The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe winnowing winds [Adh-Dhariyat] - Gujarati translation
Surah The winnowing winds [Adh-Dhariyat] Ayah 60 Location Maccah Number 51
૧. તે હવાઓની કસમ! જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે.
૨. પછી તેની (કસમ) જે (વાદળોનો) ભાર ઉઠાવી રાખે છે.
૩. પછી તેની (કસમ) જે ધીમે ધીમે ચાલે છે.
૪. પછી તેમની (કસમ) જે વસ્તુઓને વિભાજીત કરે છે.
૫. નિ:શંક તમને જે વચનો આપવામાં આવે છે, (બધા) સાચા વચનો છે.
૬. અને નિ:શંક ન્યાયનો (દિવસ) જરૂર આવશે.
૭. કસમ છે, વિવિધ માર્ગોવાળા આકાશની.
૮. તમે (આખિરત વિશે) વિવિધ પ્રકારની વાતો કરો છો.
૯. (આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે.
૧૦. નષ્ટ થાય, કાલ્પનિક વાતો કરવાવાળા.
૧૧. જેઓ એટલા બેદરકાર છે કે બધું જ ભુલાવી બેઠા છે.
૧૨. પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે?
૧૩. જે દિવસે આ લોકોને આગમાં તપવવામાં આવશે,
૧૪. (અને કહેવામાં અઆવશે) કે પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ તે અઝાબ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.
૧૫. નિ:શંક પરહેજગાર લોકો તે દિવસે જન્નતો અને ઝરણાઓમાં હશે.
૧૬. તેમના પાલનહારે જે કંઇ તેમને આપશે, તેને લઇ રહ્યા હશે, તે આ દિવસ આવતા પહેલા સદાચારી હતા.
૧૭. તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.
૧૮. અને સહરી ના સમયે માફી માંગતા હતા.
૧૯. અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ બન્ને માટે ભાગ હતો.
૨૦. અને મોમિનો માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.
૨૧. અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી?
૨૨. આકાશમાં તમારી રોજી છે, અને તે બધું પણ, જેનું વચન તમને આપવામાં આવે છે.
૨૩. આકાશ અને ધરતીના પાલનહારની કસમ! આ વાત એવી જ સાચી છે, જેવી કે તમારું વાત કરવું સત્ય છે.
૨૪. (હે નબી!) શું તમારી પાસે ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે?
૨૫. જ્યારે તેઓ ઇબ્રાહીમ પાસે આવ્યા, તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને વિચાર કર્યો કે) આ તો અજાણ્યા લોકો છે.
૨૬. પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.
૨૭. અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા કેમ નથી?
૨૮. પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.
૨૯. બસ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.
૩૦. તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે કહ્યું છે. નિ:શંક તે હિકામ્તવાળો અને જાણવાવાળો છે.
૩૧. (હઝરત ઇબ્રાહીમે) તે ફરિશ્તાઓને પૂછ્યું કે કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ)! તમારો શું હેતુ છે?
૩૨. તેમણે જવાબ આપ્યો કે અમને એક દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
૩૩. જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.
૩૪. જે હદવટાવી નાખનારાઓની (નષ્ટતા માટે) તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે,
૩૫. બસ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.
૩૬. અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.
૩૭. અને અમે ત્યાં તેમના માટે એક નિશાની છોડી. જે દુ:ખદાયી અઝાબથી ડરે છે.
૩૮. અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા.
૩૯. બસ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.
૪૦. છેવટે અમે તેને અને તેના લશ્કરને પકડી લીધા અને દરિયામાં નાખી દીધા અને તે હતો જ ઝાટકણીને લાયક.
૪૧. આવી જ રીતે આદનાં કિસ્સામાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.
૪૨. તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.
૪૩. અને ષમૂદ (ના કિસ્સા)માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.
૪૪. પરંતુ (આ ચેતવણી આપ્યા છતાં) તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓના પર વીજળીનો અઝાબ આવી ગયો.
૪૫. બસ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો તેઓ પોતાનો બચાવ કરી શક્યા.
૪૬. અને આ પહેલા નૂહની કોમને પણ (નષ્ટ કર્યા હતા), તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી લોકો હતા.
૪૭. આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.
૪૮. અને ધરતીને અમે પાથરણું બનાવી દીધી, અને અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.
૪૯. અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે (તેમનાથી) શિખામણ પ્રાપ્ત કરો.
૫૦. બસ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
૫૧. અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ ઇલાહ ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.
૫૨. આવી જ રીતે આ (મક્કાના કાફિરો) પહેલા જે પયગંબર આવ્યા, તેઓએ આ જ કહ્યું કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.
૫૩. શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.
૫૪. તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી.
૫૫. અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે.
૫૬. મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.
૫૭. ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે.
૫૮. અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે.
૫૯. બસ! જે લોકોએ જુલમ કર્યો છે, તેમની પણ એ જ દશા થશેમ જે દશા તેમના કરતા પહેલા સાથીઓની થઇ, એટલા માટે તે લોકો મારાથી (અઝાબ) માટે ઉતાવળ ન કરે.
૬૦. કુફ્ર કરનારાઓ માટે તે દિવસે નષ્ટતા હશે, જે દિવસથી તેમને ડરાવવામાં આવે છે.