The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe private apartments [Al-Hujraat] - Gujarati translation
Surah The private apartments [Al-Hujraat] Ayah 18 Location Madanah Number 49
૧. હે ઇમાનવાળાઓ! અલ્લાહ અને તેના પયગંબરથી આગળ ન વધો, અને અલ્લાહથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.
૨. હે ઇમાનવાળાઓ! પોતાના અવાજને પયગંબરના અવાજથી ઊંચો ન કરો, અને ન તો તેમની સાથે ઊંચા અવાજથી વાત કરો, જેવી રીતે કે અંદર અંદર એકબીજા સાથે કરો છો, ક્યાંક (એવું ન થાય કે) તમારા કર્મો બરબાદ થઇ જાય અને તમને ખબર પણ ન પડે.
૩. નિ:શંક જે લોકો પયગંબર સાહેબની સામે પોતાના અવાજને નીચો રાખે છે, આ જ તે લોકો છે, જેમના હૃદયોને અલ્લાહએ સંયમતા માટે પારખી લીધા છે, તેમના માટે માફી છે અને ભવ્ય બદલો છે.
૪. (હે નબી) જે લોકો તમને કમરાની બહારથી પોકારે છે, તેઓ માંથી વધારે પડતા લોકો મૂર્ખ છે.
૫. અને જો આ લોકો તમારા બહાર આવવા સુધી ધીરજ રાખતા તો તેમના માટે આ સારું થાત, અને અલ્લાહ ખુબ જ માફ કરનાર અને દયાળુ છે.
૬. હે ઇમાનવાળાઓ! જો તમને કોઇ પાપી ખબર આપે તો તમે તેને સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે અજાણમાં કોઇ કોમને નુકસાન પહોંચાડી દો, પછી તમને પોતાના કર્યા પર પસ્તાવો થાય.
૭. અને જાણી લો કે તમારી વચ્ચે અલ્લાહના પયગંબર હાજર છે, જો તે દરેક કામમાં તમારી વાત માની લેશે તો તમે મુસીબતમાં પડી જશો, પરંતુ અલ્લાહ તઆલાએ ઇમાનને તમારા માટે પ્રિય બનાવી દીધુ છે અને તેને તમારા હૃદયોમાં શણગારી રાખ્યું છે, અને કુફ્ર તથા ગુનાહ અને અવજ્ઞાને તમારા માટે નાપસંદ બનાવી દીધી છે, આ જ લોકો સત્યમાર્ગ પર છે.
૮. (અને આ) અલ્લાહની કૃપા અને તેનો અહેસાન છે, અને અલ્લાહ જાણવાવાળો, હિકમતવાળો છે.
૯. અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો, પછી જો તે બન્ને માંથી એક બીજા (જૂથ) પર અત્યાચાર કરે તો તમે સૌ તે જૂથ સાથે, જે અત્યાચાર કરે છે, તેની સાથે લડાઇ કરો, ત્યાં સૂધી કે તે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે, જો પાછા ફરે તો પછી ન્યાય સાથે મિલાપ કરાવી દો, અને ન્યાય કરો, નિ:શંક અલ્લાહ તઆલા ન્યાય કરવાવાળાઓને પસંદ કરે છે.
૧૦. મોમિન તો સૌ એકબીજાના ભાઈ છે, એટલા માટે પોતાના બે ભાઇઓમાં મિલાપ કરાવી દો અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.
૧૧. હે ઇમાનવાળાઓ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે તે ઠઠ્ઠા-મસ્કરી કરનાર કરતા ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શકય છે તે તેણીઓ કરતા ઉત્તમ હોય અને એકબીજાને મેણા-ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે લોકો આ વાતને છોડી ન દે, તો તેઓ જ જાલિમ છે.
૧૨. હે ઇમાનવાળાઓ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે.
૧૩. હે લોકો! અમે તમને સૌને એક (જ) પુરૂષ તથા સ્ત્રી વડે પેદા કર્યા છે અને તમારા કુંટંબ અને ખાનદાન એટલા માટે બનાવ્યા કે તમે અંદરો-અંદર એકબીજાને ઓળખો, અલ્લાહની પાસે તમારા માંથી ઇજજતવાળો તે છે, જે સૌથી વધારે પરહેજ્ગાર હોય, નિ:શંક અલ્લાહ જાણવાવાળો, ખબર રાખનાર છે.
૧૪. ગામવાસીઓ કહે છે કે અમે ઇમાન લાવ્યા, તમે કહી દો કે (ખરેખર) તમે ઇમાન નથી લાવ્યા, પરંતુ તમે એવું કહો કે અમે મુસ્લિમ બની ગયા છે, જો કે હજૂ સુધી તમારા હૃદયોમાં ઇમાન પ્રવેશ્યુ જ નથી, તમે જો અલ્લાહ અને તેના પયગંબરનુ અનુસરણ કરવા લાગશો તો અલ્લાહ તમારા કર્મો માંથી કંઇ પણ ઓછું નહીં કરે, નિ:શંક અલ્લાહ માફ કરનાર, દયાળુ છે.
૧૫. (સાચા) ઇમાનવાળા તો તે છે, જે અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવે, પછી શંકા ન કરે અને પોતાના ધન વડે અને પોતાના પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરે છે, આ જ લોકો સાચા (મુસલમાન) છે.
૧૬. (હે પયગંબર આ ગામડીયાઓને) કહી દો! કે શું તમે અલ્લાહ તઆલાને પોતાની ધાર્મિકતાથી સચેત કરો છો, જો કે અલ્લાહ દરેક વસ્તુને, જે આકાશો અને ધરતી પર છે, ખુબ જ સારી રીતે જાણે છે. અને અલ્લાહ દરેક વસ્તુની જાણ રાખનાર છે.
૧૭. તે લોકો તમારા પર ઉપકાર કરે છે કે તેઓ ઇસ્લામ લઈ આવ્યા, તમે તેમને કહી દો કે તમે ઇસ્લામ લાવવા પર મારા પર ઉપકાર ન કરો, પરંતુ ખરેખર અલ્લાહનો તમારા પર ઉપકાર છે કે તેણે તમને ઇમાનનો માર્ગ બતાવ્યો, જો તમે (ખરેખર પોતાની વાતમાં) સાચા હોય.
૧૮. અલ્લાહ આકાશો અને ધરતીની છૂપી વાતોને સારી રીતે જાણે છે, અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો, તેને અલ્લાહ જોઇ રહ્યો છે