عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Exile [Al-Hashr] - Gujarati translation

Surah Exile [Al-Hashr] Ayah 24 Location Madanah Number 59

૧. આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહતઆલા ની તસ્બીહ કરી રહી છે, તે પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.

૨. તે જ છે, જેણે પ્રથમ જ હમલામાં અહલે કિતાબ કાફિરોને તેમના ઘરો માંથી કાઢી મુકયા, તમે વિચાર પણ નહતો કર્યો કે તેઓ (પોતાના ઘરો માંથી) નીકળી જશે, અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની પકડ) થી બચાવી લેશે, બસ! તેઓના પર અલ્લાહ (ની પકડ) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ એવો ભય નાખી દીધો કે તેઓ પોતાના જ હાથ વડે પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો.

૩. અને જો અલ્લાહ તઆલાએ તેઓના પર દેશનિકાલને લખી ન દીધું હોત તો ચોક્કસ પણે તેઓને દુનિયામાં જ સજા આપતો, અને આખિરતમાં તેઓ માટે આગની સખત સજા છે.

૪. આ એટલા માટે થયું કે તેઓએ અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે કોઈ અલ્લાહ નો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા પણ સખત સજા આપનાર છે.

૫. તમે ખજૂરોના જે વૃક્ષો કાપી નાખ્યા અથવા જેમને તમે મૂળિયા ઉપર બાકી રહેવા દીધા, આ બધું જ અલ્લાહના આદેશ પ્રમાણે હતું અને આ એટલા હતું કે વિદ્રોહીઓને અલ્લાહ અપમાનિત કરે.

૬. અને તે (યહૂદીઓના માલ) માંથી જે કઈ અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરના હાથે પહોંચાડયું, જેના પર ન તો તમે પોતાના ઘોડા દોડાવ્યા અને ન ઊંટો, (તેમાં તમારો કોઈ અધિકાર નથી) પરંતુ અલ્લાહ તઆલા પોતાના પયગંબરને જેના પર ઇચ્છે, પ્રભુત્વ આપી દે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

૭. અલ્લાહ તઆલા આ ગામડિયા લોકોથી જે (માલ) પણ પોતાના પયગંબરને અપાવે, તે માલ અલ્લાહ, પયગંબર, સગા- સબંધીઓ,અનાથો, લાચારો અને મુસાફરો માટે છે, જેથી તે (માલ) તમારા ધનવાનોના હાથમાં જ ફરતો ન રહી જાય અને જે કંઇ પણ તમને પયગંબર આપે, લઇ લો, અને જેનાથી રોકે, રુકી જાવ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.

૮. (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે હિજરત કરનાર લાચારો માટે છે, જે પોતાના ઘરબાર અને સંપત્તિઓથી કાઢી મુકવામાં આવ્યા છે, તે અલ્લાહની કૃપા અને પ્રસન્નતા ઇચ્છે છે, તેઓ અલ્લાહ અને તેના પયગંબરની મદદ કરે છે, આ લોકો જ સત્યનિષ્ઠ છે.

૯. (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે લોકોનો હક છે, જે પહેલાથી જ ઇમાન લાવીચુક્યા હતા અને અહિયા (મદીનામાં) રહેતા હતા, જે લોકો હિજરત કરી તેમની પાસે આવે તેમનાથી મુહબ્બત કરે છ અને જે કઈ તેમને (હિજરત કરનારને) આપવામાં આવે, તેઓ પોતાના હૃદયોમાં (લેવાની) કઈ ઈચ્છા નથી રાખતા અને તેઓ તેમને પોતાના પર પ્રાથમિકતા આપે છે, ભલેને પોતે ભૂખ્યા કેમ ન હોય અને જે વ્યક્તિ પોતાના નફસની લાલચથી બચાવી લેવામાં આવ્યો તો આવા જ લોકો સફળ છે.

૧૦. અને (તેમના માટે પણ છે) જે તેમના પછી આવ્યા, તેઓ કહેશે કે હે! અમારા પાલનહાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ, જે અમારા પહેલા ઇમાન લાવ્યા હતા, અને ઇમાનવાળાઓ પ્રત્યે અમારા હૃદયોમાં વેર (અને દુશ્મની) પેદા ન કર, હે! અમારા પાલનહાર નિ:શંક તું માયાળુ અને દયાળુ છે.

૧૧. શું તમે તે લોકોને જોયા નથી, જે લોકોએ મુનાફિકત (ઢોંગ) કર્યો? તે પોતાના અહલે કિતાબ કાફિર ભાઇઓને કહે છે કે જો તમારો દેશનિકાલ કરવામાં આવ્યો, તો અમે પણ તમારી સાથે નીકળી જઇશું અને તમારા વિશે અમે કયારેય કોઇની પણ વાત નહી માનીએ અને જો તમારી સાથે લડાઇ કરવામાં આવશે તો અમે તમારી મદદ કરીશુ, પરંતુ અલ્લાહ તઆલા સાક્ષી આપે છે કે આ તદ્દન જૂઠા છે.

૧૨. જો તે (યહૂદીઓ) નો દેશનિકાલ કરવામાં આવશે તો આ લોકો (મુનાફિક) તેમની સાથે નહી નીકળે અને જો તેમની સાથે લડાઇ કરવામાં આવે તો આ લોકો તેમની મદદ (પણ) નહીં કરે અને જો (કદાચ) મદદ કરવા માટે આવી પણ ગયા તો પીઠ બતાવીને ભાગી જશે, પછી મદદ કરવામાં નહીં આવે.

૧૩. (મુસલમાનો ભરોસો રાખો) કે તમારો ડર તેઓના હૃદયોમાં અલ્લાહના ડરથી વધારે છે, આ એટલા માટે કે તેઓ સમજતા નથી.

૧૪. આ સૌ ભેગા થઇને પણ તમારી સાથે લડી નથી શકતા, હાં એ વાત અલગ છે કે કિલ્લામાં હોય અથવા દીવાલો પાછળ છૂપાયેલા હોય, તેમની લડાઇ તો અદંર અદંર જ ખૂબ છે, તમે તેમને ભેગા સમજો છો પરંતુ તેમના હૃદયો એકબીજાથી અલગ છે, એટલા માટે કે આ લોકો બુદ્ધિ ધરાવતા નથી.

૧૫. આ લોકોની સ્થિતિ તેમના જેવી છે, જે લોકો થોડાક સમય પહેલા પોતાના કર્મોની સજા પામી ચુક્યા છે અને તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.

૧૬. આ (મુનાફિકોનું) ઉદાહરણ શેતાનની માફક છે, કે તે ઇન્સાનને કહે છે કે તું કુફ્ર કર, પછી જ્યારે તે (ઇન્સાન) કુફ્ર કરી લે છે તો કહે છે કે હું તો તારાથી અળગો છું, હું તો સમગ્ર સૃષ્ટિના પાલનહારથી ડરુ છું

૧૭. બસ! બન્ને (શેતાન અને કાફિરો) નું પરિણામ એ હોય છે કે તેઓમ હંમેશા જહન્નમમાં રહેશે અને આ જ જાલિમ લોકોની સજા છે.

૧૮. હે ઇમાનવાળાઓ! અલ્લાહથી ડરતા રહો અને દરેક વ્યક્તિ જોઇ લે કે તેણે કાલ (કયામત) માટે શું (સંગ્રહ) કર્યું છે. અને (દરેક સમયે) અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ તમારા દરેક કાર્યોથી ખબરદાર છે.

૧૯. અને તમે તે લોકો જેવા ન થઇ જાઓ જેમણે અલ્લાહને ભૂલી ગય, તો અલ્લાહએ તેમને એવી રીતે ભુલાવી દીધા કે તેઓ પોતાના અસ્તિત્વને જ ભૂલી ગયા અને આવા જ લોકો વિદ્રોહી છે.

૨૦. જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ સરખા નથી, જન્નતવાળાઓ જ (ખરેખર) સફળ છે.

૨૧. જો અમે આ કુરઆનને કોઇ પર્વત પર ઉતારતા તો તમે જોતા કે અલ્લાહના ભયથી તે દબાઇને ટુકડે ટુકડા થઇ જતો, અમે આવા ઉદાહરણોને લોકો સામે વર્ણન કરીએ છીએ જેથી તેઓ ચિંતન કરે.

૨૨. તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, ગાયબ અને હાજર દરેક વસ્તુને જાણવાવાળો છે, તે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

૨૩. તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, તે બાદશાહ છે, અત્યંત પવિત્ર, દરેક ખામીથી સલામત, શાંતિ આપનાર, દેખરેખ કરનાર, વિજયી, શક્તિશાળી, મહાન છે. અલ્લાહ તે વાતોથી પાક છે, જેને આ લોકો તેનો ભાગીદાર ઠેરવે છે.

૨૪. તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે.