખર આમાં, તે લોકો માટે નિશાની છે જે સાંભળે.
૬૬. તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે કે તેમના પેટમાં ભોજનનો બગાડ તેમજ લોહી હોય છે, તો તે બન્નેની વચ્ચેથી અમે તમને શુદ્ધ દૂધ પીવડાવીએ છીએ, જે પીનાર માટે ખૂબ જ સારું હોય છે.
૬૭. ખજૂર અને દ્રાક્ષના ફળો વડે (અમે તમને એક પ્રવાહી પણ પીવડાવીએ છીએ) જેનાથી તમે નશો પણ કરો છો અને શ્રેષ્ઠ રોજી પણ મેળવો છો, જે લોકો બુદ્ધિ ધરાવે છે, તેમના માટે તો આમાં મોટી નિશાની છે.
૬૮. તમારા પાલનહારે મધમાખી તરફ વહી કરી કે પર્વતોમાં, વૃક્ષોમાં અને લોકોએ બનાવેલી ઊંચી, ઊંચી વેલોમાં પોતાનું ઘર બનાવ.
૬૯. અને દરેક પ્રકારના ફળો માંથી તેનો રસ ચૂસી લે, અને પોતાના પાલનહારએ નક્કી કરેલ માર્ગો પર ચાલ, તેમના પેટ માંથી રંગબેરંગી પીણું નીકળે છે, અને જેમાં લોકો માટે ઇલાજ છે. ચિંતન કરનારાઓ માટે આમાં પણ ખૂબ જ મોટી નિશાની છે.
૭૦. અલ્લાહએ તમને પેદા કર્યા અને તે જ તમને મુત્યુ આપે છે, અને તમારા માંથી કેટલાક લોકોને આધેડ વય સુધી પહોચાડી દઈએ છીએ, જેથી તે લોકો બધું જાણી લીધા પછી પણ કઈ પણ ન જાણી શકે, ખરેખર અલ્લાહ બધું જ જાણવાવાળો છે અને સપૂર્ણ કુદરત ધરાવે છે.
૭૧. રોજી બાબતે અલ્લાહ તઆલાએ તમારા માંથી એકને બીજા પર પ્રાથમિકતા આપી રાખી છે, બસ! જેમને રોજી વધારે આપવામાં આવી છે, તે પોતાની રોજી પોતાની હેઠળ કામ કરનારા મજૂરોને નથી આપતા, એ ભયથી કે તે (જેમને વધારે આપ્યું છે) અને તેઓ (મજૂરો) બન્ને સરખા થઇ જાય. તો શું આ લોકો અલ્લાહની નેઅમતોનો ઇન્કાર કરી રહ્યા છે.
૭૨. અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું અને તમારી પત્નીઓ દ્વારા તમારા માટે તમારા બાળકો અને પૌત્ર પેદા કર્યા અને તમને સારી અને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, શું તો પણ તે લોકો બાટેલ પર યકીન ધરાવે છે? અને અલ્લાહ તઆલાની નેઅમતોને ઇન્કાર કરે છે?
૭૩. અને તે લોકો અલ્લાહ તઆલાને છોડીને જેની બંદગી કરે છે તેઓ આકાશો અને ધરતી માંથી તમને રોજી પહોચાડવાનો કઈ પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેઓ આ કાર્ય કરી શકે છે.
૭૪. અલ્લાહ તઆલા માટે ઉદાહરણો ન આપો, અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે અને તમે નથી જાણતા.
૭૫. અલ્લાહ તઆલા એક ઉદાહરણનું વર્ણન કરે છે કે, એક ગુલામ છે, જે પોતે કોઈની માલિકી હેઠળ છે, તે કઈ પણ અધિકાર નથી ધરાવતો, અને એક બીજો વ્યક્તિ છે, જેને અમે પોતાની પાસેથી પૂરતી રોજી આપી છે, જેમાંથી તે છૂપી રીતે તથા જાહેર રીતે દાન કરે છે, શું આ બન્ને સરખાં હોઇ શકે છે? અલ્લાહ તઆલા માટે જ બધી પ્રશંસા છે, પરંતુ ઘણા લોકો (આટલી સરળ વાત પણ) નથી સમજતા.
૭૬. અલ્લાહ તઆલા એક બીજું ઉદાહરણ વર્ણન કરે છે, બે વ્યક્તિઓ છે, જેમાંથી એક તો મૂંગો છે અને કોઈ વસ્તુ પર અધિકાર નથી ધરાવતો, પરંતુ તે પોતાના માલિક માટે બોજ છે, જ્યાં પણ તેને મોકલવામાં આવે તેનાથી ભલાઇની અપેક્ષા કરવામાં નથી આવતી, શું આ અને તે, જે ન્યાય કરવાનો આદેશ આપે છે તથા સત્યમાર્ગ પર જ ચાલે છે, બન્ને સરખાં હોઇ શકે છે?
૭૭. આકાશો અને ધરતીમાં ગેબ(અદૃશ્ય)નું જ્ઞાન ફકત અલ્લાહ તઆલાને જ છે અને કયામતનો સમય એવો છે જેવું કે પાંપણ પલકવું, પરંતુ તેનાથી પણ વધારે નજીક (કયામત આવી જશે), નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
૭૮. અલ્લાહ તઆલાએ તમને તમારી માતાના પેટ માંથી (એવી સ્થિતિમાં) કાઢ્યા છે કે તમે કંઈ પણ નહતા જાણતા, તેણે જ તમારા કાન, આંખ અને દિલ બનાવ્યા, જેથી તમે આભાર વ્યક્ત કરો.
૭૯. શં તે લોકો પક્ષીઓને નથી જોતાં, જે આદેશનું અનુસરણ કરી હવામાં ઉડે છે, જેમને અલ્લાહ સિવાય કોઈ બીજાએ પકડી રાખ્યા નથી, નિ:શંક તેમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૮૦. અને અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા ઘરોને શાંતિની જગ્યા બનાવી દીધી અને તેણે જ તમારા માટે ઢોરોના ચામડા માંથી એવા ઘર (તંબુ) બનાવી દીધા છે, જેને તમે એક જગ્યાએથી બીજે જવામાં અથવા તો એક જગ્યા પર રોકાવવામાં, બન્ને સ્થિતિમાં તે તમને હલકું લાગે છે, અને તેમના વાળ તથા ઉન વડે તમારા માટે ઘરોનો સામાન અને થોડાક સમય માટે રોજીનો સ્ત્રોત પણ બનાવ્યો.
૮૧. અલ્લાહ એ જ તમારા માટે પોતાની સર્જન કરેલી વસ્તુઓ માંથી છાંયડો બનાવ્યો અને તેણે જ તમારા માટે પર્વતોમાં ગુફા બનાવી છે અને તેણે જ તમારા માટે એવા પોશાક બનાવ્યા જે તમને ગરમીથી બચાવે છે અને જે તમને યુદ્ધના સમયે કામ લાગે છે, તે આવી જ રીતે પોતાની નેઅમતો આપી રહ્યો છે જેથી તમે આજ્ઞાકારી બની જાવ.
૮૨. તો પણ જો આ લોકો મોઢું ફેરવે તો (હે નબી) તમારું કામ તો ફકત (આદેશ) સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું છે.
૮૩. આ લોકો અલ્લાહની નેઅમતોને જાણવા છતાં ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો કૃતઘ્ન છે.
૮૪. અને અમે જે દિવસે દરેક ઉમ્મત (કોમ) માંથી સાક્ષીને ઊભોકરીશું, પછી ઇન્કાર કરનારાઓને ન તો (કારણ જણાવવાની) પરવાનગી આપવામાં આવશે અને ન તો તેમને તૌબા કરવાની તક આપવામાં આવશે.
૮૫. અને જ્યારે જાલિમ લોકો અઝાબ જોઇ લેશે તો પછી તેમના (અઝાબને) હલકો કરવામાં નહીં આવે અને ન તો તેમને ઢીલ આપવામાં આવશે.
૮૬. અને જ્યારે મુશરિક લોકો પોતાના ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે હે અમારા પાલનહાર! આ જ અમારા તે ભાગીદારો છે, જેમને અમે તને છોડીને પોકારતા હતા, બસ! તેઓ (ભાગીદારો) તેમને જવાબ આપશે કે તમે તદ્દન જુઠ્ઠા છો.
૮૭. તે દિવસે તે સૌ (લાચાર બની) અલ્લાહના આજ્ઞાકારી હોવાનું કહેશે, અને જે આરોપ લગાવતા હતા તે બધાં આરોપોને ભૂલી જશે.
૮૮. (આ તે લોકો હશે) જેમણે કુફર કર્યો હશે, અને અલ્લાહના માર્ગથી રોકતા રહ્યા, અમે તેમના માટે એક પછી એક અઝાબ વધારતા જઇશું, એટલા માટે કે તેઓ વિદ્રોહી હતા.
૮૯. અને જે દિવસે અમે દરેક ઉમ્મત માંથી તેમના માંથી જ સાક્ષી ઊભો કરીશું અને તેમના પર અમે તમને (હે નબી) સાક્ષી બનાવી લાવીશું અને અમે તમારા પર એવી કિતાબ ઉતારી છે, જેમાં દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને (તેમાં) મુસલમાનો માટે હિદાયત, રહમત (કૃપા) અને ખુશખબર છે.
૯૦. અલ્લાહ તઆલા તમને ન્યાય કરવાનો, એહસાન કરવાનો અને કુટુંબીજનોની (મદદ) કરવાનો આદેશ આપી રહ્યો છે અને અશ્લીલતા તથા વ્યર્થ કાર્યો અને વિદ્રોહ કરવાથી રોકે છે, તે એટલા માટે નસીહત કરી રહ્યો છે કે તમે (તેને કબુલ કરો) અને યાદ રાખો.
૯૧. અને જો તમે અલ્લાહ સાથે કોઈ કરાર કર્યો હોય તો તેને પૂરું કરો, અને મજબૂત સોગંદ લીધા પછી તેને ન તોડો, જો કે તમે પોતાની (વાતચીતમાં) અલ્લાહ તઆલાને જામીન ઠેરવી દીધો છે. તમે જે કંઈ પણ કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
૯૨. અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર ખૂબ મહેનત કરી બનાવ્યું, પછી પોતે જ તેણે તેના ટુકડે-ટુકડા કરી દીધા, તમે પોતાની કસમોને પોતાના એકબીજા સાથે વ્યવહાર કરવા માટે ઉપયોગ કરતા હોવ છો, કે એક જૂથ બીજા જૂથ પાસેથી અયોગ્ય રીતે ફાયદો ઉઠાવી શકે, અલ્લાહ તઆલા તો તે (કસમો અને કરાર વડે) તમારી કસોટી કરી રહ્યો છે અને કયામતના દિવસે તે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરી દેશે,જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા.
૯૩. જો અલ્લાહ ઇચ્છે તો તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે તેને ગુમરાહ કરે છે અને જેને ઇચ્છે છે હિદાયત આપે છે. ખરેખર તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેના વિશે પૂછપરછ કરવામાં આવશે.
૯૪. અને તમે પોતાની કસમોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, નહીં તો તમારા પગ મજબૂત થઇ ગયા પછી ફરી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકતા હતા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે.
૯૫. તમે અલ્લાહને આપેલ વચનને નજીવી કિંમતે ન વેચો, યાદ રાખો! જે કઈ (બદલો) અલ્લાહ પાસે છે, તે જ તમારા માટે ઉત્તમ છે, શરત એ કે તમે જાણતા હોવ.
૯૬. તમારી પાસે જે કંઈ પણ છે બધું નષ્ટ થઇ જશે અને અલ્લાહ તઆલા પાસે જે કંઈ પણ છે તે બાકી રહેશે, અને સબર કરનારાઓ માટે તેમના ભલાઇના બદલામાં શ્રેષ્ઠ બદલો આપીશું.
૯૭. જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું.
૯૮. કુરઆન પઢતી વખતે, ધૃત્કારેલા શેતાનથી અલ્લાહનું શરણ માંગો.
૯૯. ઇમાનવાળાઓ અને પોતાના પાલનહાર પર ભરોસો કરનારાઓ પર (શેતાન)નો પ્રભાવ ક્યારેય નથી પડતો.
૧૦૦. હાં, તેનો પ્રભાવ તેમના પર તો જરૂર પડે છે, જે તેની સાથે જ દોસ્તી કરે અને આવા લોકો જ અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવતા હોય છે. .
૧૦૧. અને જ્યારે અમે એક આયતનાં બદલામાં બીજી આયત બદલીને ઉતારીએ છીએ, અને અલ્લાહ જે કઈ પણ ઉતારે છે, તેની (યોગ્યતા) તે ખૂબ સારી રીતે જાણે છે, તો તેઓ લોકો કહે છે કે તમે પોતે પોતાની પાસેથી આ આયત બનાવી લાવ્યા છો, વાત એ છે કે તેમના માંથી વધારે પડતા લોકો જાણતા જ નથી.
૧૦૨. કહી દો કે આ (કુરઆન) તમારા પાલનહાર તરફથી જિબ્રઇલ સત્ય સાથે લઇને આવ્યા છે, જેથી અલ્લાહ તઆલા ઇમાનવાળાઓના ઈમાનને મજબુત કરી દે, અને મુસલમાનો માટે હિદાયત અને ખુશખબર છે.
૧૦૩. અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કાફિરો કહે છે કે એક વ્યક્તિ છે, જે આ (નબી) ને (આ કુરઆન) શિખવાડે છે, જો કે આ લોકો જેની તરફ ઈશારો આપી રહ્યા છે તે તો અજમી (અરબ સિવાયના લોકો) છે, અને આ (કુરઆન) તો સ્પષ્ટ અરબી ભાષામાં છે.
૧૦૪. જે લોકો અલ્લાહ તઆલાની આયતો પર ઇમાન નથી ધરાવતા, તેમને અલ્લાહ તરફથી કોઈ માર્ગદર્શન નથી મળતું અને તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
૧૦૫. જુઠી વાત તો તે લોકો જ ઘડે છે, જેઓ અલ્લાહની આયતો પર ઈમાન નથી લાવતા, આ જ લોકો જુઠ્ઠા છે.
૧૦૬. જે વ્યક્તિ ઇમાન લાવ્યા પછી અલ્લાહનો ઇન્કાર કરે, હા જે લોકોને મજબુર કરી દેવામાં આવે, પરંતુ તેમનું દિલ ઈમાન પર જ સંતુષ્ટ પામતું હોય તો (તે માફ કરી દેવામાં આવશે) પરતું જે લોકો ખુશી ખુશી કુફર કરે તો આવા લોકો પર અલ્લાહનો ગઝબ (ગુસ્સો) છે, અને તેમના માટે જ મોટો અઝાબ છે.
૧૦૭. આ એટલા માટે કે તે લોકોએ આખિરતના બદલામાં દુનિયાના જીવનને પસંદ કર્યું, ખરેખર અલ્લાહ તઆલા કુફર કરનારાઓને સત્ય માર્ગદર્શન નથી આપતો.
૧૦૮. આ તે લોકો છે, જેમના દિલો, કાન અને જેમની આંખો પર અલ્લાહએ મહોર લગાવી દીધી છે અને આ જ લોકો બેદરકાર છે.
૧૦૯. કોઈ શંકા નથી કે આ જ લોકો આખિરતમાં સખત નુકસાન ઉઠાવનારા હશે.
૧૧૦. જે લોકોને (ઇમાન લાવ્યા પછી) સતાવવામાં આવ્યા અને ત્યાર પછી તે લોકોએ હિજરત કરી પછી જેહાદ કર્યું અને સબર કરતા રહ્યા, તો નિ:શંક તમારો પાલનહાર આ વાતો પછી તેમને માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
૧૧૧. જે દિવસે દરેક વ્યક્તિ પોતાના માટે ઝઘડો કરતો આવશે અને દરેક વ્યક્તિને, તેણે કરેલા કાર્યોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહીં આવે.
૧૧૨. અલ્લાહ તઆલા એક વસ્તીનું ઉદાહરણ આપે છે, તે વસ્તીના લોકો સંપૂર્ણ શાંતિ અને સંતોષથી જીવન વિતાવી રહ્યા હતા, અને તેમની રોજી તેઓની પાસે પુષ્કળ પ્રમાણમાં દરેક જગ્યાએથી આવતી હતી, પછી તે લોકોએ અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમને પોતાના કાર્યોના બદલામાં ભુખમરા અને ભયનો સ્વાદ ચખાડ્યો.
૧૧૩. તેમની પાસે તેમના માંથી જ પયગંબર આવ્યા હતા, જેમને તેઓએ જુઠલાવ્યા, બસ! તે લોકો પર અઝાબ આવી પહોંચ્યો અને તે લોકો ઝાલિમ લોકો જ હતા.
૧૧૪. જે કંઈ પણ હલાલ અને પવિત્ર રોજી અલ્લાહએ તમને આપી છે, તેને ખાઓ અને અલ્લાહની નેઅમતનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.
૧૧૫. તમારા માટે ફકત મૃત (ઢોર), લોહી, ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ જે અલ્લાહના નામ સિવાય અન્ય નામ પર ઝબેહ કરવામાં આવી હોય, તે હરામ છે. પછી જો કોઈ વ્યક્તિને (આ બધી વસ્તુ ખાવા માટે) લાચાર કરી દેવામાં આવે, શરત એ કે શરીઅતના નિયમોનું ઉલંઘન કરવાવાળો હોય અને ન તો જરૂરત કરતા વધારે ખાવાવાળો હોય, (તો આવા વ્યક્તિને) અલ્લાહ માફ કરવાવાળો અને તેના પર રહમ કરવાવાળો છે.
૧૧૬. જે જુઠી વાત તમારિ ઝબાન પર આવી જાય, તો તેના કારણે એમ ન કહો કે આ વસ્તુ હલાલ છે, અને આ વસ્તુ હરામ છે, આવું કરવાથી તમે ક્યાંક અલ્લાહ પર જૂઠાણું બાંધી શકો છો, સમજી લો કે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધનાર ક્યારેય સફળ થતો નથી.
૧૧૭. (આવી જુઠી વાતનો) ફાયદો સામાન્ય મળે છે, પરતું (આખિરતમાં) તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
૧૧૮. અને યહૂદી લોકો માટે, જે કંઈ પણ અમે હરામ ઠેરાવ્યું હતું, તેનું વર્ણન અમે પહેલા જ કરી ચૂક્યા છે, અમે તેમના પર જુલમ નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર જુલમ કરતા રહ્યા.
૧૧૯. જે કોઈ વ્યક્તિ અજાણતામાં ખરાબ કાર્ય કરી લે, પછી તૌબા કરી લે અને પોતાની ઈસ્લાહ (સુધારો) પણ કરી લે તો પછી તમારો પાલનહાર ખરેખર ઘણો જ માફ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે.
૧૨૦. નિ:શંક ઇબ્રાહીમ (પોતાનામાં) એક ઉમ્મત હતા, અને અલ્લાહ તઆલાના આજ્ઞાકારી બંદા, અને સંપૂર્ણ નિખાલસતાવાળા હતા, તે મુશરિક લોકો માંથી ન હતા.
૧૨૧. અલ્લાહ તઆલાની નેઅમતોનો આભાર વ્યકત કરતા હતા, અલ્લાહ તઆલાએ તેમને પસંદ લીધા હતા અને તેમને સત્ય માર્ગનું માર્ગદર્શન આપી દીધું.
૧૨૨. અમે તેમને દુનિયામાં પણ શ્રેષ્ઠતા આપી હતી અને નિ:શંક તે આખિરતમાં પણ સદાચારી લોકો માંથી છે.
૧૨૩. પછી અમે તમારી તરફ વહી ઉતારી કે તમે ઇબ્રાહીમના પંથનું અનુસરણ કરો, જે મુશરિક લોકો માંથી ન હતા.
૧૨૪. શનિવારના દિવસની મહત્વતા તો ફકત તે લોકો માટે જ હતી, જે લોકોએ તેમાં વિવાદ કર્યો હતો, વાત એ છે કે તમારો પાલનહાર પોતે જ તેમની વચ્ચે તેમના મતભેદનો નિર્ણય કયામતના દિવસે કરશે.
૧૨૫. (હે નબી!) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે.
૧૨૬. અને જો બદલો લેવો હોય તો એટલો જ લો, જેટલી તકલીફ તમને પહોંચાડવામાં આવી હોય અને જો સબર કરી લો તો, નિ:શંક સબર કરનાર માટે આ જ વાત ઉત્તમ છે.
૧૨૭. તમે સબર કરો અને તમારું સબર કરવું (અલ્લાહની જ તૌફીક) થી છે, અને તેમની સ્થિતિ પર નિરાશ ન થશો અને જે યુક્તિઓ આ લોકો કરતા રહે છે તેનાથી સંકુચિત ન થશો.
૧૨૮. નિ:શંક અલ્લાહ તઆલા પરહેજગારો અને સદાચારી લોકો સાથે છે.