The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesNooh [Nooh] - Gujarati translation
Surah Nooh [Nooh] Ayah 28 Location Maccah Number 71
૧. નિ:શંક અમે નૂહ ને તેમની કોમ તરફ (પયગંબર) બનાવી મોક્લ્યા કે પોતાની કોમને (ખરાબ પરિણામથી) ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમનાં પર એક દુ:ખદાયી અઝાબ આવી જાય.
૨. (નૂહ એ) કહ્યુ, કે હે મારી કોમ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.
૩. કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો.
૪. તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જશે, તો તેમાં વાર નહીં થાય કદાચ કે તમે આ વાત જાણતા હોત.
૫. (નૂહ એ) કહ્યુ, હે મારા પાલનહાર! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા.
૬. પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા.
૭. મેં જ્યારે પણ તેમને તારી માફી તરફ બોલાવ્યા, તો તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ તેમજ ઘમંડ કરવા લાગ્યા .
૮. પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા.
૯. અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ .
૧૦. અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ માફ કરવાવાળો છે.
૧૧. તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે.
૧૨. અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે.
૧૩. તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા.
૧૪. જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે.
૧૫. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કેવી રીતે સાત આકાશો તળ પર તળ બનાવ્યા?
૧૬. અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક.
૧૭. અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)
૧૮. ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે.
૧૯. અને અલ્લાહ તઆલાએ જ તમારા માટે ધરતીને પાથરણું બનાવી દીધુ છે.
૨૦. જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો.
૨૧. નૂહ એ કહ્યુ કે હે મારા પાલનહાર! તે લોકોએ મારી અવજ્ઞા કરી અને અને તેવા લોકોની પાછળ લાગી ગયા, જેમનું ધન અને સંતાનોએ તેમનાં માટે નુકસાનમાં વધારો કર્યો.
૨૨. અને તે લોકોએ ખૂબ યુક્તિઓ કરી.
૨૩. અને તેમણે કહ્યુ કે તમે પોતાના પુજ્યોને કદાપિ ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો).
૨૪. તે લોકોએ ઘણા લોકોને ગુમરાહ કરી દીધા. તો હવે (હે અલ્લાહ) તુ તે જાલિમોની ગુમરાહીમાં વધારો કર.
૨૫. આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. પછી તે લોકોએ પોતાના માટે અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદગાર ન જોયો.
૨૬. અને નૂહ એ કહ્યુ, કે હે મારા પાલનહાર! કાફિરો માંથી કોઈને તું આ જમીન પર રહેવા માટે ન છોડીશ.
૨૭. જો તુ તેમને છોડી દઇશ, તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેમની જે સંતાન હશે, તેઓ પણ દુરાચારી અને સખત કાફિર જ હશે.
૨૮. હે મારા પાલનહાર! તુ મને અને મારા માતા-પિતાને અને તે દરેક વ્યક્તિને, જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં હોય અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને જાલિમોની બરબાદીમાં વધારો કર.