The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThose who drag forth [An-Naziat] - Gujarati translation
Surah Those who drag forth [An-Naziat] Ayah 46 Location Maccah Number 79
૧. કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે.
૨. અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે.
૩. અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે.
૪. પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ!
૫. પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે.
૬. જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે.
૭. ત્યારપછી એકબીજો ઝટકો આવશે.
૮. તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે.
૯. તેમની આંખો ઝુકેલી હશે.
૧૦. તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું?
૧૧. તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું?
૧૨. કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે.
૧૩. સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે.
૧૪. તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે.
૧૫. શું તમને મૂસા ની વાત પહોંચી છે?
૧૬. જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો.
૧૭. (કે) તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે.
૧૮. અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે?
૧૯. અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
૨૦. પછી તેને (મૂસાએ) મોટી નિશાની બતાવી.
૨૧. તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
૨૨. પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો.
૨૩. તેણે સૌને ભેગા કરી પોકાર્યા.
૨૪. કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું.
૨૫. તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો.
૨૬. આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી) ડરતો હોય.
૨૭. શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું.
૨૮. તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
૨૯. અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
૩૦. અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
૩૧. તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
૩૨. અને પર્વતોને (સખત) ઠોસી દીધા.
૩૩. આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
૩૪. તો જ્યારે મોટી આફત આવી જશે.
૩૫. તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
૩૬. અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે.
૩૭. તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
૩૮. અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
૩૯. (તેનું) ઠેકાણું જહન્નમ જ હશે.
૪૦. હા! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
૪૧. તો જન્નત જ તેનું ઠેકાણું હશે.
૪૨. આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે?
૪૩. તમને તેની ચર્ચા કરવાની શી જરૂર?
૪૪. તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે.
૪૫. તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય.
૪૬. જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં) ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે.