عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

THE ANT [An-Naml] - Gujarati translation

Surah THE ANT [An-Naml] Ayah 93 Location Maccah Number 27

૧. તો- સીન્, આ કુરઆન અને સ્પષ્ટ કિતાબની આયતો છે.[1]

૨. જેમાં ઈમાનવાળાઓ માટે હિદાયત અને ખુશખબર છે.

૩. જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખિરત પર ઈમાન ધરાવે છે.

૪. જે લોકો આખિરતના દિવસ પર ઈમાન નથી રાખતા અમે તેમના માટે તેમના કાર્યોને શણગારી દીધા છે, એટલા માટે તેઓ ભટકતા ફરે છે.

૫. આ જ તે લોકો છે, જેમના માટે ખરાબ અઝાબ છે અને આખિરતમાં પણ તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવશે.

૬. અને (હે પયગંબર) નિ:શંક તમને હિકમતવાળા અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી કુરઆન શિખવાડવામાં આવે છે.

૭. જ્યારે મૂસાએ પોતાના ઘરવાળાઓને કહ્યું કે મેં આગ જોઇ છે, હું ત્યાં જઇ કોઈ (માર્ગ વિશે) જાણકારી લઇ અથવા આગનો કોઈ સળગતો અંગારો લઇને હમણાં તમારી તરફ આવી જઇશ, જેથી તમે તાપણી કરી લો.

૮. જ્યારે ત્યાં પહોંચ્યા તો અવાજ આવ્યો કે જે કઈ આગમાં છે અને જે કઈ તેની આજુબાજુ છે, તે બરક્તવાળું છે. અને પવિત્ર છે તે અલ્લાહ જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.

૯. હે મૂસા! હું જ અલ્લાહ છું, દરેક પર પ્રતિષ્ઠા ધરાવું છું અને હિક્મતવાળો છું.

૧૦. તમે પોતાની લાકડી નાખી દો, જ્યારે લાકડી નાખી દીધી તો મૂસાએ લાકડીને હલનચલન કરતી જોઇ, તે એવી રીતે હલનચલન કરી રહી હતી જાણે કે તે એક સાંપ છે, મૂસા મોઢું ફેરવી ભાગ્વા લાગ્યા અને પાછું વળીને જોયું પણ નહીં. (અમે કહ્યું) મૂસા! ડરો નહીં, મારી સામે પયગંબર ડરતા નથી.

૧૧. પરંતુ ડરે તો તે છે, જેણે કોઈ જુલમ કર્યું હોય, ત્યારબાદ જો તેણે (પણ) બુરાઈ પછી (પોતાના અમલને) નેકીથી બદલી નાખે તો ખરેખર હું માફ કરવાવાળો અને દયાળુ છું.

૧૨. અને પોતાનો હાથ પોતાના કોલરમાં નાખ, તે કોઈ ખામી વગર સફેદ પ્રકાશિત થઇ નીકળશે, (આ બન્ને નિશાનીઓ) આ નવ નિશાની લઇને ફિરઔન અને તેમની કોમ તરફ જાઓ, ખરેખર તે વિદ્રોહીઓનું જૂથ છે.

૧૩. બસ! જ્યારે તેમની પાસે આંખો ખોલી દેનારા અમારા ચમત્કારો પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા કે આતો સ્પષ્ટ જાદુ છે.

૧૪. તે લોકોએ અહંકાર અને જુલમનાં કારણે ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં,(કે મૂસા સાચા છે) બસ! જોઇ લો કે તે વિદ્રોહીઓની દશા કેવી થઇ?

૧૫. અને અમે ખરેખર દાઉદ અને સુલૈમાનને જ્ઞાન આપી રાખ્યું હતું તે બન્નેએ કહ્યું, પ્રશંસા તે અલ્લાહ માટે છે, જેણે અમને પોતાના ઘણા ઈમાનવાળા બંદાઓ પર મહત્વત્તા આપી.

૧૬. અને દાઉદના વારસદાર સુલૈમાન બન્યા, અને કહેવા લાગ્યા, લોકો! અમને પક્ષીઓની ભાષા શિખવાડવામાં આવી છે અને અમને બધી જ વસ્તુ આપવામાં આવી છે, નિ:શંક આ સ્પષ્ટ અલ્લાહની કૃપા છે.

૧૭. સુલૈમાન માટે (કોઈ બાબતને લઈ) જિન્નાત તથા માનવી અને પક્ષીઓને ભેગા કરવામાં આવ્યા અને દરેકને કાબૂમાં રાખવામાં આવતા હતા.

૧૮. જ્યારે તેઓ કીડીઓના મેદાનમાં પહોંચ્યા, તો એક કીડીએ કહ્યું, હે કીડીઓ! પોતાના દરમાં જતી રહો, એવું ન થાય કે અજાણતામાં સુલૈમાન અને તેનું લશ્કર તમને કચડી નાખે.

૧૯. તેની આ વાતથી સુલૈમાન હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅમતોનો આભાર માનું, જે તેં મારા પર અને મારા માતાપિતા પર કરી છે. અને હું એવા સત્કાર્યો કરતો રહું જેના કારણે તું રાજી થઇ જાય, મને પોતાની કૃપાથી સદાચારી લોકોમાં કરી દે.

૨૦. (એક સમયે) સુલેમાને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને કહેવા લાગ્યા કે શું વાત છે કે હું હુદહુદને નથી જોઇ રહ્યો, શું તે ગેરહાજર છે?

૨૧. (જો આવું હશે) તો નિ:શંક હું તેને સખત સજા આપીશ અથવા તેને ઝબહ કરી દઇશ અથવા મારી સામે કોઈ સ્પષ્ટ કારણ જણાવે.

૨૨. થોડીક જ વારમાં તેણે (હુદહુદે) આવીને કહ્યું, હું એક એવી વસ્તુની જાણકારી લાવ્યો છું. કે તમને તેના વિશે જાણ નથી, હું સબાની એક સાચી ખબર તમારી પાસે લાવ્યો છું.

૨૩. મેં જોયું કે તેમની બાદશાહત એક સ્ત્રી કરી રહી છે, જેને દરેક પ્રકારની વસ્તુઓ માંથી કંઇક આપવામાં આવ્યું છે અને તેનું સિંહાસન પણ ખૂબ જ જબરદસ્ત છે.

૨૪. મેં તેને અને તેની કોમના લોકોને અલ્લાહ તઆલાને છોડીને સૂર્યને સિજદો કરતા જોયા, શેતાને તેમના કાર્યો તેમને સુંદર દેખાડી, સત્ય માર્ગથી વંચિત કરી દીધા, બસ! તેઓ સત્ય માર્ગ પર નથી.

૨૫. શું તે લોકો તે અલ્લાહને સિજદો નથી કરતા, જે આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને બહાર કાઢે છે અને જે કંઇ તમે છુપાવો છો અને જાહેર કરો છો તે બધું જ જાણે છે.

૨૬. અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત અર્શનો માલિક છે.

૨૭. સુલૈમાને કહ્યું, અમે હમણા જ જોઇ લઇશું કે તું સાચો છે અથવા જુઠ્ઠો છે.

૨૮. મારા આ પત્રને લઇ તેમને આપી દે, પછી તેમનાથી અળગો ઉભો રહી જો કે તેઓ શું જવાબ આપે છે?

૨૯. (સબાની રાણી) કહેવા લાગી, હે સરદારો! મારી સામે એક પ્રભાવશાળી પત્ર આવ્યો છે.

૩૦. જે સુલૈમાન તરફથી છે અને તે અલ્લાહના નામથી શરૂ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે.

૩૧. (તેમાં લખ્યું છે) કે તમે મારી સામે વિદ્રોહ ન કરો પરંતુ આજ્ઞાકારી બનીને, મારી પાસે આવી જાઓ.

૩૨. (આ પત્ર સંભળાવી) મલિકાએ કહ્યું, હે મારા સરદાર! તમે મારી આ બાબતે મને સલાહ આપો, હું ત્યાં સુધી કોઈ આદેશ આપતી નથી, જ્યાં સુધી તમારી કોઈ સલાહ ન મળે.

૩૩. તે સૌએ જવાબ આપ્યો કે અમે તાકાતવર અને પ્રભુત્વશાળી બળવાન યોદ્ધા છે, આગળ તમારા હાથમાં છે. તમે પોતે વિચારી લો કે અમને તમે શું આદેશ આપો છો?

૩૪. તેણીએ કહ્યું કે બાદશાહ જ્યારે કોઈ વસ્તીમાં પ્રવેશ કરે છે, તો તેને વેરાન કરી નાખે છે અને ત્યાંના ઇજજતવાળાઓને અપમાનિત કરે છે અને આ લોકો પણ આવું જ કરશે.

૩૫. હું તેમની કંઈક ભેટ આપી મોકલીશ, પછી જોઇ લઇશ કે સંદેશવાહક શું જવાબ લઇ પરત ફરે છે.

૩૬. બસ! જ્યારે સંદેશવાહક સુલૈમાન પાસે પહોંચ્યો તો, તેમણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા ઇચ્છો છો? મને તો મારા પાલનહારે આના કરતા વધારે શ્રેષ્ઠ આપી રાખ્યું છે, તમારી ભેટ તમને મુબારક, જેના પર તમે ઇતરાવી રહ્યા છો.

૩૭. તેની પાસે પાછા ફરી જાઓ, અમે તેમના પર એવા લશ્કર વડે યુદ્ધ કરીશું, જેનો મુકાબલો તે નહી કરી શકે, અમે તેમને અપમાનિત કરી ત્યાંથી કાઢી મૂકીશું. અને તેઓ અમારી સામે અસક્ષમ બની જશે.

૩૮. સુલૈમાને (પોતાના દરબારીઓને) કહ્યું કે હે સરદાર! તમારા માંથી કોણ છે, જે તેમના મુસલમાન થઇ પહોંચતા પહેલા જ તેનું સિંહાસન મારી પાસે લાવી બતાવે?

૩૯. એક શક્તિશાળી જિને કહ્યું, તમે તમારી આ સભા માંથી ઊભા થાવ તે પહેલા જ તેને હું તમારી સામે હાજર કરી દઇશ, નિ:શંક હું આના માટે શક્તિ ધરાવું છું અને નિષ્ઠાવાન પણ છું.

૪૦. જેની પાસે કિતાબનું જ્ઞાન હતું, તેણે કહ્યું કે તમારું પલક ઝબકાવતા પહેલા જ હું તમારી સામે તેને લાવી શકું છું, જ્યારે સુલૈમાને તે સિંહાસનને પોતાની સમક્ષ જોયું, તો કહેવા લાગ્યા, આ જ મારા પાલનહારની કૃપા છે, જેથી તે મારી કસોટી કરે કે હું આભારી બનું છું કે કૃતઘ્ની. આભારી પોતાના ફાયદા માટે જ આભાર વ્યક્ત કરે છે અને જે આભાર વ્યક્ત ન કરે તો મારો પાલનહાર (બેપરવાહ) ધનવાન અને ઉદાર છે.

૪૧. પછી (દરબારીઓને) આદેશ આપ્યો કે તેના સિંહાસનમાં થોડો ફેરફાર કરી દો, જેથી ખબર પડી જાય કે, તેણી સત્યમાર્ગ મેળવે છે અથવા નથી મેળવતી.

૪૨. પછી જ્યારે મલિકા (આજ્ઞાકારી બની) આવી ગઇ તો સુલેમાને તેણીને પૂછ્યું શું આ તારૂ જ સિંહાસન છે? તેણીએ જવાબ આપ્યો કે આ તે જ છે અમને આની જાણ પહેલાથી જ કરી દેવામાં આવી હતી

૪૩. મલિકાને ઈમાન લાવવાથી તે વસ્તુઓએ રોકીને રાખી હતી, જેમને તેણી અલ્લાહ સિવાય પૂજતી હતી, કારણકે તે એક કાફિર કોમ માંથી હતી.

૪૪. તેણીને કહેવામાં આવ્યું કે મહેલમાં ચાલતા રહો, જ્યારે તેણીએ મહેલ જોયો તો તેણીને હોજ લાગ્યો જેથી તેણી પોતાના કપડા સમેટવા લાગી, કહ્યું કે આ તો કાચથી બનેલી ઇમારત છે, કહેવા લાગી, મારા પાલનહાર! મેં પોતાના પર (સૂર્યની પૂજા કરી) મારા પર જુલમ કરતી રહી,હવે હું સુલૈમાનની જેમ સમગ્ર સૃષ્ટિના પાલનહાર અલ્લાહની આજ્ઞાકારી બનું છું.

૪૫. નિ:શંક અમે ષમૂદના લોકો તરફ તેમના ભાઇ સાલિહને (આ આદેશ આપી) મોકલ્યા કે તમે સૌ અલ્લાહની બંદગી કરો, તો ત્યારે જ જૂથ બની અંદરોઅંદર ઝઘડો કરવા લાગ્યા.

૪૬. સાલિહએ કહ્યું, કે હે મારી કોમના લોકો! તમે સત્કાર્ય પહેલા જ દુષ્કર્મોની ઉતાવળ કેમ કરો છો? તમે અલ્લાહ પાસે માફી કેમ માંગતા નથી, જેથી તમારા પર દયા કરવામાં આવે.

૪૭. તે કહેવા લાગ્યા કે અમે તો તારાથી અને તારા અનુયાયીઓથી છેતરામણીનો આભાસ કરી રહ્યા છે. સાલિહએ કહ્યું, તમારો આભાસ અલ્લાહ પાસે છે, પરંતુ તમે જ વિદ્રોહી છો.

૪૮. અને તે શહેરમાં નવ સરદાર હતાં, જેઓ ધરતી પર વિદ્રોહ ફેલાવતા હતાં અને સુધારો ન હતા કરતા.

૪૯. તેઓએ અંદરોઅંદર સોગંદો ખાઇ વચન લીધું કે રાત્રિના સમયે જ આપણે સાલિહ અને તેના ઘરવાળાઓ પર છાપો મારીશું અને તેના વારસદારોને સ્પષ્ટ કહી દઇશું કે અમે તેના ઘરવાળાઓના મૃત્યુના સમયે હાજર ન હતાં અને અમે ખરેખર સાચા છે.

૫૦. તેઓએ એક યુક્તિ કરી અને અમે પણ એક યુક્તિ કરી, તેઓ તેને સમજતા ન હતાં.

૫૧. (હવે) જોઇ લો, તેમની યુક્તિઓની દશા કેવી થઇ? કે અમે તેમને અને તેમની કોમના લોકોને દરેકને નષ્ટ કરી દીધા.

૫૨. આ છે તેમના ઘરો, જે તેમના અત્યાચારના કારણે વેરાન પડ્યા છે, જે લોકો જ્ઞાન ધરાવે છે તેમના માટે આમાં મોટી શિખામણ છે.

૫૩. અને અમે તેઓને બચાવી લીધા., જેઓ ઈમાન લાવ્યા હતા અને જેઓ ડરવાવાળા હતા.

૫૪. અને લૂતને (મો કિસ્સો યાદ કરો), જ્યારે તેણે પોતાની કોમના લોકોને કહ્યું કે શું જાણવા છતાં તમે અશ્લીલ કાર્ય કરી રહ્યા છો?

૫૫. આ કેવી વાત છે કે તમે સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના કરો છો, પરંતુ તમે અજ્ઞાનતાનું કાર્ય કરો છો.

૫૬. કોમના લોકોનો જવાબ એ સિવાય કંઇ ન હતો કે તેઓએ કહ્યું કે લૂતના ખાનદાનને દેશનિકાલ કરી દો, આ તો ખૂબ જ પવિત્ર બની રહ્યા છે.

૫૭. બસ! અમે તેમને અને તેમના ખાનદાનને બચાવી લીધા, તેમની પત્ની સિવાય, તેના વિશે અમે નિર્ણય કરી દીધો હતો કે તે પાછળ રહી જશે.

૫૮. અને અમે તેમના પર (પથ્થરોનો) વરસાદ વરસાવ્યો, કેટલો ખરાબ આ વરસાદ તે લોકો પર વરસ્યો, જેમને (અલ્લાહના અઝાબથી) ડરાવવામાં આવ્યા હતા.

૫૯. (હે પયગંબર) તમે તેમને કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે અને તેના નિકટના લોકો પર સલામ છે, શું અલ્લાહ શ્રેષ્ઠ છે કે અથવા તે મઅબૂદ, જેમને આ લોકો ભાગીદાર ઠેરવી રહ્યા છે?

૬૦. જણાવો તો ખરા! કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું? આકાશ માંથી પાણી કોણે વરસાવ્યું? પછી તેનાથી હર્યા-ભર્યા, સુંદર બગીચા બનાવ્યા, તે બગીચાઓના વૃક્ષોને તમે ક્યારેય ઊપજાવી શક્તા ન હતાં, શું અલ્લાહની સાથે બીજો કોઈ ઇલાહ છે? (જે આ કામોમાં તેનો ભાગીદાર હોય?) પરંતુ આ લોકો જ સત્યમાર્ગથી ભટકેલા છે.

૬૧. શું તે, જેણે ધરતીને રહેવા માટેનું કારણ બનાવ્યું અને તેની વચ્ચે નહેરો વહાવી દીધી અને તેના માટે પર્વતો બનાવ્યા અને બે સમુદ્રોની વચ્ચે પરદો બનાવ્યો, શું અલ્લાહની સાથે બીજો કોઈ ઇલાહ છે? પરંતુ તેમના માંથી ઘણા લોકો જાણતા જ નથી.

૬૨. કોણ છે, જે પરેશાન વ્યક્તિની પોકાર સાંભળે છે અને તેની તકલીફને દૂર કરે છે? અને (કોણ છે જે) તમને ધરતીનો નાયબ બનાવે છે, શું અલ્લાહની સાથે બીજો કોઈ ઇલાહ છે? તમે થોડીક જ શીખામણ પ્રાપ્ત કરો છો.

૬૩. કોણ છે, જે તમને સૂકી અને ભીની (ધરતી)ના અંધકારમાં રસ્તો બતાવે છે અને જે પોતાની કૃપા પહેલા જ ખુશખબર આપનારી હવાઓને ચલાવે છે, શું અલ્લાહ સિવાય બીજો કોઈ ઇલાહ છે, અલ્લાહ તે શિર્કથી પવિત્ર છે, જે આ લોકો કરી રહ્યા છે.

૬૪. કોણ છે, જે પ્રથમ વખત સર્જન કરે છે, પછી તેને ફરીવાર જીવિત કરશે, અને કોણ છે, જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપી રહ્યો છે, શું અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ છે? કહી દો કે જો તમે સાચા હોવ, તો પોતાના પુરાવા રજુ કરો.

૬૫. તમે તેમને કહી દો કે આકાશો અને ધરતીવાળાઓ માંથી અલ્લાહ સિવાય કોઈ અદૃશ્યની વાતો નથી જાણતો, તેઓ એ પણ નથી જાણતા કે ક્યારે તેમને ફરીવાર જીવિત કરવામાં આવશે.

૬૬. પરંતુ આખિરતના વિશે તેમનું જ્ઞાન નિષ્ફળ થઇ ગયું છે. પરંતુ આ લોકો તેના વિશે શંકા કરે છે, પરંતુ આ લોકો તેનાથી આંધળા છે.

૬૭. કાફિર પૂછે છે કે જ્યારે અમે અને અમારા પૂર્વજો માટી થઇ જઇશું . તો શું અમને (કબરો માંથી) નીકાળવામાં આવશે?

૬૮. અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આવા વચનો આપવામાં આવી રહ્યા છે. આ તો ફક્ત આગળના લોકોની વાર્તાઓ છે.

૬૯. તમે તેમને કહી દો, કે ધરતીમાં હરીફરીને જુઓ તો ખરા કે અપરાધીઓની દશા કેવી થઇ?

૭૦. (અને હે પયગંબર) તમે તેમના માટે નિરાશ ન થશો અને તેમની યુક્તિઓથી પોતાના હૃદયને તંગ ન કરશો.

૭૧. કાફીરો કહે છે કે જો સાચા છો તો આ વચન (અઝાબ) ક્યારે પૂરુ થશે?

૭૨. તમને તેમને કહી દો કે કઈ દૂર નથી જે અઝાબ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, તે તમારાથી ઘણો નજીક જ હોય.

૭૩. નિ:શંક તમારો પાલનહાર દરેક લોકો માટે ખૂબ જ કૃપાળુ છે, પરંતુ ઘણા લોકો કૃતઘ્નતા કરે છે.

૭૪. નિ:શંક તમારો પાલનહાર તે વસ્તુઓને પણ જાણે છે, જે વાતોને તેઓના હૃદય છુપાવી રહ્યા છે અને જે વાતો જાહેર કરે છે.

૭૫. આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ એવી નથી, જે સ્પષ્ટ ખુલ્લી કિતાબમાં (લખેલી) ન હોય.

૭૬. નિ:શંક આ કુરઆન બની ઇસ્રાઇલ માટે તે ઘણી વાતો સત્યતા વર્ણન કરે છે, જેમાં આ લોકો વિવાદ કરે છે.

૭૭. અને આ કુરઆન, મોમિનો માટે ખરેખર સત્ય માર્ગદર્શન અને કૃપા છે.

૭૮. તમારો પાલનહાર તેમની વચ્ચે પોતાના આદેશ વડે બધા ફેંસલા કરી દેશે, તે ઘણો જ પ્રતિષ્ઠિત, જ્ઞાનવાળો છે.

૭૯. બસ! (હે પયગંબર) તમે અલ્લાહ પર જ ભરોસો રાખો, નિ:શંક તમે સાચા અને સ્પષ્ટ દીન પર છો.

૮૦. નિ:શંક તમે ન તો મૃતકોને સંભળાવી શકો છો અને ન તો એવા બહેરાઓને પોતાનો અવાજ સંભળાવી શકો છો, જે લોકો પીઠ ફેરવી પાછા ફરી રહ્યા છે.

૮૧. અને ન તમે આંધળાઓને તેમની પથભ્રષ્ટતાથી હટાવી માર્ગદર્શન આપી શકો છો, તમે તો તે લોકોને જ સંભળાવી શકો છો, જે અમારી આયતો પર ઈમાન લાવ્યા છે, પછી તે લોકો આજ્ઞાકારી બની જાય છે.

૮૨. અને જ્યારે અઝાબની વાત નક્કી થઇ જશે તો અમે તેમના માટે ધરતી માંથી એક જાનવર કાઢીશું, જે તેમની સાથે વાતો કરતું હશે, કે લોકો અમારી આયતો પર વિશ્વાસ કરતા ન હતાં.

૮૩. અને જે દિવસે અમે દરેક કોમ માંથી એવા લોકોને ભેગા કરીશું, જેઓ અમારી આયતોને જુઠલાવતા હતાં, પછી તેમનાં જુથ બનાવવામાં આવશે.

૮૪. જ્યારે બધા આવી જશે તો અલ્લાહ તઆલા કહેશે કે તમે મારી આયતોને કેમ જુઠલાવી? જ્યારે તમને તેનું જ્ઞાન ન હતું અને એ પણ જણાવો કે તમે શું કરતા રહ્યા?

૮૫. તે લોકોના જુલમના કારણે, તેમના પર (અઝાબની) વાત નક્કી થઇ જશે અને તે લોકો કંઇ બોલી નહીં શકે.

૮૬. શું તે જોતા નથી કે અમે રાતને એટલા માટે બનાવી કે તે તેમાં આરામ કરી લે અને દિવસને અમે પ્રકાશિત બનાવ્યો (જેથી તે કામકાજ કરી શકે), ખરેખર આમાં તે લોકો માટે શિખામણ છે, જેઓ ઈમાન ધરાવે છે.

૮૭. જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, તો બધા જ આકાશો અને ધરતીવાળાઓ ગભરાઇ જશે, સિવાય જેને અલ્લાહ તઆલા બચાવી લેશે, બધા જ અલ્લાહ સામે અસમર્થ થઇ હાજર થશે.

૮૮. તે દિવસે તમે પર્વતોને જોઇ, પોતાની જગ્યાએ ઊભા રહેલા સમજતા હશો, પરંતુ તે પણ વાદળોની જેમ ઉડશે, આ અલ્લાહની બનાવટ છે, જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી છે, જે કંઇ તમે કરો છો, તેને તે સારી રીતે જાણે છે.

૮૯. તે દિવસે જે લોકો ભલાઈ લઈને લાવશે તેને ઉત્તમ વળતર મળશે અને તેઓ તે દિવસે નીડર હશે.

૯૦. અને જે દુષ્કર્મો લાવશે, તે ઊંધા કરી આગમાં ફેંકી દેવામાં આવશે, (અને કહેવામાં આવશે) તમને ફક્ત તે જ વળતર આપવામાં આવશે જેને તમે કરતા રહ્યા.

૯૧. (હે નબી! કહી દો) મને તો બસ! એ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું આ શહેરમાં સાચા પાલનહારની બંદગી કરતો રહું, જેને તેણે પવિત્ર બનાવ્યું છે, જેની માલિકી હેઠળ દરેક વસ્તુ છે અને મને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે હું આજ્ઞાકારી લોકો માંથી બની જઉં.

૯૨. અને હું કુરઆન પઢતો રહું, જે સત્ય માર્ગ પર આવી જાય તે પોતાના ફાયદા માટે સત્ય માર્ગ પર આવશે અને જે ગુમરાહ થશે તો તમે તેમને કહી દો, કે હું તો ફક્ત સચેત કરનારાઓ માંથી છું.

૯૩. કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે, તે નજીકમાં જ પોતાની એવી નિશાનીઓ બતાવશે, જેને તમે ઓળખી જશો અને જે કંઇ તમે કરો છો તેનાથી તમારો પાલનહાર અજાણ નથી.