The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe cattle [Al-Anaam] - Gujarati translation
Surah The cattle [Al-Anaam] Ayah 165 Location Maccah Number 6
૧. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને અંધકાર અને પ્રકાશ બનાવ્યા, તો પણ જે લોકો કાફિર છે તેઓ અન્યને પોતાના પાલનહાર બરાબર ઠેહરાવે છે.
૨. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી એક સમય નક્કી કર્યો (અર્થાત મૌત) અને બીજો એ કસમય નક્કી છે, (અર્થાત કયામતનો દિવસ) તો પણ તમે અલ્લાહ વિશે શંકા કરી રહ્યા છો.
૩. અને તે જ અલ્લાહ છે, જે આકાશોમાં પણ છે અને ધરતીમાં પણ છે, તે તમારી છૂપી (વાતો)ને અને તમારી જાહેર (વાતો) ને પણ જાણે છે અને તમે જે કંઈ કાર્ય કરો છો તેને પણ જાણે છે.
૪. અને (આ કાફિરો) પાસે તેમના પાલનહાર તરફથી કોઇ પણ નિશાની આવી તો તેઓ તેનાથી અળગા જ રહે છે.
૫. તેઓ પાસે સત્ય આવી ગઈ તો તેઓએ તેને જુઠલાવી દીધું અને જે કંઈ બાબતો વિશે તેઓ મજાક કરી રહ્યા છે, નજીકમાં જ તેઓ તેમને પહોંચીને રહેશે.
૬. શું તેઓએ જોયું નથી કે અમે તેમનાથી પહેલા કેટલીય કોમોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ અમે તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને તેઓના ગુનાહોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજી કોમ પેદા કરી દીધી.
૭. અને (કાફિરોની સ્થિતિ આ પ્રમાણે છે કે) જો અમે કાગળ પર લખેલ કિતાબ તમારા પર ઊતારતા, પછી તેને આ લોકો પોતાના હાથ વડે અડી પણ લેતા, તો પણ આ કાફિરો એવું જ કહેતા કે આ તો સ્પષ્ટ જાદુ જ છે.
૮. અને આ લોકો એવું કહેતા કે તેઓની પાસે કોઇ ફરિશ્તા કેમ ઉતારવામાં નથી આવતા? અને જો અમે કોઇ ફરિશ્તા મોકલી દેતા, તો વાત જ પૂરી થઇ જાત, પછી તેઓને થોડીક પણ મહેતલ આપવામાં ન આવતી.
૯. અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમે તેમને તે જ શંકામાં નાખી દેતા, જે શંકા તેઓ અત્યારે કરી રહ્યા છે.
૧૦. અને તમારાથી પહેલા જે પયગંબર થઇ ચૂક્યા છે, તેઓની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જે લોકોએ તેઓની (પયગંબરો) સાથે મજાક કરી હતી, તેઓને તે અઝાબે ઘેરી લીધા, જેનો મજાક ઉડાવતા હતા.
૧૧. તમે કહી દો કે થોડું ધરતી પર હરો-ફરો, પછી જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ?
૧૨. તમે કહી દો કે જે કંઈ આકાશો અને ધરતીમાં છે, તેનો માલિક કોણ છે? તમે કહી દો કે તે સૌનો માલિક અલ્લાહ જ છે, અલ્લાહએ પોતાના પર રહેમતને જરૂરી કરી લીધી છે. તમને અલ્લાહ કયામતના દિવસે એકઠા કરશે, તેમાં કોઇ શંકા નથી, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે, તેઓ ઈમાન નહીં લાવે.
૧૩. રાત અને દિવસમાં જે કંઈ પણ છે, તે બધું જ અલ્લાહનું જ છે, અને તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
૧૪. તમે કહી દો કે શું હું અલ્લાહ સિવાય બીજાને દોસ્ત સમજું? જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, અને જે ખોરાક આપે છે અને કોઈની પાસે ખોરાક લેતો નથી, તમે તેમને કહી દો કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું સૌથી પહેલા ઇસ્લામનો સ્વીકાર કરું અને હું મુશરિકો માંથી ક્યારેય ન થઇ જઉં.
૧૫. તમે કહી દો કે જો હું પોતાના પાલનહારની અવજ્ઞા કરું તો હું એક મોટા દિવસના અઝાબથી ડર રાખું છું.
૧૬. તે દિવસે જે કોઈ અઝાબથી બચી જશે, તેના પર અલ્લાહએ ઘણી જ કૃપા કરી, અને આ મોટી સફળતા છે.
૧૭. અને જો અલ્લાહ તમને કોઈ તકલીફ પહોંચાડવા ઈચ્છે તો તે તકલીફને તેના સિવાય કોઈ દૂર નથી કરી શકતું અને જો અલ્લાહ તમારી સાથે કોઈ ભલાઈ કરવા ઈચ્છે તો તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
૧૮. અને તે જ અલ્લાહ પોતાના બંદાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે જ મોટી હિકમતવાળો છે અને બધી જ ખબર રાખનાર છે.
૧૯. તમે કહી દો કે સૌથી મોટી ગવાહી કોની છે? તમે કહી દો કે અલ્લાહની, જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે, અને મારી પાસે આ કુરઆન વહી દ્વારા એટલા માટે ઉતારવામાં આવ્યું છે, જેથી હું આ કુરઆન દ્વારા તમને અને જે લોકો સુધી આ કુરઆન પહોંચે તે સૌને સચેત કરું, શું તમે સાચે જ આ સાક્ષી આપશો કે અલ્લાહ તઆલા સાથે બીજા અન્ય મઅબૂદ પણ છે, તમે કહી દો કે હું તો આવી સાક્ષી નથી આપતો, તમે કહી દો કે બસ! તે તો એક જ ઇલાહ છે અને જે કોઈ વસ્તુને પણ તમે તેની સાથે ભાગીદાર બનાવો છો તે બધાથી હું અળગો છું.
૨૦. જે લોકોને અમે કિતાબ આપી છે, તે લોકો પયગંબરને એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના સંતાનને ઓળખે છે, જે લોકોએ પોતે જ પોતાને નુકસાનમાં રાખ્યા છે તેઓ ઈમાન નહીં લાવે.
૨૧. અને તેના કરતા વધારે જાલિમ કોણ હોઇ શકે છે, જે અલ્લાહ તઆલા પર જૂઠ્ઠાણું બાંધે, અથવા અલ્લાહની આયતોને જુઠી ઠેહરાવે? આવા જાલિમ સફળ નહીં થાય.
૨૨. અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જે દિવસે અમે તે બધાને ભેગા કરીશું, પછી અમે મુશરિકોને કહીશું કે તમારા તે ભાગીદારો ક્યાં છે, જેમને તમે અલ્લાહના ભાગીદાર સમજતા હતા?
૨૩. પછી કોઈ બહાનું નહીં મળે, પરંતુ જો એવું કહી દે હે અલ્લાહ! અમારા પાલનહાર તારી કસમ! અમે તો મુશરિક જ ન હતા.
૨૪. જુઓ! પોતાના વિશે કેવી રીતે જુઠ બોલી રહ્યા છે, અને જે લોકોને જુઠા (મઅબૂદ) બનાવતા હતા, તે બધા ગાયબ થઈ જશે.
૨૫. અને તેઓ માંથી કેટલાક એવા છે, જેઓ તમારી તરફ કાન ધરે છે અને અમે તેઓના હૃદયો પર પરદો નાંખી દીધો છે જેનાથી તેઓ સમજી ન શકે અને તેઓના કાનમાં બૂચ નાંખી દીધા છે, અને જો તે લોકો બધા જ પૂરાવાને જોઇ લે તો પણ તેના પર ઈમાન નહીં લાવે, હદ તો એ છે કે જ્યારે આ લોકો તમારી પાસે આવીને ઝઘડો કરે છે, તો કાફિરો કહે છે, આ તો ફક્ત પહેલાના કિસ્સાઓ છે.
૨૬. અને આ લોકો સત્ય માર્ગથી બીજાને રોકે છે અને પોતે પણ તેનાથી દૂર દૂર રહે છે અને આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે, પરંતુ સમજતા નથી.
૨૭. અને કાશ તમે તે સમય જોઈ લેતા, જ્યારે આ લોકોને જહન્નમ પાસે ઊભા રાખવામાં આવશે તો કહેશે, કદાચ અમને ફરીવાર દુનિયામાં મોકલવામાં આવતા, તો અમે અમારા પાલનહારની આયતોને જૂઠી નહીં ઠેરવીએ, અને ઈમાનવાળાઓ માંથી થઇ જઈશું
૨૮. (વાત આમ નથી) પરંતુ જે વસ્તુને આ પહેલાં છુપાવતાં હતા, તે તેઓની સામે આવી ગઈ, અને જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા અને ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
૨૯. અને આ લોકો કહે છે કે ફકત આ દુનિયાનું જીવન જ અમારું જીવન છે અને અમે (બીજી વખત) જીવિત કરવામાં નહીં આવીએ.
૩૦. અને કાશ જો તમે તે સમયે જોતા જ્યારે આ લોકોને પોતાના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે, અલ્લાહ કહેશે કે શું આ સાચું નથી? તે કહેશે અમારા પાલનહારની કસમ! કેમ નહીં, અલ્લાહ તઆલા કહેશે તો હવે પોતાના કૂફરના કારણે અઝાબનો (સ્વાદ) ચાખો.
૩૧. અને જે લોકોએ અલ્લાહ સાથે મુલાકાત કરવાને જુઠલાવી, તેઓ નુકસાનમાં રહ્યા, અહીં સુધી કે કયામત અચાનક આવી જશે, તો કહેશે કે અફસોસ છે અમારી સુસ્તી પર, જે આ વિષે થઇ, અને સ્થિતિ એવી થશે કે તેઓ પોતાની પીઠ પર ભાર ઉઠાવેલ હશે, ખબરદાર! જે વસ્તુનો ભાર ઉઠાવ્યો હશે, તે કેટલો ખરાબ ભાર હશે?
૩૨. અને દુનિયાનું જીવન તો ફક્ત ખેલ-તમાશા જ છે, અને અલ્લાહથી ડરવાવાળાઓ માટે આખિરતનું ઘર જ ઉત્તમ છે, શું તમે વિચારતા નથી?
૩૩. (હે મુહમ્મદ) અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તે લોકોની વાતો નિરાશ કરે છે, આ લોકો તમને જુઠ્ઠા નથી કહેતા, પરંતુ આ અત્યાચારી લોકો તો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.
૩૪. અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, જે વાતોના કારણે તેમને જુઠલાવવામાં આવ્યા, તેઓએ તેના પર ધીરજ રાખી, અને તેઓને તકલીફો પણ આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે.
૩૫. અને જો (કાફિરો)ની અવગણના તમને તકલીફ પહોંચાડતી હોય, તો તમે ધરતીમાં કોઇ સુરંગ અથવા આકાશમાં કોઇ સીડી લગાવી, તેમની પાસે કોઈ મુઅજિઝો લાવી દો, જો તમે લાવી શકતા હોય, અને જો અલ્લાહ ઇચ્છતો, તો તે સૌને હિદાયત પર ભેગા કરી દેતો, (પરંતુ તેની આ ઈચ્છા નથી) તો તમે જાહિલ લોકો માંથી ન બની જશો.
૩૬. વાત તો તે લોકો જ માને છે, જેઓ (દિલના કાન વડે) સાંભળે છે અને મૃતકોને અલ્લાહ જીવિત કરીને ઉઠાવશે, પછી બધા અલ્લાહ તરફ જ લાવવામાં આવશે.
૩૭. અને આ લોકો કહે છે કે અમારા પર અમારા પાલનહાર તરફથી કોઈ મુઅજિઝો કેમ ઉતારવામાં નથી આવ્યો, તમે તેમને કહી દો કે મૂઅજિઝો તો ફક્ત અલ્લાહ જ ઉતારી શકે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો અજાણ છે.
૩૮. અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે.
૩૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, તે તો અંધકારમાં બહેરા અને મૂંગા થઇ રહ્યા છે, અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્ય માર્ગદર્શન આપી દે.
૪૦. તમે તેમને કહી દો કે જો તમારા પર અલ્લાહનો અઝાબ આવી પહોંચે અથવા કયામતનો દિવસ આવી જાય તો તે સમયે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને પોકારશો? બોલો જો તમે સાચા હોવ.
૪૧. પરંતુ તે સમયે ફક્ત અલ્લાને જ પોકારશો, પછી જે તકલીફના કારણે તમે તેને પોકારી રહ્યા છો, જો તે ઇચ્છશે તો તેને દૂર પણ કરી દે છે, તે સમયે તમે જેને ભાગીદાર ઠહેરાવો છો તેમને ભૂલી જાઓ છો. .
૪૨. તમારા પહેલા અમે ઘણી કોમ તરફ પયગંબર મોકલી ચુક્યા છે, પછી (જ્યારે લોકોએ નાફરમાની કરી તો) અમે તેમને સખતી અને તકલીફમાં નાખી દીધા, જેથી તેઓ આજીજી સાથે દુઆ કરે.
૪૩. પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો તો આજીજી કેમ ન કરી? પરંતુ તેમના દિલ તો વધારે સખત થઈ ગયા, અને જે કામ તેઓ કરી રહ્યા હતા, શેતાને તે કામ તેમને સુંદર બનાવી તેમને બતાવ્યું.
૪૪. પછી અમે જે નસીહત કરી હતી તે નસીહત તેઓએ ભુલાવી દીધી તો અમે તેમના પર (ખુશહાલી)ના દ્વાર ખોલી નાખ્યા, અહીં સુધી કે જે કઈ અમે તેમને આપ્યું હતી તેમાં મસ્ત થઈ ગયા, તો અમે તેમને અચાનક પકડી લીધા. તેઓ (દરેક ભલાઈથી નિરાશ થઈ ગયા)
૪૫. આવી રીતે જાલિમ લોકોની જડ કાપી નાખી અને દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે.
૪૬. તમે કહી દો કે, જણાવો! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ ઇલાહ છે કે તે તમારી આ શક્તિઓ પાછી આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ મોઢું ફેરવી લે છે.
૪૭. તમે કહી દો કે જણાવો! જો તમારા પર અલ્લાહ તઆલાનો અઝાબ અચાનક અથવા જાહેરમાં આવી પહોંચે, તો શું અત્યાચારી સિવાય બીજા કોઇને નષ્ટ કરવામાં આવશે?
૪૮. અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને જો તે પોતાની ઇસ્લાહ કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે.
૪૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે, તો તેમની અવજ્ઞાની જરૂર સજા મળશે.
૫૦. (હે પયગંબર) તમે તેમને કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું ગેબ(અદૃશ્ય)ની વાતો જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે? તો શું તમે ચિંતન નથી કરતા?
૫૧. અને આપ તે વહી દ્વારા લોકોને સચેત કરો, જેઓ એ વાતથી ડરે છે કે તેમને તેમના પાલનહાર તરફ ભેગા કરવામાં આવશે, અલ્લાહ સિવાય તેમનું ન તો કોઈ મદદ કરવાવાળું હશે અને ન તો ભલામણ કરનાર હશે. આ રીતે કદાચ તેઓ પરહેજગાર બની જાય.
૫૨. જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે અને ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તે લોકોને પોતાની પાસેથી દૂર ન કરશો, તેમનો હિસાબ તમારા શિરે નથી અને તમારો હિસાબ તેમના શિરે નથી, જો તેમને તમારાથી દુર કરશો તો અન્યાયી લોકોમાં થઇ જશો.
૫૩. અને આવી જ રીતે અમે કેટલાકની કેટલાક વડે કસોટી કરી રહ્યા છે, જેથી (તે તેમને જોઈ) કહે કે શું અમારા માંથી આ જ લોકો છે, જેમના પર અલ્લાહએ એહસાન કર્યો છે? શું અલ્લાહ તઆલા પોતાના શુકર કરનાર બંદાઓને તેમના કરતા વધારે નથી જાણતો?
૫૪. અને આ લોકો જ્યારે તમારી પાસે આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો (એવું) કહી દો કે તમારા પર સલામતી છે, તમારા પાલનહારે કૃપા કરવી પોતાના શિરે નક્કી કરી લીધું છે, કે જે વ્યક્તિ તમારા માંથી ખરાબ કૃત્ય અજાણતાથી કરી બેસે, ત્યાર પછી તેઓ તૌબા કરી લે, અને ઇસ્લાહ કરી લે, તો અલ્લાહ (ની એ ખૂબી છે કે તે) મોટો માફ કરનાર છે, ઘણો કૃપાળુ છે.
૫૫. આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય.
૫૬. તમે કહી દો કે મને તે વાતથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે તેમને કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, અને જો હું આવું કરીશ તો હું ભટકી ગયો અને હિદાયત પામેલ લોકો માંથી નહીં રહું
૫૭. તમે તેમને કહી દો કે હું મારા પાલનહાર તરફથી સ્પષ્ટ પુરાવા (કુરઆન) પર કાયમ છું, જેને તમે જુઠલાવી દીધું છે, અને જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, (અઝાબની) તે મારી પાસે નથી, આદેશ તો ફક્ત અલ્લાહનો જ છે, જે સત્ય વર્ણન કરે છે અને તે જ શ્રેષ્ઠ ઇન્સાફ કરવાવાળો છે.
૫૮. તમે કહી દો કે જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, જો તેના પર મારો અધિકાર હોત તો મારી અને તમારી વચ્ચે (પહેલા જ) નિર્ણય થઈ જતો, અને અલ્લાહ જાલિમ લોકો વિશે ખૂબ સારી રીતે જાણે છે, (કે તેમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ)
૫૯. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો જમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે.
૬૦. અને તે જ છે જે રાતમાં તમારા પ્રાણ ખેંચી લે છે અને જે કંઈ પણ તમે દિવસમાં કરો છો તેને જાણે છે, પછી (બીજા દિવસે શરીરમાં પ્રાણ મોકલીને) તમને ઉઠાડે છે, જેથી નક્કી કરેલ સમય પૂરો થઇ જાય, (મૌત સુધી), પછી તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે, પછી તમને બતાવશે જે કંઈ તમે કરતા હતા.
૬૧. અને તે જ પોતાના બંદાઓ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, અને તમારા માટે નિરીક્ષક (ફરિશ્તાઓ) ઉતારે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેના પ્રાણ અમારા મોકલેલા ફરિશ્તાઓ કાઢી લે છે અને તેઓ પોતાના કામમાં થોડીક પણ સુસ્તી નથી કરતા.
૬૨. પછી તે પ્રાણ અલ્લાહ તરફ જ ફેરવામાં આવે છે, જે તેમનો સાચો માલિક છે, સાંભળો! નિર્ણય કરવાનો અધિકાર તેની જ પાસે છે અને તેને હિસાબ લેવામાં થોડીક પણ વાર લાગતી નથી.
૬૩. તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને ધરતી અને સમુદ્રના અંધકારમાં થનાર કિસ્સાઓથી તમને કોણ બચાવે છે, જેને તમે નમ્રતાપૂર્વક અને છૂપી રીતે પોકારો છો કે જો તેણે અમને (આ મુસીબતથી) બચાવી લીધા તો અમે જરૂર તેનો શુકર કરવાવાળા બની જઈશું.
૬૪. તમે તેમને કહી દો કે અલ્લાહ જ તમને દરેક દુઃખ અને તકલીફથી બચાવે છે, તો પણ તમે તેના ભાગીદાર ઠેરવવા લાગો છો.
૬૫. તમે તેમને કહી દો કે અલ્લાહ એ વાતની કુદરત ધરાવે છે કે તે તમારા પર તમારી ઉપરથી કોઈ અઝાબ ઉતારે અથવા તો તમારા પગ નીચેથી કોઈ અઝાબ તમારા પર લાવી દે અથવા તમને જુથ જુથ બનાવી, એક જૂથને બીજા સાથે લડાઈ કરાવે, જુઓ! અમે અલગ અલગ રીતે અમારી આયતો વર્ણન કરો રહ્યા છે, જેથી તેઓ સમજી જાય. .
૬૬. અને તમારી કોમ આ (કુરઆન)ને જુઠલાવે દીધું, જો કે તે સાચું છે, તમે કહી દો કે હું તમારા પર વકીલ નથી. (કે હું તમને સત્યમાર્ગ પર લાવીને છોડું)
૬૭. દરેક ખબર નો એક સમય છે અને નજીક માંજ તમને ખબર પડી જશે.
૬૮. અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો.
૬૯. આ જાલિમ લોકોના હિસાબમાં કઈ પણ વસ્તુની જવાબદારી તે લોકોની નથી, જેઓ અલ્લાહથી ડરે છે, પરંતુ નસીહત કરવી તેમના જરૂરી છે, જેથી ખોટા કાર્યોથી બચીને રહે.
૭૦. અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત- ગમત બનાવી દીધો છે અને દુનિયાના જીવને તેઓને ધોકામાં રાખી મૂક્યા છે અને આ કુરઆન વડે શિખામણ આપતા રહો, કે દરેક વ્યક્તિ પોતાના અમલના બદલામાં ઝકડાયેલો છે, અલ્લાહ સિવાય ન તો તેની કોઈ મદદ કરનાર હશે અને ન તો કોઈ ભલામણ કરનાર અને જો તે કોઈ વસ્તુનો બદલો આપવા ઇચ્છશે તો તે કબૂલ કરવામાં પણ નહીં આવે, આ જ લોકો પોતાના કર્મોના કારણે ઝકડાયેલા છે અને જે કૂફર કરી રહ્યા છે, તેમને પીવા માટે ઉકળતું પાણી અને દુઃખદાયી અઝાબ મળશે.
૭૧. તમે આ કાફિરોને કહી દો કે શું અમે અલ્લાહ તઆલાને છોડીને એવા લોકોને પોકારીએ જેઓ ન તો અમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો અમને નુકસાન પહોંચાડી શકે છે, અલ્લાહએ અમને હિદાયત આપી છે, તો શું ત્યારપછી અમે ઊંધા પગ વડે ફરી જઈએ, જેવું કે કોઈને શેતાને જંગલમાં પથભ્રષ્ટ કરી દીધો હોય અને તે હેરાન તેમજ પરેશાન હોય અને તેના સાથી તેને પોકારી રહ્યા હોય કે જો તમને હિદાયત જોઈતી હોય તો અમારી પાસે આવો, આપ તેમને કહી દો કે હિદાયત તો તે છે, જે અલ્લાહ આપે અને અમને તો આ જ આદેશ મળ્યો છે કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના આજ્ઞાકારી બની જઈએ.
૭૨. અને એ (આદેશ આપવામાં આવ્યો છે) કે નમાઝ કાયમ કરો અને તેનાથી ડરતા રહો અને તે જ છે જેની તરફ તમે સૌ ભેગા કરવામાં આવશો.
૭૩. અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે સર્જન કર્યુ, અને જે સમયે (ક્યામતના દિવસે) અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે.
૭૪. અને (તે સમયને પણ યાદ કરવા જેવો છે,) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા આઝરને કહ્યું કે શું તમે મૂર્તિઓને ઇલાહ બનાવી દીધી છે? નિ:શંક હું તમને અને તમારી કોમને ખુલ્લી ગુમરાહીમાં જોઇ રહ્યો છું.
૭૫. અને અમે આવી જ રીતે ઇબ્રાહીમને આકાશો અને ધરતીના સર્જન બતાવ્યા, જેથી સંપૂર્ણ ભરોસો કરનારાઓ માંથી બની જાય.
૭૬. પછી જ્યારે રાતનો અંધકાર તેમના પર છવાઇ ગયો, તો તેમણે એક તારો જોયો, તેમણે (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે હું આથમી જનારને પસંદ નથી કરતો.
૭૭. પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે જો મને મારા પાલનહારે માર્ગદર્શન ન આપ્યું, તો હું ગુમરાહ લોકો માંથી બની જઇશ.
૭૮. પછી જ્યારે સૂર્યને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, આ તો સૌથી મોટો છે, પછી જ્યારે તે પણ આથમી ગયો તો, તેમણે કહ્યું કે હે મારી કોમ! જે (સીતારાઓને) અલ્લાહના ભાગીદાર ઠહેરાવી રહ્યાં છો હું તેમનાથી અળગો છું.
૭૯. હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી.
૮૦. અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ વિશે મારી સાથે ઝઘડો કરી રહ્યાં છો, જો કે તેણે (અલ્લાહએ) મને હિદાયત આપી દીધી છે, અને હું તેમનથી ડરતો નથી, જેને તમે અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવો છો, હાં જો મારો પાલનહાર જ કોઇ આદેશ આપવા ઇચ્છે, (તો તે વાત થઈ શકે છે) મારા પાલનહારના જ્ઞાને દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, શું તમે તો પણ વિચારતા નથી.
૮૧. અને જેમને તમે અલ્લાહના શરીક ઠેહરાવ્યા છે, હું તેમનાથી કેવી રીતે ડરું, જ્યારે કે તમે અલ્લાહ સાથે શરીક કરવાથી નથી ડરતા, જેના વિશે અલ્લાહ તઆલાએ કોઇ પૂરાવા ઉતાર્યા નથી, તો આપણા બન્ને જૂથો માંથી સલામતીનો વધારે હકદાર કોણ છે? જો તમે જાણતા હોવ, (તો જવાબ આપો).
૮૨. જે લોકો ઈમાન ધરાવે છે અને પોતાના ઈમાનની સાથે શિર્ક નથી કરતા, આવા જ લોકો માટે સલામતી છે, અને તે જ સત્ય માર્ગ પર ચાલી રહ્યા છે.
૮૩. અને આ જઅમારો પૂરાવો હતો, જે અમે ઇબ્રાહીમ ને તેમની કોમ માટે આપ્યો હતો, અમે જેને ઇચ્છીએ છીએ, દરજ્જા માં વધારો કરીએ છીએ, નિ:શંક તમારો પાલનહાર ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જાણવાવાળો છે.
૮૪. અને અમે ઈબ્રાહીમને ઇસ્હાક અને યાકૂબ આપ્યા, દરેકને અમે સત્યમાર્ગ તરફ માર્ગદર્શન આપ્યું અને ભૂતકાળમાં અમે નૂહને સત્યમાર્ગ બતાવ્યો હતો અને (ઈબ્રાહીમના) સંતાનો માંથી દાઊદ, સુલૈમાન, અય્યુબ, યૂસુફ, મૂસા અને હારૂનને હિદાયત આપ્યું હતું અને આવી જ રીતે સત્કાર્ય કરવાવાળાને બદલો આપતા રહીએ છીએ.
૮૫. અને ઝકરિયા, યહ્યા, ઈસા અને ઇલ્યાસને પણ (હિદાયત આપી હતી), સૌ સદાચારી લોકો માંથી હતા.
૮૬. અને તેવી જ રીતે ઇસ્માઇલ, અલ્ ય-સ-અ, યૂનુસ અને લૂતને તેમના માંથી દરેકને અમે સમગ્ર સૃષ્ટિના લોકો પર અમે પ્રાથમિકતા આપી હતી.
૮૭. અને એવી જ રીતે તેઓના કેટલાક બાપ-દાદાઓને અને કેટલાક સંતાનોને અને કેટલાક ભાઇઓને અને અમે તેઓને પસંદ કરી લીધા અને અમે તેઓને સત્ય માર્ગદર્શન આપ્યું.
૮૮. આ જ અલ્લાહનું માર્ગદર્શન જ છે જેના વડે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને માર્ગદર્શન આપે છે, અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત.
૮૯. આ લોકો એવા હતા કે અમે તેઓને કિતાબ અને હિકમત અને પયગંબરી આપી હતી, જો આ લોકો પયગંબરીનો ઇન્કાર કરે તો, અમે તેના માટે એવા ઘણા લોકો નક્કી કરી દીધા છે, જે આ વાતોનો ઇન્કાર નથી કરતા.
૯૦. આ જ લોકો એવા છે, જેમને અલ્લાહ તઆલાએ હિદાયત આપ્યું હતું, તો તમે પણ તેઓના માર્ગ પર ચાલો, તમે કહી દો કે હું તમારા પાસેથી તે વિશે કંઈ વળતર નથી ઇચ્છતો, આ તો ફકત સમગ્ર માનવજાતિ માટે એક શિખામણ છે.
૯૧. અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર ન કરી, પરંતુ એવું કહી દીધું કે અલ્લાહએ કોઇ વ્યક્તિ પર કંઈ પણ અવતરિત નથી કર્યું, તમે તેમને પૂછો કે તે કિતાબ મૂસા પાસે હતી તેને કોણે ઉતારી હતી? (તે કિતાબ) જે દરેક લોકો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતી, જેને તમે તે વિરોધી કાગળો સાથે મૂકી રાખી છે, જેમાંથી કેટલાક કાગળો જાહેર કરો છો અને ઘણા કાગળોને છૂપાવો છો, અને તે કિતાબ દ્વારા તમને તે શીખવાડવામાં આવ્યું હતું, જે ન તો તમે જાણતા હતા અને ન તો તમારા પૂર્વજો, તમે તેંમને કહી દો કે તેને અલ્લાહ તઆલાએ જ ઉતારી હતી, પછી તેઓને તેઓની અંધશ્રદ્ધામાં રમતા છોડી દો.
૯૨. અને આ કિતાબ, જે અમે અવતરિત કરી છે, તે ઘણી બરકતવાળી છે, પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, જેથી તમે મક્કા વાસીઓને અને આસ-પાસના લોકોને ડરાવો, અને જે લોકો આખિરતને માને છે, એવા લોકો તે (કિતાબ) પર ઈમાન લઇ આવે છે અને તે લોકો હંમેશા નમાઝ કાયમ કરે છે.
૯૩. અને તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ તઆલા પર જૂઠો આરોપ મૂકે છે અથવા એવું કહે કે મારા પર વહી આવે છે, જો કે તેની પાસે કોઇ પણ વાતની વહી નથી આવતી, અને જે વ્યક્તિ એવું કહે છે કે જેવી વાણી અલ્લાહએ અવતરિત કરી છે તેના જેવી જ હું પણ લાવી શકું છું, કાશ તમે આ જાલિમ લોકોને જોતા, જ્યારે તેઓ મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ તેમની તરફ લંબાવતા હશે (અને કહે છે) લાવો પોતામાં જીવો કાઢો. આજે તમને એવો અઝાબ આપવામાં આવશે,જે તમને અપમાનિત કરી દેશે, કારણે કે તમે અલ્લાહ તઆલા વિશે જૂઠી વાતો કહેતા હતા. અને તમે અલ્લાહ તઆલાની આયતો સામે ઇતરાતા હતા.
૯૪. (અને અલ્લાહ તઆલા કહેશે) કે તમે અમારી પાસે એકલા આવી ગયા, જે રીતે અમે તમારું સર્જન પહેલી વખત કર્યુ હતું અને જે કંઈ પણ અમે તમને આપ્યું હતું તેને પોતાની પાછળ જ છોડી આવ્યા અને અમે તો તમારી સાથે તમારા તે ભલામણ કરનારાઓને નથી જોઇ રહ્યા જેનું નામ લઇ તમે દાવો કરતા હતા, કે તેઓ તમારા કાર્યોમાં (અલ્લાહના) ભાગીદાર છે, ખરેખર તેમની સાથે તમારા દરેક સબંધ તૂટી ગયા અને જે (દેવતાઓ) વિશે તમે અનુમાન કરતા હતા તે સૌ તમારાથી અદ્રશ્ય થઈ ગયા
૯૫. નિ:શંક અલ્લાહ તઆલા જ બીજ અને ઠળિયાને ફાડવાવાળો છે, તે સજીવને નિર્જીવ માંથી કાઢે છે અને તે નિર્જીવને સજીવ માંથી કાઢનાર છે. આ કામ તો અલ્લાહ તઆલા જ કરે છે, તો તમે ક્યાં ભટકી રહ્યા છો?
૯૬. તે સવારને લાવનાર અને તેણે જ રાતને આરામ માટે બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને હિસાબ સાથે રાખ્યા છે, આ બધું જ ઝબરદસ્ત તાકાત ધરાવનાર અને બધું જ જાણવાવાળાના અંદાજા પ્રમાણે છે.
૯૭. તે તો છે, જેણે તમારા માટે તારાઓનું સર્જન કર્યું, જેથી તમે તેના વડે અંધારામાં, ધરતી પર અને દરિયાઓમાં પણ રસ્તો શોધી શકો, અમે આ નિશાનીઓ ખૂબ સારી રીતે વર્ણન કરી દીધી, તે લોકો માટે, જે જાણે છે.
૯૮. અને તે તો છે, જેણે તમને એક વ્યક્તિ (આદમ) દ્વારા પેદા કર્યા, પછી એક જ્ગ્યા હંમેશા માટેની છે અને એક જ્ગ્યા થોડાક સમય માટેની છે, નિ:શંક અમે આ પૂરાવા તે લોકો માટે ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધા, જેઓ બુદ્ધિશાળી છે.
૯૯. અને તે તો છે, જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા, જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષના, ઝૈતૂનના અને દાડમના બગીચાઓ બનાવ્યા, તેમના ફળ કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક અલગ અલગ હોય છે, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે પાકે છે, અને તેના પાકી જવાને જૂઓ, આ વાતોમાં તે લોકો માટે ઘણી નિશાનીઓ છે, જે ઈમાન લાવે છે.
૧૦૦. અને તે લોકોએ જિનોને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, જોકે તે લોકોનું સર્જન અલ્લાહ તઆલાએ જ કર્યુ અને તે લોકોએ અલ્લાહ વિશે દીકરા અને દીકરીઓ પૂરાવા વગર ઠેરવી રાખ્યા છે અને તે પવિત્ર અને ઉચ્ચ છે, તે વાતોથી જે આ લોકો કહે છે.
૧૦૧. તે આકાશો અને ધરતીનો સૌ પ્રથમ વખત સર્જન કરનાર છે, અલ્લાહ તઆલાના સંતાન કેવી રીતે હોઇ શકે છે, જેની કોઇ પત્ની જ નથી, અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનું સર્જન કર્યું અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.
૧૦૨. આ જ અલ્લાહ તઆલા તમારો પાલનહાર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, દરેક વસ્તુનું સર્જન કરનાર, તો તમે તેની બંદગી કરો, અને તે દરેક વસ્તુનો કાર્યકર્તા છે.
૧૦૩. કોઇ દૃષ્ટિ તેને પામી શકતી નથી અને તે દરેક દૃષ્ટિને ઓળખી જાય છે, તે અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને ખૂબ માહિતગાર છે.
૧૦૪. તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્ય વાત પહોંચી ગઇ છે, તો હવે જે વ્યક્તિ જોઇ લેશે તે પોતાનો ફાયદો કરશે અને જે વ્યક્તિ આંધળો રહેશે તે પોતાનું નુકસાન કરશે, અને હું તમારો નિરીક્ષક નથી.
وَكَذَٰلِكَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ وَلِيَقُولُواْ دَرَسۡتَ وَلِنُبَيِّنَهُۥ لِقَوۡمٖ يَعۡلَمُونَ [١٠٥]
૧૦૫. અને અમે આવી રીતે પૂરાવાને અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, જેથી ઇન્કાર કરનારા એવું ન કહે કે આ તો તે કોઈની સાથે શીખી લીધું છે અને એટલા માટે પણ કે જ્ઞાન ધરાવનાર માટે આ આયતોનો સ્પષ્ટ કરી દઈએ.
૧૦૬. તમે પોતે આ માર્ગ પર ચાલતા રહો જેની વહી તમારા પાલનહાર તરફથી તમારી પાસે આવી છે, અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને મુશરિકોની પાછળ ન પડશો.
૧૦૭. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો શિર્ક ન કરતા, અને અમે તમને તેઓ માટે નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તો તમે તેમના પર અધિકાર ધરાવો છો.
૧૦૮. (હે મુસલમાનો) જે લોકો અલ્લાહને છોડીને બીજાને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, નહીં તો આ લોકો અજ્ઞાનતાના કારણે અલ્લાહ માટે અપશબ્દો કહેશે, એવી જ રીતે અમે દરેક જુથના અમલને સુંદર બનાવી દીધા છે, પછી તેમને પાલનહાર તરફ પાછા ફરવાનું છે, તો જે કંઈ આ લોકો કરે છે, કરતા રહેવા દો, તેની જાણ અલ્લાહ તેમને આપી દેશે.
૧૦૯. અને આ લોકો અલ્લાહના નામની મજબૂત કસમો ખાય છે કે જો તેમની પાસે મુઅજિઝો આવી જાય તો તેના પર જરૂર ઈમાન લઈ આવે, તમે તેમને કહી દો કે મુઅજિઝા તો અલ્લાહ પાસે છે, અને તમને કઈ રીતે સમજાવવામાં આવે કે કોઈ મૂઅજિઝો તેમની પાસે આવી પણ જાય તો પણ તેઓ ઈમાન નહીં લાવે.
૧૧૦. અને અમે પણ તેઓના હૃદયોને અને તેઓની દૃષ્ટિઓને ફેરવી નાખીશું, જેવું કે આ લોકો તેના પર પ્રથમ વખત ઈમાન ન લાવ્યા, અને અમે તેઓને તેઓની પથભ્રષ્ટતામાં પરેશાન રહેવા દઇશું.
૧૧૧. અને જો અમે તેઓની પાસે ફરિશ્તાઓને મોકલી દેતા અને તેઓ સાથે મૃતકો વાતો પણ કરવા લાગતા, અને અમે તે દરેક નિશાનીઓ તેઓની આંખો સમક્ષ રજૂ કરી દેતા, તો પણ આ લોકો કયારેય ઈમાન ન લાવતા, હાં જો અલ્લાહ ઇચ્છે તો વાત અલગ છે, પરંતુ તેઓમાં વધુ લોકો અજ્ઞાનતાની વાતો કરે છે.
૧૧૨. અને (જે રીતે આ લોકો અમારા પયગંબર સાથે દુશ્મની કરી રહ્યાં છે) એવી જ રીતે અમે દરેક (પાછળના) પયગંબરો માટે કોઈને કોઈ દુશ્મન બનાવ્યા હતા, અર્થાત ઇન્સાન અને જિન્નાતો માંથી શેતાની લોકો, જે ધોખો આપવા માટે એકબીજાને મીઠી વાતો શીખવાડતા રહે છે, અને જો અલ્લાહ ઇચ્છતો તો આવું ન કરતા, એટલા માટે તેઓને તેમના જુઠમાં પડયા રહેવા દો.
૧૧૩. અને (તેઓ એવા કામ) એટલા માટે (પણ કરે છે) કે જે લોકો આખિરતના દિવસ પર ઈમાન નથી લાવતા, તેમના દિલ તે તરફ આકર્ષિત થાય, અને તે લોકો તેને પંસદ કરી લે, અને તે લોકો બુરાઈ કરતા જ રહે, જે હમણાં કરી રહ્યા છે.
૧૧૪. (હે પયગંબર) તમે તેમને કહો કે હું શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું? જો કે તેણે તમારી તરફ વિસ્તારપૂર્વક એક કિતાબ ઉતારી છે, અને જે લોકોને અમે કિતાબ આપી છે, તેઓ જાણે છે કે આ કિતાબ તમારા પાલનહાર તરફથી સત્ય સાથે ઉતારવામાં આવી છે, એટલા માટે તમે શંકા કરનારાઓ સાથે શામેલ ન થશો.
૧૧૫. તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જાણવાવાળો છે.
૧૧૬. (હે મુહમ્મદ) જો તમે જમીનના રહેવાસીઓ માંથી ઘણા લોકોની વાતોને માની લેશો તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, તેઓ તો ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે.
૧૧૭. નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી ગયો છે. અને તે હિદાયત પામેલ લોકોને પણ સારી રીતે જાણે છે.
૧૧૮. (હે ઈમાનવાળાઓ!) જો તમે અલ્લાહની આયતો પર ઈમાન ધરાવતા હોય તો જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેને ખાઓ.
૧૧૯. શું વાત છે, તમે તે વસ્તુ ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે જે કંઈ તેણે તમારા પર હરામ કર્યું છે, તેની સ્પષ્ટતા વિસ્તારપૂર્વક તમારી સમક્ષ વર્ણન કરી દીધી છે, પરંતુ (કોઈ હરામ વસ્તુ ખાવા પર) મજબૂર થઈ જાઓ. અને ઘણા લોકો એવા છે, જે જ્ઞાન વગર જ (ફક્ત) પોતાની મનેચ્છાઓ પાછળ લાગી અન્યને પથભ્રષ્ટ કરતા રહે છે, તમારો પાલનહાર આવા હદ વટાવી દેનાર લોકોને ખૂબ સારી રીતે જાણે છે.
૧૨૦. અને તમે ખુલ્લા અને છૂપા પાપોને છોડી દો, નિ:શંક જે લોકો પાપ કરી રહ્યા છે, તેઓને તેઓના કાર્યોની નજીક માંજ સજા મળશે.
૧૨૧. અને જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં ન આવ્યું હોય તેને ન ખાઓ, કારણકે આ ગુનાહની વાત છે, નિઃશંક શેતાન પોતાના દોસ્તોના દિલોમાં શંકાઓ અને વિવાદાસ્પદ વાતો ઉભી કરતો રહે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડો કરતા રહે અને જો તમે તેમની વાતો માની લેશો તો તમે પણ મુશરિક બની જશો.
૧૨૨. એવો વ્યક્તિ જે પહેલા મૃત હતો, પછી અમે તેને જીવિત કરી દીધો અને અમે તેને એક એવો પ્રકાશ આપી દીધો કે તે તેને લઈ, લોકો વચ્ચે હરે ફરે છે, શું આવો વ્યક્તિ તે વ્યક્તિ જેવો થઇ શકે છે જે અંધકાર માંથી નીકળી જ નથી શકતો, આવી જ રીતે કાફિરોના કાર્યો તેમના માટે ઉત્તમ બનાવી દીધા છે.
૧૨૩. અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના આગેવાનોને જ અપરાધ કરનારા બનાવ્યા, જેથી તે લોકો ત્યાં વિદ્રોહ કરે, પરંતુ તેઓ પોતાની સાથે જ વિદ્રોહ કરી રહ્યા છે અને તેઓને થોડી પણ જાણ નથી,
૧૨૪. અને જ્યારે તેઓ પાસે કોઇ આયત પહોંચે છે તો એવું કહે છે કે, અમે તો કયારેય ઈમાન નહીં લાવીએ, જ્યાં સુધી અમને પણ એવી જ વસ્તુ આપવામાં ન આવે જે અલ્લાહના પયગંબરોને આપવામાં આવે છે, આ તો અલ્લાહ ખૂબ જ સારી રીતે જાણે છે કે તે પોતાની પયગંબરીનું કામ કોની પાસે લે. જેમણે અપરાધ કર્યો છે, અલ્લાહની પાસે અપમાનિત થશે અને તેઓની મસ્તીના બદલામાં સખત સજા (થશે).
૧૨૫. તો જે વ્યક્તિને અલ્લાહ તઆલા હિદાયત પર લાવવા ઇચ્છે તેના હૃદયને ઇસ્લામ માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ઇચ્છે તેના હૃદયને ઘણું જ તંગ કરી દે છે, જેવું કે તે ખૂબ જ સખતી સાથે આકાશ પર ચઢી રહ્યો હોય, જે લોકો ઈમાન નથી લાવતા અલ્લાહ તઆલા તેમના પર (સત્યની દુરી અને નફરત)ની નાપાકી નાખી દે છે.
૧૨૬. અને આ જ (ઇસ્લામ) તારા પાલનહારનો સત્ય માર્ગ છે, અમે શિખામણ પ્રાપ્ત કરવાવાળાઓ માટે આ આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી દીધી છે.
૧૨૭. તે લોકો માટે તેઓના પાલનહાર પાસે સલામતીવાળું ઘર છે અને અલ્લાહ તેઓને પસંદ કરે છે, તેઓના કાર્યોના કારણે.
૧૨૮. અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, તો (કહેશે) હે જિન્નાતોનું જૂથ! તમે માનવીઓ માંથી ઘણા લોકોને પોતાના તાબેઅ કરી દીધા હતા, અને માનવીઓ માંથી આ પ્રમાણે જે લોકો જિન્નાતોના દોસ્ત હશે, તેઓ કહેશે, હે અમારા પાલનહાર! અમે બન્નેએ એકબીજાથી ખૂબ જ ફાયદો ઉઠાવ્યો, અહીં સુધી કે તે સમય આવી ગયો, જે તે અમારા માટે નક્કી કર્યા હતો, અલ્લાહ તઆલા કહેશે, સારું તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે, જેમાં તમે હંમેશા માટે રહેશો. પરંતુ જેટલો સમય તમને બચાવવા ઇચ્છશે તો બચાવી લેશે, ખરેખર તે હિકમતવાળો અને જાણવાવાળો છે.
૧૨૯. અને આવી જ રીતે અમે કેટલાક જાલિમ લોકોને એકબીજાને સાથી બનાવી દઈશું, કારણકે તે સૌ (ભેગા મળીને) જ આવા કામ કરતા હતા.
૧૩૦. પછી અલ્લાહ તેમને કહેશે, હે જિન્નાતો અને માનવીઓના જૂથો! શું તમારી પાસે તમારા માંથી જ પયગંબર નથી આવ્યા, જે તમારી સમક્ષ મારા આદેશોનું વર્ણન કરતા હતા, અને તમને આ દિવસની ખબર આપતા હતા? તે સૌ કહેશે કે હા, અમે જ પોતાના વિરુદ્ધ આ ગવાહી આપીએ છે, વાત એવી હતી કે દુનિયાના જીવને તેમને ધોખમાં રાખ્યા હતા, એટલા માટે તેઓ પોતાના વિરુદ્ધ ગવાહી આપવા માટે મજબૂર થશે, કે ખરેખર તેઓ (અલ્લાહની આયતોના) ઇન્કાર કરનારા હતા.
૧૩૧. આ ગવાહી એટલા માટે હશે કે તમારો પાલનહાર કોઇ વસ્તીના લોકોને ઇન્કારના કારણે એવી સ્થિતિમાં નષ્ટ નથી કરતો કે, તે વસ્તીના રહેવાસીઓ અજાણ હોય.
૧૩૨. અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી.
૧૩૩. અને તમારો પાલનહાર ઘણો જ ગની (ધનવાન), દયાવાન છે, જો તે ઇચ્છે તો તમારા સૌને ઉઠાવી લે અને તમારા પછી જેને ઇચ્છે તમારા બદલામાં વસાવી દે, જેવું કે તમને એક બીજી કોમની પેઢી માંથી પેદા કર્યા છે.
૧૩૪. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, (કયામત) તે ચોક્કસ આવનારી છે અને તમે કોઈ (અલ્લાહને) રોકી શકતા નથી.
૧૩૫. તમે તેમને એવું કહી દો કે હે મારી કોમના લોકો! તમે પોતાની જગ્યાઓ પર કર્મ કરતા રહો, હું પણ કર્મો કરતો રહીશ, પછી નજીકમાં જ તમને ખબર પડી જશે કે કે આ જગતનું પરિણામ કોના માટે લાભદાયક હશે, આ ચોક્કસ વાત છે કે અત્યાચારીઓ કયારેય સફળ નહીં થાય.
૧૩૬. અને અલ્લાહ તઆલાએ જે ખેતી અને જાનવરોનું સર્જન કર્યુ છે, તે લોકોએ તેમાંથી થોડોક ભાગ અલ્લાહ માટે નક્કી કર્યો અને પોતાના અનુમાન પ્રમાણે એવું કહે છે કે આ ભાગ અલ્લાહનો છે અને આ ભાગ અમારા ભાગીદારોનો છે, હવે જે ભાગ તેમના ભાગીદારોનો હતો તે ભાગ અલ્લાહના ભાગમાં ભેગી ન થઈ શકતો, અને જે ભાગ અલ્લાહનો હતો તે ભાગમાં તેમના ભાગીદારોનો ભાગ થઈ શકતો હતો, આ લોકો કેટલો ખરાબ નિર્ણય કરતા હતા.
૧૩૭. અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની હત્યા કરવાને સુંદર બનાવી દીધી છે, જેથી તે તેમને નષ્ટ કરી દે અને જેથી તેમને તેમના ધર્મ વિશે શંકામાં નાંખી દે અને જો અલ્લાહ ઇચ્છતો તો આ લોકો આવું કાર્ય ન કરતા, તો તમે તેઓને અને જે કંઈ તેઓ ખોટી વાતો કહી રહ્યા છે, આમ જ રહેવા દો.
૧૩૮. કહે છે કે આ પ્રમાણેની ઉપજો અને જાનવરો પર રોક લગાવી છે, તેઓ પોતાના અનુમાન પ્રમાણે તે જ વસ્તુ ખાઈ શકે છે, જેની તેઓ ઈચ્છા કરે અને કેટલાક ઢોર છે, જેની પીઠ હરામ છે, (તેમના પર ન તો કોઈ સવારી કરી શકે છે અને ન તો કોઈ ભાર મૂકી શકે છે) અને કેટલાક ઢોર એવા છે, જેમના પર તેઓ (ઝબહ કરવાના સમયે) અલ્લાહનું નામ નથી લેતા, આ બધું જ અલ્લાહ પર જુઠ બાંધે છે અને નજીકમાં જ અલ્લાહ તઆલા તેમના જુઠનો બદલો આપી દેશે.
૧૩૯. અને તેઓ કહે છે કે જે વસ્તુ તે જાનવરોના પેટમાં છે, તે ફકત અમારા પુરુષો માટે જ હલાલ છે, અને અમારી સ્ત્રીઓ માટે હરામ છે અને જો તે બાળક મૃત હોય, તો તેમાં પુરુષ અને સ્ત્રી બન્ને ખાઈ શકે છે, હવે અલ્લાહ તેઓને તેમના જૂઠાણાંની સજા જરૂર આપી દેશે, નિ:શંક તે હિકમતવાળો અને ઘણો જ જ્ઞાની છે.
૧૪૦. જે લોકોએ અજાણતા અને મૂર્ખતાના કારણે પોતાના સંતાનને મારી નાખી અને અલ્લાહ પર જુઠ કહેતા, તે રોજીને હરામ કરી, જે અલ્લાહએ તેમને આપી હતી, આ એવા ગુમરાહ લોકો છે, જેઓ સત્ય માર્ગ પર આવી નથી શકતા.
૧૪૧. અલ્લાહ તે જ છે, જેણે બગીચાઓ બનાવ્યા, જેમાંથી કેટલાક પર વેલ ચઢાવવામાં આવી, જે આશરો લઈ ઉપર ચઢે છે અને બીજા તે વૃક્ષ, જે પોતાના મૂળિયા પર ઉભા રહે છે, તેમજ ખજૂરો અને ખેતી પેદા કરી, જેના દ્વારા કેટલાય પ્રકારનસ ભોજનો પ્રાપ્ત થાય છે, એવી જ રીતે તેને ઝેતુન અને દાડમ પેદા કર્યા, જેમના ફળ અને સ્વાદ એક જેવો પણ હોય છે અને અલગ અલગ પણ હોઈ છે, જ્યારે આ વૃક્ષ ફળ આપે, તો પોતે પણ ખાઓ અને ઉપજ કાઢતી વખતે તેના માંથી અલ્લાહનો ભાગ પણ કાઢો, અને વ્યર્થ ખર્ચ ન કરો કારણકે અલ્લાહ તઆલા વ્યર્થ ખર્ચ કરનારને પસંદ નથી કરતો.
૧૪૨. અને અલ્લાહ તઆલાએ ઢોરો માંથી તે જાનવરો પણ પેદા કર્યા, જે ભાર ઉઠાવે છે અને જે જમીન પણ હોય છે, (સર્જન કર્યું), જે કંઈ અલ્લાહએ તમને આપ્યું છે ખાઓ, અને શેતાનનું અનુસરણ ન કરો, નિ:શંક તે તમારો ખુલ્લો શત્રુ છે.
૧૪૩. (ઢોરના) કુલ આઠ પ્રકારના નર અને માદા છે, એટલે કે ઘેટાની જાતમાં બે પ્રકાર અને બકરીમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે? અથવા તેને, જે બન્ને માદાના પેટમાં છે? તમે મને કોઇ પુરાવા તો બતાવો જો તમે સાચા હોવ.
૧૪૪. અને ઊંટમાં બે પ્રકાર અને ગાયમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે? અથવા તેને, જે બન્ને માદાના પેટમાં છે? શુ અલ્લાહ તઆલા જ્યારે આદેશ આપ્યો તો તમે ત્યાં હાજર હતા? તો તેના કરતા વધારે કોણ અત્યાચારી હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર કોઇ પુરાવા વગર જૂઠ બાંધે, જેથી લોકોને જ્ઞાન વગર જ ગુમરાહ કરે, નિ:શંક અલ્લાહ તઆલા જાલિમ લોકોને હિદાયત નથી આપતો.
૧૪૫. તમે તેમને કહી દો કે જે કંઈ આદેશો વહી દ્વારા મારી પાસે આવ્યા, તેમાં તો હું કોઇ હરામ નથી જોતો, જે ખાવાવાળા માટે હરામ હોય, પરંતુ એ કે તે (જાનવર) મૃતક હોય, અથવા કે વહેતું લોહી હોય, અથવા ડુક્કરનું માંસ હોય, કારણ કે તે તદ્દન નાપાક છે, અથવા એવું (જાનવર) કે જે અલ્લાહના નામ સિવાય બીજા પૂજ્યોના નામ પર છોડી દેવામાં આવ્યું હોય, પછી જે વ્યક્તિ લાચાર બની જાય (તો તે ખાઇ શકે છે), શરત એ છે કે તે શોખ માટે ન ખાતો હોય અને ન તો હદવટાવી દેનાર હોય, તો ખરેખર તમારો પાલનહાર માફ કરનાર, દયાળુ છે.
૧૪૬. અને યહૂદીઓ માટે અમે દરેક નખવાળા જાનવર હરામ કરી દીધા હતા, ગાય અને બકરી તે બન્નેની ચરબી હરામ કરી દીધી હતી, પરંતુ (તે ચરબી) જે તેઓની પીઠ અને આંતરડા પર હોય, અથવા જે હાડકા સાથે હોય (તે હલાલ કરી), તેઓના વિદ્રોહના કારણે અમે તેઓને આ સજા આપી અને અમે ખરેખર સાચા છે.
૧૪૭. પછી જો આ યહૂદી લોકો તમને જુઠ્ઠાં કહે, તો તમે કહી દો કે, તમારો પાલનહાર ઘણો જ વિશાળ દયાળુ છે, (અત્યાર સુધી તમારા પર અઝાબ નથી આવ્યો) નહીં તો અપરાધીઓ માટે તેનો અઝાબ ટાળવામાં નહીં આવે.
૧૪૮. આ મુશરિકો (જવાબમાં) કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારા અઝાબનો સ્વાદ ચાખ્યો, તમે તેમને કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો હોય તો તેને અમારી સમક્ષ જાહેર કરો? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરી રહ્યા છો.
૧૪૯. (હે પયગંબર) તમે તેમને કહી દો (તમારી કાલ્પનિક વાતો કરતા) સાચા પુરાવા અલ્લાહ પાસે જ છે, જો તે ઇચ્છતો તો તમને સૌને સત્યમાર્ગ બતાવી દીધો હોત.
૧૫૦. તમે તેમને કહી દો કે, પોતાના તે સાક્ષીઓને તો લાવો, જેઓ તે વાતની સાક્ષી આપે કે, અલ્લાહએ તે વસ્તુને હરામ ઠેરવી છે, પછી જો તેઓ સાક્ષી આપી દે તો તમે તેની સાક્ષી ન આપો અને ન તો એવા લોકોના ખોટા વિચારોનું અનુસરણ કરશો, જેઓ અમારી આયતોને જુઠલાવે છે અને તે આખિરત ના દિવસ પર ઈમાન નથી ધરાવતા અને તેઓ પોતાના પાલનહાર સાથે બીજાને ભાગીદાર ઠેરવે છે.
૧૫૧. તમે તેમને કહી દો કે આવો, હું તમને તે વસ્તુ પઢી સંભળાવું, જેને તમારા પાલનહારે તમારા પર હરામ ઠેરવ્યું છે, તે આ છે કે, અલ્લાહની સાથે કોઇ પણ વસ્તુને ભાગીદાર ન ઠેરવો અને માતા-પિતા સાથે ઉપકારભર્યું વતન કરો અને પોતાના સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેઓને રોજી આપીએ છીએ અને અશ્લીલતાના જેટલા માર્ગ છે તેની પાસે પણ ન ભટકો, ભલેને તે જાહેર હોય કે છૂપા, અને જેને કતલ કરવા પર અલ્લાહ તઆલાએ હરામ ઠેરવ્યું છે, તેને કતલ ન કરો, હાં પરંતુ સત્યની સાથે હોય, આ વસ્તુઓની શીખ તેણે તમને ભારપૂર્વક આપી છે જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
૧૫૨. અને અનાથોના ધન પાસે પણ ન જાઓ, પરંતુ એવી રીતે જે તેના માટે સારું હોય, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને માપ-તોલ પૂરેપૂરું કરો, ન્યાયથી, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિથી વધારે તકલીફ નથી આપતા, અને જ્યારે તમે વાત કરો તો ન્યાય કરો, ભલેને તે વ્યક્તિ સગા સંબંધી માંથી હોય, અને અલ્લાહ તઆલાને જે વચન આપ્યું છે તેને પુરું કરો, અલ્લાહ તઆલાએ તમને આ વસ્તુઓનો આદેશ ભાર પૂર્વક આપ્યો છે જેથી તમે સમજો.
૧૫૩. અને એ કે આ દીન જ મારો માર્ગ છે જે સત્ય છે, તો તે માર્ગ પર ચાલો અને બીજા માર્ગો પર ન ચાલો, નહીં તો તે માર્ગ તમને અલ્લાહના માર્ગથી અલગ કરી દેશે, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે, જેથી તમે ડરવા લાગો.
૧૫૪. પછી અમે મૂસાને એવી કિતાબ આપી હતી, જે નેક લોકો માટે સંપૂર્ણ કિતાબ હતી, અને તેમાં દરેક (જરૂરી) વાતોની સ્પષ્ટતા પણ હતી અને આ કિતાબ હિદાયત અને રહેમતવાળી પણ હતી, (અને એટલા માટે આપી હતી કે) કદાચ તેઓ પોતાના પાલનહારની મુલાકાત પર ઈમાન લાવે.
૧૫૫. અને આ કિતાબ (કુરઆન) જે અમે ઉતારી છે તે ખૂબ જ બરકતવાળી કિતાબ છે, એટલા માટે તમે તેનું અનુસરણ કરો અને અલ્લાહથી ડરતા રહો, કદાચ કે તમારા પર રહેમ કરવામાં આવે.
૧૫૬. એટલા માટે (આ કિતાબ ઉતારી છે) કે તમે એવું ન કહો કે કિતાબ તો અમારાથી પહેલાના બે જુઠ (યહૂદી અને નસારા માટે) જ ઉતારવામાં આવી હતી અને અમે તો તેને પઢવા અને પઢાવવાથી અજાણ રહ્યા,
૧૫૭. અથવા એવું ન કહેવા લાગો કે જો અમારા પર કોઇ કિતાબ ઉતારવામાં આવતી તો, અમે તેમના કરતા પણ વધારે હિદાયત પર હોત, તો હવે તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ પુરાવો, હિદાયત અને રહેમત આવી પહોંચી છે, હવે તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે, જે અમારી આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવી લે છે, અમે નજીક માંજ તે લોકોને જેઓ અમારી આયતોથી મોઢું ફેરવી લે છે, તેઓના આ અમલના કારણે સખત અઝાબ આપીશું.
૧૫૮. શું આ લોકો ફકત તે આદેશની રાહ જુએ છે કે, તેઓ પાસે ફરિશ્તાઓ આવે અથવા તેમની પાસે તમારો પાલનહાર આવે, અથવા તમારા પાલનહારની કોઇ (મોટી) નિશાની આવે? જે દિવસે તમારા પાલનહારની કોઇ મોટી નિશાની આવી પહોંચશે, કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય, તમે તેમને કહી દો કે તમે રાહ જુઓ અને અમે પણ રાહ જોઇ રહ્યા છે.
૧૫૯. (હે પયગંબર) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને કેટલાય જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો જણાવી દઈશું.
૧૬૦. જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેને તેના કરતા દસ ગણું વળતર મળશે, અને જે વ્યક્તિ ખોટું કાર્ય કરશે તેને તેના (ગુના) જેટલી જ સજા મળશે, અને તે લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે.
૧૬૧. (હે પયગંબર) તમે તેમને કહી દો કે મને મારા પાલનહારે એક સીધો માર્ગ બતાવ્યો છે, કે જે તદ્દન સાચો દીન છે, જે ઇબ્રાહીમ હનીફનો માર્ગ છે, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તેઓ મુશરિક ન હતા.
૧૬૨. તમે કહી દો કે, નિ:શંક મારી નમાઝ, અને મારી દરેક બંદગીઓ અને મારું જીવન અને મારું મૃત્યુ, આ બધું ફકત અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો માલિક છે.
૧૬૩. તેનો કોઇ ભાગીદાર નથી, અને મને તેનો જ આદેશ આપવામાં આવ્યો છે, અને હું સૌથી પહેલા અલ્લાહનો આજ્ઞાકારી બંદો બનું છું.
૧૬૪. તમે તેમને કહી દો કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજાને પાલનહાર બનાવું? જો કે તે દરેક વસ્તુનો માલિક છે અને જે વ્યક્તિ કોઇ પણ ખરાબ કાર્ય કરશે તો તેનો ભાર તેના પર જ હશે, અને કોઇ બીજાનો ભાર નહીં ઉઠાવે, પછી તમારે સૌએ પોતાના પાલનહાર પાસે પરત ફરવાનું છે, પછી જે જે વસ્તુનો તમે વિરોધ કરતા હતા તે બધું જ તમને જણાવી દેશે.
૧૬૫. તે તો છે, જેણે તમને ધરતી પર નાયબ બનાવ્યા અને એક-બીજા પર શ્રેષ્ઠતા આપી, જેથી તમને જે કંઇ આપી રાખ્યું છે તેમ તમારી કસોટી કરે, ખરેખર તમારો પાલનહાર નજીક માંજ સજા આપશે, અને ખરેખર (સાથે સાથે) તે ખૂબ જ માફ કરવાવાળો અને ખૂબ જ દયાળુ છે.