The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesMount Sinai [At-tur] - Gujarati translation
Surah Mount Sinai [At-tur] Ayah 49 Location Maccah Number 52
૧. કસમ છે, તૂરની (એક પર્વતનું નામ).
૨. અને તે કિતાબની, જે લખેલી છે.
૩. જે ખુલ્લા પાના ઉપર (લખાયેલ) છે.
૪. અને કસમ છે, બૈતે મઅમૂરની.
૫. અને ઊંચી છતની.
૬. અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.
૭. નિ:શંક તમારા પાલનહારનો અઝાબ આવીને જ રહેશે.
૮. તેને કોઇ રોકનાર નથી.
૯. જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.
૧૦. અને પર્વતો ચાલવા લાગશે.
૧૧. તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૧૨. જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.
૧૩. જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.
૧૪. (અને કહેવામાં આવશે) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.
૧૫. (હવે બતાવો) શું આ જાદુ છે? અથવા તો તમને કઈ દેખાતું જ નથી?
૧૬. આમાં દાખલ થઇ જાઓ, હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.
૧૭. નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.
૧૮. જે કઈ તેમનો પાલનહાર તેમને આપશે, તેનો આનંદ લઇ રહ્યા હશે, અને તેમનો પાલનહાર તેમને જહન્નમનાં અઝાબથી બચાવી લેશે.
૧૯. (તેમને કહેવામાં આવશે) મસ્ત ખાતા પીતા રહો, આ તે કાર્યોનો બદલો છે, જે તમે કરતા રહ્યા.
૨૦. ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ બેઠા હશે અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દઈશું.
૨૧. જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, તો અમે તેમના સંતાનોને તેમની સાથે પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલો છે.
૨૨. અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું
૨૩. ત્યાં મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો કોઈ પાપ.
૨૪. અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે અને તેઓ એવા સુંદર હશે, જેવા કે છુપાવીને રાખેલા મોતી.
૨૫. તે અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.
૨૬. કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.
૨૭. બસ! આજે અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને લૂ ના અઝાબથી બચાવી લીધા
૨૮. અમે આ પહેલા (દુનિયામાં) તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે.
૨૯. તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.
૩૦. અથવા તેઓ કહે છે કે આ કવિ છે? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.
૩૧. કહીં દો! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.
૩૨. શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ લોકો જ બળવાખોર છે.
૩૩. શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.
૩૪. જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે.
૩૫. શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે?
૩૬. શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા.
૩૭. અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.
૩૮. અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો) જાણી લાવે છે? (જો આવું જ હોય) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
૩૯. શું તે (અલ્લાહ) માટે તો પુત્રીઓ છે? અને તમારા માટે પુત્રો છે?
૪૦. શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો? જેથી તેના ભારથી આ લોકો દબાયેલા છે?
૪૧. શું તે લોકો પાસે ગેબનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?
૪૨. અથવા શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.
૪૩. શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ છે? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.
૪૪. જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.
૪૫. તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે, જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.
૪૬. જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.
૪૭. નિ:શંક જાલિમ લોકો માટે આખિરતના અઝાબ સિવાય (દુનિયામાં પણ) અઝાબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
૪૮. (હે નબી!) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખોની સામે છો, અને જ્યારે તમે સવારે ઉઠો તો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.
૪૯. અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.