عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Jinn [Al-Jinn] - Gujarati translation

Surah The Jinn [Al-Jinn] Ayah 28 Location Maccah Number 72

૧. (હે મુહમ્મદ) તમે તેમને કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે આ (કુરઆનને) ધ્યાનથી સાંભળ્યુ પછી (પોતાની કોમ તરફ જઈને) કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે.

૨. જે ભલાઈનો માર્ગ બતાવે છે. એટલે અમે તેના પર ઇમાન લઇ આવ્યા. અને અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ.

૩. અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ બુલંદ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો.

૪. અને એ કે આપણા માંથી મૂર્ખ લોકો અલ્લાહ વિશે જુઠી વાત ઘડતા રહે છે.

૫. અને એ કે અમે તો એવું જ સમજતા હતા કે માનવી અને જિન્નાત અલ્લાહ વિશે કદાપી જૂઠ બોલી નથી શકતા.

૬. અને એ કે માનવીઓ માંથી કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતોનાં ઘમંડમાં વધારો થયો.

૭. અને એ કે માનવીઓ પણ એવું જ સમજતા હતા કે જેવું તામે સમજો છો કે અલ્લાહ કોઇને પણ ક્યારેય બીજીવાર જીવીત નહીં કરે.

૮. અને એ કે અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓથી છવાયેલુ જોયુ.

૯. અને એ કે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવશે તો તે એક અંગારાને પોતાની લાગમાં જોશે.

૧૦. અને એ કે અમે ન જાણી શક્યા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે.

૧૧. અને એ કે અમારા માંથી કેટલાક તો સદાચારીઓ છે. અને કેટલાક તેના કરતા નીચા દરજજાના છે, અમે વિવિધ તરીકા પર વહેંચાયેલા છીએ.

૧૨. અને અમને યકીન થઇ ગયું છે કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ.

૧૩. અને એ કે જ્યારે હિદયાત (ની વાત) સાંભળી તો અમે તેના પર ઇમાન લઈ લાવ્યા અને જે કોઈ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો ભય હશે.

૧૪. અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો.

૧૫. અને જે અન્યાયી લોકો છે તે જહન્નમનું ઇંધણ બનશે.

૧૬. અને જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા.

૧૭. જેથી અમે આ નેઅમત વડે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત અઝાબમાં નાખી દેશે.

૧૮. અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.

૧૯. અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા.

૨૦. તમે તેમને કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારુ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો.

૨૧. કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો.

૨૨. કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું.

૨૩. પરંતુ હું અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દઉ, (હવે) જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

૨૪. (આ લોકો પોતાના માર્ગથી અહી હટે) અહીં સુધી કે તેઓ તેને (અઝાબ) જોઇ ન લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે.

૨૫. કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે.

૨૬. તે ગૈબ જાણવાવાળો છે અને તે પોતાના ગૈબની જાણ કોઈને નથી આપતો.

૨૭. સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે.

૨૮. જેથી તે જાણી લે કે તેઓએ પોતાના પાલનહારનાં આદેશો પહોચાડી દીધા છે, અને તે તેમની દરેક સ્થિતિને ઘેરી રાખી છે, અને તેણે દરેક વસ્તુની સંપૂર્ણ રીતે ગણતરી કરી રાખી છે.