عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Defrauding [Al-Mutaffifin] - Gujarati translation

Surah Defrauding [Al-Mutaffifin] Ayah 36 Location Maccah Number 83

૧. વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.

૨. આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.

૩. અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.

૪. શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.

૫. તે મહાન દિવસ માટે.

૬. જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.

૭. કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.

૮. તમને શું ખબર કે સિજ્જીન શું છે?

૯. (આ તો) એક લખેલી કિતાબ છે,

૧૦. તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.

૧૧. જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.

૧૨. તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય.

૧૩. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.

૧૪. કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે.

૧૫. કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે.

૧૬. ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.

૧૭. પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.

૧૮. કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.

૧૯. તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે?

૨૦. (તે તો) એક લેખિત પુસ્તક છે.

૨૧. નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.

૨૨. નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે.

૨૩. ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.

૨૪. તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.

૨૫. આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.

૨૬. જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.

૨૭. અને તેની મિલાવટ તસ્નીમની હશે.

૨૮. (એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.

૨૯. અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.

૩૦. અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.

૩૧. અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.

૩૨. અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.

૩૩. જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.

૩૪. બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.

૩૫. ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે.

૩૬. કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.