The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Poets [Ash-Shuara] - Gujarati translation
Surah The Poets [Ash-Shuara] Ayah 227 Location Maccah Number 26
૧. તો-સીમ્-મીમ [1]
૨. આ તે કિતાબની આયતો છે, જે સત્યને સ્પષ્ટ કરી દે છે.
૩. (હે નબી) જો આ લોકો ઈમાન નથી લાવતા તો આ દુ:ખમાં કદાચ તમે પોતાને જ હલાક કરી નાખો.
૪. જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
૫. અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે કોઈ નવી શિખામણ આવે છે, તો આ લોકો તેનાથી મોઢું ફેરવી લે છે.
૬. તે લોકોએ જુઠલાવી ચુક્યા છે, હવે તેમના માટે નજીકમાં જ તે વાતોની ખબર પડી જશે, જેની તેઓ મશ્કરી કરી રહ્યા હતા.
૭. શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે?
૮. નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
૯. અને ખરેખર તમારો પાલનહાર દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે અને અત્યંત દયાળુ છે.
૧૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે તમારા પાલનહારે મૂસાને પોકાર્યા કે તમે જાલિમ કોમ તરફ જાઓ.
૧૧. અર્થાત ફિરઔનની કોમ પાસે, શું તે ડરતા નથી?
૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે.
૧૩. અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે અને મારી જબાન ચાલતી નથી, બસ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
૧૪. અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે.
૧૬. તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો કે ખરેખર અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે.
૧૭. (અને એટલા માટે આવ્યા છે) કે તું બની ઇસ્રાઇલને (આઝાદ કરી) અમારી સાથે મોકલી દે.
૧૮. ફિરઔને કહ્યું કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ કર્યું ન હતું? અને તે પોતાની વયના ઘણા વર્ષો અમારી સાથે પસાર કર્યા ન હતા?
૧૯. પછી તેં તે કામ કર્યું, જે તું કરીને જતો રહ્યો અને તું કૃતઘ્ની છે.
૨૦. મૂસાએ જવાબ આપ્યો કે તે કામ મારાથી ભૂલથી થઇ ગયું હતું,
૨૧. પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે હિકમત આપી. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
૨૨. જે ઉપકાર તું મારી સામે વર્ણન કરી રહ્યો છે, તે એટલા માટે કે તે બને ઇસ્રાઇલને ગુલામ બનાવી રાખી હતી.
૨૩. ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે?
૨૪. મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
૨૫. ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી? (જે આ કહે છે)
૨૬. મૂસાએ કહ્યું, હા, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
૨૭. ફિરઔને કહ્યું, આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
૨૮. મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
૨૯. ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ! જો તેં મારા સિવાય બીજા કોઈને ઇલાહ બનાવ્યો તો હું તને કેદમાં નાખી દઈશ.
૩૦. મૂસાએ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું?
૩૧. ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લઈ આવ.
૩૨. મૂસાએ (તે જ સમયે) પોતાની લાકડી નાખી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
૩૩. અને પોતાનો હાથ (બગલ માંથી) ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
૩૪. ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
૩૫. આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો! હવે તમે શું મશવરો આપો છો?
૩૬. તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
૩૭. જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
૩૮. પછી એક નક્કી કરેલ દિવસે દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
૩૯. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે પણ આ સભામાં હાજર રહેશો?
૪૦. જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરવું પડશે.
૪૧. જયારે જાદુગરો (મેદાનમાં) આવી ગયા તો ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે?
૪૨. ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો (તમને ઇનામ પણ મળશે) અને તમે મારા ખાસ લોકો બની જશો.
૪૩. મૂસાએ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
૪૪. તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે ફિરઔનની ઇજજતની કસમ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
૪૫. હવે મૂસાએ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું.
૪૬. આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
૪૭. અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
૪૮. એટલે કે મૂસા અને હારૂનના પાલનહાર પર,
૪૯. ફિરઔને કહ્યું કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા? ખરેખર આ તમારો મોટો (શિક્ષક) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
૫૦. તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા છે.
૫૧. અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે. એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવ્યા છે.
૫૨. અને અમે મૂસાને વહી કરી કે રાત્રે જ મારા બંદાઓને લઇને નીકળી જાવ, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
૫૩. આના માટે (ફોજ ભેગી કરવા) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
૫૪. (અને તેમને કહી મોકલ્યા કે) આ (બની ઇસરાઈલ) થોડાક જ લોકો છે.
૫૫. અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
૫૬. અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
૫૭. છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે બહાર કાઢી લાવ્યા,
૫૮. અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
૫૯. અને અમે બની ઇસરાઇલને તે વસ્તુઓના વારસદાર બનાવી દીધા.
૬૦. બસ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
૬૧. બસ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
૬૨. મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
૬૩. અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
૬૪. અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
૬૫. અને મૂસા અને તેમના દરેક મિત્રોને બચાવી લીધા.
૬૬. પછી બીજા લોકોને ડુબાડી દીધા.
૬૭. ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
૬૮. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
૬૯. તે લોકોને ઇબ્રાહીમનો કિસ્સો (પણ) સંભળાવી દો,
૭૦. જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો?
૭૧. તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે?
૭૩. અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે?
૭૪. તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
૭૫. ઇબ્રાહિમે કહ્યું, તમે ક્યારેય તે વસ્તુને ધ્યાનથી જોયા છે, જેની તમે બંદગી કરી રહ્યા છો
૭૬. તમે અને તમારા પૂર્વજો જેની ઈબાદત કરતા હતા.
૭૭. આ સૌ મારા શત્રુઓ છે, એક અલ્લાહ સિવાય
૭૮. જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
૭૯. તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
૮૦. અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે.
૮૧. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
૮૨. અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
૮૩. (ત્યારબાદ ઈબ્રાહીમે દુઆ કરી કે) હે મારા પાલનહાર! મને હિકમત આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
૮૪. અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
૮૫. મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
૮૬. અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે ગુમરાહ લોકો માંથી છે.
૮૭. અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
૮૮. જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
૮૯. જે વ્યક્તિ અલ્લાહ પાસે સલામતીવાળું દિલ લીને આવશે, (તેને નજાત મળશે.)
૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે.
૯૧. અને ગુમરાહ લોકોને જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
૯૨. અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે?
૯૩. જે અલ્લાહ સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરી શકે છે અથવા તેઓ પોતાને જ બચાવી શકે છે,
૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
૯૫. અને ઇબ્લિસના લશ્કરો પણ .
૯૬. ત્યાં અંદરો અંદર ઝઘડો કરી (પોતાના ઇલાહોને) કહેશે.
૯૭. કે અલ્લાહની કસમ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે ગુમરાહ હતાં.
૯૮. જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
૯૯. અને અમને તો તે મોટા અપરાધીઓ જ ગુમરાહ કર્યા.
૧૦૦. હવે તો અમારા માટે કોઈ ભલામણ કરવાવાળો નથી .
૧૦૧. અને ન તો શુભેચ્છુક મિત્ર.
૧૦૨. જો કદાચ અમને એક વાર ફરી (દુનિયામાં) પાછા જવાનું મળે તો અમે સાચા ઈમાનવાળા બની જઈશુ.
૧૦૩. આમાં પણ એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
૧૦૪. નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
૧૦૫. નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા.
૧૦૬. જ્યારે કે તેમના ભાઇ નૂહએ કહ્યું, કે શું તમેં (અલ્લાહથી) ડરતા નથી?
૧૦૭. હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
૧૦૮. બસ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
૧૦૯. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
૧૧૦. બસ! તમે અલ્લાહનો ડર રાખો અને મારી આજ્ઞાનું પાલન કરો.
૧૧૧. કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
૧૧૨. પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ શું કામ કરે છે?
૧૧૩. તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજતા હોવ.
૧૧૪. હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
૧૧૫. હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
૧૧૬. તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
૧૧૭. નૂહએ કહ્યું કે હે મારા પાલનહાર! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
૧૧૮. બસ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
૧૧૯. છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
૧૨૦. બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
૧૨૧. નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
૧૨૨. અને નિ:શંક તમારો પાલનહાર દરેક પર વિજયી અને અત્યંત દયાળુ છે.
૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?
૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો.
૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો.
૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.
૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો.
૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી,
૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા.
૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે.
૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે.
૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે.
૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી.
૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
૧૪૧. ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૧૪૨. તેમના ભાઇ સાલિહએ તેમને કહ્યું કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?
૧૪૩. હું તમારી તરફ નિષ્ઠાવાન પયગંબર છું.
૧૪૪. તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
૧૪૫. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
૧૪૬. શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશો.
૧૪૭. એટલે કે આ બગીચાઓ અને ઝરણાઓમાં,
૧૪૮. અને તે ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
૧૪૯. અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
૧૫૦. બસ! અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.
૧૫૧. નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
૧૫૨. જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
૧૫૩. તેમણે કહ્યું કે બસ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
૧૫૪. તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ નિશાની લઈને આવો.
૧૫૫. પયગંબરે કહ્યું છે. (લો) આ છે ઊંટડી, આ ઊંટડીના પાણી પીવા માટે દિવસ નક્કી છે અને એક દિવસ તમારા સૌ માટે.
૧૫૬. (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસનો અઝાબ તમારી પકડ કરી લેશે.
૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા.
૧૫૮. છેવટે અઝાબે તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
૧૫૯. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા?
૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.
૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો.
૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો.
૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે
૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા.
૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી.
૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.
૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો.
૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
૧૮૪. તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
૧૮૫. તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યુ છે.
૧૮૬. અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠો સમજીએ છીએ.
૧૮૭. જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશ માંથી કોઈ ટુકડો ફેંકી બતાઓ.
૧૮૮. શુએબે કહ્યું કે જે કંઇ તમે કરી રહ્યા છો. મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે.
૧૮૯. કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો તેમને છાંયડાના દિવસના અઝાબે પકડી લીધા, તે ભારે દિવસનો અઝાબ હતો.
૧૯૦. નિ:શંક આમાં મોટી શિખામણ છે પરતું તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
૧૯૧. અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
૧૯૨. અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે ઉતાર્યું છે.
૧૯૩. આને રૂહુલ અમીન દ્વારા ઉતારવામાં આવ્યું.
૧૯૪. (હે પયગંબર) તમારા હૃદય પર ઉતાર્યું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
૧૯૫. સ્પષ્ટ અરબી ભાષામાં છે.
૧૯૬. આ કિતાબનું વર્ણન પહેલાનાં સહીફાઓમાં કરવામાં આવ્યું છે.
૧૯૭. શું આ લોકો (મક્કાના લોકો) માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો બની ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે?
૧૯૮. અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર ઉતારતા.
૧૯૯. જે તેમની સામે આ કુરઆન પઢી સંભળાવતો તો પણ આ લોકો ઈમાન ન લાવતા.
૨૦૦. આવી જ રીતે અમે પાપીઓના દિલમાં (વ્યર્થ વિરોધ) જ નાખી દીધો છે.
૨૦૧. તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી અઝાબને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
૨૦૨. બસ! અચાનક તેમના પર દુઃખદાયી અઝાબ આવી જશે અને તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
૨૦૩. તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે?
૨૦૪. બસ! શું આ લોકો અમારા અઝાબ માટે ઉતાવળ કરે છે?
૨૦૫. સારું, જો અમે તેમને ઘણા વર્ષો સુધી ઠાઠમાઠ જીવન આપી દઈએ.
૨૦૬. પછી તેમના પર તે અઝાબ આવી જાય, જેનું વચન તે લોકોને આપવામાં આવતું હતું.
૨૦૭. તો પણ તેમનો સામાન, જેનાથી લાભ ઉઠાવી રહ્યા હતા, તેમને કંઇ પણ ફાયદો નહીં પહોંચડે.
૨૦૮. અમે ક્યારેય કોઈ એવી વસ્તીને નષ્ટ નથી કરી, જ્યાં અમારા તરફથી કોઈ સચેત કરનાર (પયગંબર) ન પહોચ્યો હોય .
૨૦૯. જે તેમને શિખામણ આપે. અને અમે જાલિમ નથી.
૨૧૦. આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
૨૧૧. તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
૨૧૨. પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
૨૧૩. બસ! (હે નબી) તમે અલ્લાહ સિવાય કોઈ બીજા ઇલાહને ન પોકારશો, નહીં તો તમે પણ સજા પામનારા લોકો માંથી થઇ જશો.
૨૧૪. અને (હે નબી) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
૨૧૫. જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
૨૧૭. અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કરો.
૨૧૮. જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો.
૨૧૯. અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે.
૨૨૦. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
૨૨૧. તમે લોકોને કહો કે શું હું તમને જણાવું કે શેતાન કોની તરફ આવે છે?
૨૨૨. તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
૨૨૩. જે (શેતાન તરફ) પોતાના કાન લગાવે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
૨૨૪. કવિઓનું અનુસરણ ગુમરાહ લોકો જ કરે છે.
૨૨૫. શું તમે જોતા નથી કે તેઓ (વિચારોના) જંગલોમાં ભટકતા ફરે છે?
૨૨૬. અને એવી વાતો કહે છે, જે કરતા નથી.
૨૨૭. હા તે લોકો અળગા છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અને અલ્લાહને વધુ યાદ કરે છે, અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, અને જુલમ કરવાવાળાઓને નજીકમાં જ ખબર પડી જશે કે તેઓ કેવા પરિણામ તરફ જઈ રહ્યા છે.